મોજની ખોજ - સુભાષ ઠાકર
‘દાદા, આ લો નવો મોબાઇલ પકડો’ ચંબુએ કીધું.
‘કોનો છે?’
‘સેમસંગનો છે.’
‘સેમસંગનો મોબાઇલ હું શું કામ વાપરું? મને પોતાનો મોબાઇલ જોઈએ’ દાદા બોલ્યા.
‘અરે દાદુ, એ કંપનીનું નામ છે. જુઓ, મેં આ તમારું વોટ્સઅપ ખોલ્યું, હવે જોવાનું કે કોણ online છે ને કોનોlast seen છે.’
‘ડોબા, નેવું વર્ષે અહીં મારી જિંદગીની offlineની તૈયારી થવા લાગી છે ને તુ મને online જોવાનું કહે છે? મને પોતાના જીવનની લાસ્ટ સીનની ખબર નથી ને તું મને બીજાનો લાસ્ટ સીન જોવાનું કહે છે. ચંબુ, એક આ last seen today at... સમય બતાવે છે, પણ લાસ્ટ સીન વિથ... ફલાણા-ઢીકણા કે ફલાણી-ઢીકણી સાથે બતાવે તો કેટલાયની વાટ લાગી જાય ને પછી સળગી જાય... મારો લાસ્ટ સીન તો રસીલા સાથે જ રહેવાનો. જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી.’
એટલામાં મોબાઇલ પર રસીલાની ફ્રેન્ડની રિક્વેસ્ટ દેખાણી...
‘અરે દાદા, હવે જલ્દી confirm પર અંગૂઠો દાબો ને જુઓ એ શું લખે છે?’
‘સાચું કઉં, આ રસીલા કઈ ઓછી નથી. અમે કૉલેજમાં હતા ત્યારે મારી સાથે વાત પણ નહોતી કરતી ને હવે નેવુંએ પહોંચ્યા એટલે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. ને પાછું કૉમેન્ટ્સમાં લખે છે ‘યુ આર લુકિંગ હૅન્ડસમ’ તારી ભલી થાય, રસીલી ! સાલુ કૉલેજમાં સાથે ભણતા હતા ત્યારે તારી આંખે મોતિયો હતો? ચંબુ, એ વખતે હું એવો દેખાવડો કે બધાને ગમતો, પણ ગમી જઈએ બધાને એ પણ ક્યાં ગમે છે બધાને? ચંબુ, આ હૅન્ડસમ દેખાવાનું રહસ્ય માત્ર મને જ ખબર છે. તેને તો ખબર જ નથી કે પૅનકાર્ડમાં દેખાઈએ એટલા ખરાબ નથી તો ફેસબુકમાં દેખાઈએ એટલા સુંદર પણ નથી. યુ નો? માથાની વિગને પણ મેં કલર કરીને પહેરી છે. મૂછો પણ મેં ડાઈ કરી છે. મોઢામાં ચોકઠું પહેર્યું છે. હવે પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા. ચંબુડા, સાલો ડર છે કે પોલ પક્ડાશે તો મને છોડી તો નઈ દે ને?
‘જુઓ દાદુ, જો રસીલાબાએ સાચા દિલથી તમને પ્રેમ કર્યો હશે તો તમને નહીં છોડે, પણ તમારા શરીરને પ્રેમ કર્યો હશે તો લોચો... જુઓ દાદુ, હું એક શાયરી લખાવું ‘કભી યુ હી ચલે આયા કરો, દિલકો અચ્છા લગતા હૈ, યુ તન્હાઈયોમે તુમ્હારા દસ્તક દેના’... હવે સેન્ડ કરો. હમણાં બે બ્લુ ટિક દેખાશે.’
દસ મિનિટ થઈ, પણ બ્લુ ટિક ન દેખાઈ ને દાદા અંદરથી મુંઝાયા : ‘જો મેસેજ જોયા પછી જવાબ આપવો હોય તો આપે બાકી આપણને કઈ ગરજ નથી, સમજ્યો?’
‘અરે દાદુ, આ બે ટિકથી બ્લુ ટિક સુધીનો ઇન્તજાર એ ઇશ્ક જ છે.’
‘સાલા, તું તો મારી અંદર શું ચાલે એ પણ સમજી જાય છે.’
‘અરે દાદુ, દિવાળી ભલે તમે વધારે જોઈ હોય પણ ફટાકડા અમે વધારે ફોડ્યા છે.’
