Mon May 25 2026

Logo

Mental Health Crisis: દર 43 સેકન્ડે એક આત્મહત્યા! દર આઠમી વ્યક્તિ જીવે છે માનસિક તણાવમાં, જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો દાવો...

2026-05-25 14:32:00
Author: Darshana Visaria
Article Image

દુનિયાભરની ઝડપથી બદલાઈ રહેલી લાઈફસ્ટાઈલ અને વધતા જતા માનસિક તણાવ વચ્ચે મેન્ટલ હેલ્થ (નું સંકટ એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સ્વિટ્ઝરલેન્ડના જિનીવા ખાતે આયોજિત 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (79th World Health Assembly 2026)માં આ વિષયને સૌથી મહત્વના મુદ્દા તરીકે સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે હુ દ્વારા આ બાબતે જે આંકડાઓ આપવામાં આવ્યા છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે. ચાલો જોઈએ દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં શું છે સ્થિતિ... 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સનસનાટીભર્યા રિપોર્ટ અનુસાર, દુનિયાનો દર આઠમો વ્યક્તિ અત્યારે કોઈ ને કોઈ માનસિક બીમારીનો સામનો કરી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે. આ આંકડાઓ દર્શાવે છે કે દુનિયાભરમાં એક અબજ એટલે કે 100 કરોડથી વધુ લોકો ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આજે આપણે આ સ્ટોરીમાં આ પાછળના કારણો, પરિણામો અને એનાથી કઈ રીતે બચી શકાય એ વિશે વાત કરીશું. 

દર 43 સેકન્ડે એક વ્યક્તિ ગુમાવે છે જીવ 
મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ'ના વિશ્લેષણ અનુસાર, દુનિયામાં દર વર્ષે આશરે 7.4 લાખ લોકો આત્મહત્યા કરે છે. આનો અર્થ એ થયો કે દર 43 સેકન્ડે એક વ્યક્તિ સ્યુઈસાઈડ કરે  છે. 15થી 29 વર્ષના યુવાનોમાં મોતનું ત્રીજું સૌથી મોટું કારણ મેન્ટલ ડિસઓર્ડર અને આત્મહત્યા છે.

વૈશ્વિક સ્તરે મહિલાઓમાં એન્ઝાયટી અને ડિપ્રેશનના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ, દુનિયામાં સૌથી વધુ એન્ઝાયટીના દર્દીઓ પોર્ટુગલમાં છે, જ્યારે ડિપ્રેશનના કેસમાં સીરિયા ટોચ પર છે. પુરુષોમાં માનસિક તણાવ અવારનવાર નશાની લત, આક્રમક વર્તન અને ગુસ્સાના સ્વરૂપમાં બહાર આવે છે, જેના લીધે પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

કોવિડ પછી ગંભીર બની છે સમસ્યા
કોવિડ-19 મહામારી પછી માનસિક વિકારોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને અને 15.6 ટકા સાથે અમેરિકા આ યાદીમાં પહેલાં સ્થાને છે. અહીંના લોકો સૌથી વધુ માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને પીડાઈ રહ્યા છે. ત્યાર બાદ વારો આવે છે યુરોપનો. અહીં 14.2 ટકા લોકોને મેન્ટલ હેલ્થનો ઈશ્યુ છે. ત્રીજા સ્થાનની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ એશિયાના ભારત સહિત અન્ય દેશોમાં 13.2 ટકા લોકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન'ના જણાવ્યા અનુસાર આ બીમારીઓ હવે વૈશ્વિક સ્તરે વિકલાંગતાનું સૌથી મોટું કારણ બની રહી છે.

સરકારોની ઉદાસીનતા
આટલા મોટા સંકટ છતાં, દુનિયાભરની સરકારો આ વિષયની ગંભીરતા સમજ્યા વિના જ તેની તરફ સતત આંખ આડા કાન કરીને ઉદાસીનતા દાખવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સરકારો પોતાના કુલ હેલ્થ બજેટના સરેરાશ માત્ર 2 ટકા હિસ્સો જ મેન્ટલ હેલ્થ પાછળ ખર્ચ કરે છે, જે આ સમસ્યા વધવા પાછળનું મુખ્ય કારણ છે.

મેન્ટલ ડિસઓર્ડરથી કઈ રીતે બચશો? 
મેન્ટલ હેલ્થને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવેલા કારણો અને પરિણામો વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે આનાથી કઈ રીતે બચી શકાય એની. હેલ્થ એક્સપર્ટ્સના મતે, જો સમયસર લક્ષણો ઓળખી લેવામાં આવે તો આ બીમારીઓમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકાય છે-

હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો
રોજિંદા જીવનમાં સાતથી આઠ કલાકની ગાઢ ઊંઘ લો. શારીરિક રીતે એક્ટિવ રહો અને માઇન્ડને શાંત રાખવા માટે રોજિંદા રૂટિનમાં યોગ કે મેડિટેશનનો ચોક્કસ સમાવેશ કરો. 

ઈમોશન્સ છુપાવવાને બદલે એક્સપ્રેસ કરો
જ્યારે પણ એકલતા, ઉદાસી કે નકારાત્મક વિચારો આવે, ત્યારે તેને મનમાં સંઘરી રાખવાને બદલે પરિવારના સભ્યો, લાઈફપાર્ટનર કે કોઈ વિશ્વાસુ મિત્ર સાથે ખુલ્લા મને શેર કરો. વાત કરવાથી અડધો તણાવ આપોઆપ ગાયબ થઈ જાય છે.

પ્રોફેશનલ કાઉન્સિલિંગ લો
જો એન્ઝાયટી, ગભરામણ કે સતત ઉદાસ રહેવાના લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે, તો તેને સામાન્ય ગણીને ઇગ્નોર ન કરો. સમાજ શું વિચારશે તે ડર રાખ્યા વિના તરત જ કોઈ સારા કાઉન્સિલર કે સાઇકિયાટ્રિસ્ટની સલાહ લો.