Mon May 25 2026

Logo

અમદાવાદમાં 13 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર ફાંસીની સજાનો આરોપી ઝડપાયો

2026-05-25 15:27:46
Author: Mayur Patel
Article Image

1994ના અરવિંદ શાહ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

અમદાવાદઃ અમદાવાદના નરોડામાં પડોશીની હત્યા બાદ આજીવન કેદની સજા કાપી રહેલો કલાકાર મુંબઈમાં એક્ટર બની ગયાના 12 વર્ષ બાદ ઝડપાયો હતો ત્યાર બાદ આવો જ હત્યાનો વધુ એક આરોપી પણ 13 વર્ષ બાદ ઝડપાયો હતો. આરોપીએ વેપારીને હોટેલમાં બોલાવી સોનું તથા રોકડ લૂંટીને તેની હત્યા કરી હતી. બાદ પુરાવા નાશ કરવાના હેતુથી માથું ધડથી અલગ કરીને થેલામાં ભરી અડાલજમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

શું છે મામલો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષથી ફરાર ફાંસીની સજા પામેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. 1994ના અરવિંદ શાહ હત્યા કેસમાં દોષિત આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. વર્ષ 2013થી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા અને ફાંસીની સજા પામેલા હાઈ-પ્રોફાઈલ ગુનેગાર સતીષ હિંમતલાલ રૂપારેલિયા ઉર્ફે ભીખુ ઉર્ફે સંજય ઠક્કરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

હોટેલમાં બોલાવી વેપારીની હત્યા
1994માં અમદાવાદની એક હોટેલમાં કાપડના વેપારી અરવિંદ શાહને ડિસ્કાઉન્ટ ભાવે વેપાર કરવાની લાલચ આપી બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આરોપીઓએ તેમની પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના લૂંટી લીધા બાદ તેમની નિર્દયતાથી હત્યા કરી હતી.  આરોપીએ ઓળખ છુપાવવા માટે વેપારીનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને તેને થેલામાં ભરી અડાલજ વિસ્તાર સુધી લઈ ગયો હતો. આ બનાવે તે સમયે સમગ્ર અમદાવાદમાં ભારે ચકચાર મચાવી હતી.

કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી
આરોપી સતીષ રૂપારેલિયાને અમદાવાદની એડિશનલ સિટી સેશન્સ કોર્ટે એપ્રિલ 2000માં હત્યા, લૂંટ અને ગુનાહિત કાવતરાના ગુનામાં દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી હતી. જેલમાં સજા ભોગવી રહેલા આરોપીને બાદમાં પેરોલ આપવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2013માં તેણે પેરોલ પૂર્ણ થયા બાદ જેલમાં આત્મસમર્પણ કર્યું નહોતું અને ફરાર થઈ ગયો હતો. છેલ્લા 13 વર્ષથી આરોપી પોલીસથી બચલા અલગ અલગ સ્થળોએ નાસતો ફરતો રહેતો હતો.

ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમે બાતમીદારો, ટેક્નિકલ સર્વેલન્સ અને સતત વોચના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.