‘પણ શું થયુ હશે? જવાબ કેમ નથી આપતી? સીમ-કાર્ડ બદલ્યું હશે કે મન બદલ્યું હશે? નંબર બદલ્યો હશે કે મૂડ બદલાયો હશે? એના મોબાઇલની બૅટરી લો થઈ હશે કે મનમાં બીજો કોઈ...’
‘અરે દાદુ, થોડી ધીરજ રાખો, ચાલો આપણને આટલાં વર્ષે રસીલાબા મળ્યાં એની ખુશાલીમાં ઑનલાઇન મીઠાઈ મગાવીએ. તમે ‘એમેઝોન’ ટાઇપ કરો.’
‘ટિંગટોન,‘એમેઝોનમાં આપનું સ્વાગત છે. મીઠાઈ માટે પ્રેસ વન, ફરસાણ માટે પ્રેસ ટુ.’
દાદાએ એક દબાવ્યું.
કૉલ સેન્ટર: ‘લાડવા માટે પ્રેસ વન, રસગુલ્લા માટે પ્રેસ ટુ, ગુલાબજાંબુ માટે પ્રેસ થ્રી’ દાદાએ લાડવા માટે એક દબાવ્યું.
કૉલ સેન્ટર: બુંદીના લાડુ માટે પ્રેસ વન, મોતીચૂર માટે ટુ, ચુરમાના લાડુ માટે થ્રી.’
દાદાએ મોતીચૂર માટે બે દબાવ્યું.
‘એક કિલો માટે પ્રેસ વન, પાંચ કિલો માટે પ્રેસ ટુ, દસ કિલો માટે થ્રી ને એક ક્વિન્ટલ માટે પ્રેસ ફોર...’
દાદાનો અંગૂઠો ભૂલથી ચાર પર લાગ્યો ને ચંબુ ભડક્યો :
‘શું કરો છો દાદા, મોટો લોચો માર્યો. આપણે ગામને સમૂહ ભોજન નથી કરાવવાનું.’
‘હવે થઈ જાય, ભૂલ તો ભગવાનથી પણ થાય.’
એક કલાકે દાદાનો મોબાઇલ રણક્યો ‘તમે એક ક્વિન્ટલ મોતીચૂર લાડુ માટે ઑર્ડર આપેલો એ તૈયાર છે. સરનામું મોકલો.
‘સરનામું? એ ભાઈ, મારું ફરી નથી ગયું કે એક ક્વિન્ટલ મોતીચૂર મગાવું.’
‘તો તમારા ભાઈએ ઑર્ડર આપ્યો હશે, એમને આપો.’
‘અમે પાંચ ભાઈ છીએ. સૌથી મોટા માટે એક દબાવો, નાના માટે બે, એનાથી નાના માટે થ્રી...’
ત્યાં તો સામેથી ફોન કટ થઈ ગયો. પણ ત્યાં દરવાજાનો બેલ વાગ્યો ‘જો તો ચંબુ કોણ છે?’
‘દાદા, હું નથી ઓળખતો, કોઈ મોટી ઉંમરનાં બહેન છે’ એટલામાં તો એ બહેન અંદર આવી ગયાં ને દાદા ચમક્યા :
‘રસીલા તુંઉઉઉ? વૉટ અ સરપ્રાઇઝ.’
ત્યાં તો ફરીથી દરવાજો ખખડ્યો : ‘દાદા, હવે તમે દરવાજો ખોલો.’
‘ચંબુડા, સાલુ મરી ગયા. આ એક ક્વિન્ટલ લાડુ... મે તો એડ્રેસ આપ્યું જ નથી.’
‘અરે જલસા કરો દાદુ. મેં આપ્યું છે. રસીલાદાદીને પણ મેં જ એડ્રેસ આપેલું. આટલાં વર્ષે મારા દાદુને દાદી મળી ને એ ખુશીમાં ગામને સમૂહ ભોજન ન કરાવું? ને લો આ કવર...
‘કવર?’
‘હા, સીમલાની તમારા હનીમૂન માટેની બે ટિકિટ.’
મિત્રો, બંનેનાં હૈયાં પાનખરમાં પણ વસંત બની મહેકી ઉઠ્યાં. આંખો ખુશીથી છલકાઈ ઊઠી. તમારે પણ ખુશીમાં ભાગ લેવા આવવું હોય તો આવી જાઓ. શું કહો છો? ! ઉ