અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના 500થી વધુ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી ભળી જતાં રોગચાળો ફેલાયો હતો.
મળતી વિગત પ્રમાણે, આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ગત સપ્તાહથી રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના પરિણામે લોકો બહારથી પાણીની બોટલ મંગાવીને પીવા મજબૂર બન્યા છે. જોકે આટલા દિવસ થવા છતાં કોઈ અધિકારી કે નેતા ત્યાં ન આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી પાણી દુર્ગંધવાળું અને ગંદુ આવી રહ્યું હતું, જે અંગે તંત્રને રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં લેવાયા નહોતા. અચાનક મોટી સંખ્યામાં લોકોને ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો અને તાવની ફરિયાદ થતાં તંત્ર પણ દોડતું થયું હતું.
આકાંક્ષા એપાર્ટમેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમ બોલાવવામાં આવી હતી. ફ્લેટમાં રહેતા સ્થાનિક રહીશોની તપાસ કરવામાં આવી હતી. 4થી 5 ડોક્ટરોની ટીમ બોલાવીને સ્થાનિકોની તપાસ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીના મત વિસ્તારમાં રોગચાળો વકર્યો હોવાની માહિતી મળતા અમદાવાદના મેયર હિતેશ બારોટ આકાંક્ષા એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે વાત કરીને માહિતી મેળવી હતી. મેયર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સ્થાનિકોને તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપવામાં આવી હતી. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ફેલાયેલા રોગચાળા અંગે મેયર હિતેશ બારોટે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, જે લોકોની બેદરકારી છે તેની સામે તપાસ કરવામાં આવશે.