Sun Aug 23 2026

Logo

એકનાથ શિંદેનું ફિટનેસ સિક્રેટ: રોજ 60 મિનિટના વર્કઆઉટ રૂટિનમાં શું કરે છે ખાસ કસરત?

2026-08-16 20:04:26
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજકારણમાં વ્યસ્ત કાર્યક્રમો, સતત પ્રવાસ અને જાહેર કાર્યક્રમો વચ્ચે પણ પોતાની ફિટનેસને મહત્વ આપે છે. 2019માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પણ શિંદેએ જણાવ્યું હતું કે તેઓ સમય નક્કી કરીને નહીં, પરંતુ દિવસમાં ઓછામાં ઓછી 60 મિનિટ કસરત પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. તેમના આ જૂના નિવેદનને લઈને તેમનું ફિટનેસ રૂટિન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.

શિંદેના જણાવ્યા મુજબ, તેમની કસરત માટે દિવસનો કોઈ ચોક્કસ સમય નક્કી નથી. વહેલી સવારે સમય મળે તો ત્યારે અને વ્યસ્ત દિવસ હોય તો રાત્રે પણ તેઓ વર્કઆઉટ પૂર્ણ કરે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ દરરોજ 60 મિનિટ શારીરિક કસરત કરવાનો રહે છે. તેમના માટે કસરતના ચોક્કસ સમય કરતાં તેની નિયમિતતા વધુ મહત્વની છે.

રાજકીય જીવનમાં સતત પ્રવાસ, બેઠકો અને જાહેર કાર્યક્રમોના કારણે નિયમિત કસરત માટે સમય કાઢવો પડકારરૂપ બનતો હોય છે. શિંદેએ અગાઉ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન તેમનો શારીરિક અને માનસિક તણાવ વધી જાય છે અને સતત દોડધામના કારણે તેમનું વજન પણ ઘટી જાય છે. ચૂંટણીના સમયગાળામાં સતત પ્રવાસ અને જાહેર સંપર્કના કારણે તેમની દૈનિક શારીરિક પ્રવૃત્તિમાં પણ વધારો થતો હોવાની માહિતી પણ તેમણે આપી હતી.

એકનાથ શિંદેના તે સમયના ટ્રેનર અને ફિટનેસ કન્સલ્ટન્ટ રવિશ દોબાનીએ તેમની વર્કઆઉટ રૂટિન અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ શિંદેની કસરત માત્ર ભારે વજન ઉઠાવવા પર આધારિત નહોતી. તેમના 60 મિનિટના વર્કઆઉટમાં કાર્ડિયો અને ફંક્શનલ એક્સરસાઇઝનું સંયોજન કરવામાં આવતું હતું. વર્કઆઉટની શરૂઆત થોડા સમયના ટ્રેડમિલ સેશનથી કરવામાં આવતી હતી. ત્યારબાદ બોડી-વેઇટ એક્સરસાઈઝ કરવામાં આવતી હતી. શિંદેનું ફોકસ હેવી વેઈટલિફ્ટિંગ કરતાં શરીરની એકંદર તાકાત અને ફિટનેસ જાળવવા પર હતું.

રાજકીય કામકાજ વખતે લાંબા સમય સુધી બેસવું પડતું હોવાથી તેમની રૂટિનમાં લોઅર બેકને મજબૂત બનાવતી કસરતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર સ્ટેબિલિટી, ફ્લેક્સિબિલિટી અને ફંક્શનલ મૂવમેન્ટ પર પણ ધ્યાન આપ્યું હતું. આ વર્કઆઉટનો ઉદ્દેશ માત્ર મસલ્સ બનાવવાનો નહીં, પરંતુ શરીરની શક્તિ અને મૂવમેન્ટ જાળવી રાખવાનો હતો.

રવિશ દોબાનીએ શિંદેને પિલેટ્સ અને એરિયલ યોગા જેવી મૂવમેન્ટ આધારિત કસરતોની પણ તાલીમ આપી હતી. આ કસરતો દ્વારા લવચીકતા, બોડી કંટ્રોલ અને કોર સ્ટ્રેન્થ પર ધ્યાન આપવામાં આવતું હતું. શિંદે માટે ફિટનેસ માત્ર કસરત પૂરતી મર્યાદિત નહોતી. તેમણે અગાઉ જણાવ્યું હતું કે તેઓ ખાવા-પીવામાં કોઈ મુશ્કેલ અથવા જટિલ ડાયટ ફોલો કરતા નથી, પરંતુ શરીરને હાઇડ્રેટ રાખવાનું ખાસ ધ્યાન આપે છે. વ્યસ્ત કાર્યક્રમ અને સતત પ્રવાસ વચ્ચે તેઓ પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાને પોતાની રૂટિનનો મહત્વનો ભાગ માને છે.

વર્ષોથી શિંદેનું બોડી પ્રોફાઈલ લગભગ એકસરખું રહ્યું છે. 2014ની ચૂંટણીથી લઈને 2019ના સમયગાળા સુધી પોતાની ફિટનેસ જાળવી રાખવા પાછળ નિયમિત કસરત, સતત શારીરિક પ્રવૃત્તિ અને હાઈડ્રેશનને તેમણે મહત્વ આપ્યું હતું.

રાજકારણમાં સતત બદલાતા કાર્યક્રમો અને વ્યસ્ત સમયપત્રક વચ્ચે એકનાથ શિંદેની આ ફિટનેસ રૂટિનનો મુખ્ય મંત્ર ‘ચોક્કસ સમય નહીં, પરંતુ નિયમિત કસરત’ રહ્યો છે. રોજ 60 મિનિટની કસરત, કાર્ડિયો, બોડી-વેઇટ ટ્રેનિંગ, લોઅર બેક અને કોર સ્ટ્રેન્થની કસરતો તેમજ પિલેટ્સ અને એરિયલ યોગ તેમના વર્કઆઉટનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે.