- હેન્રી શાસ્ત્રી
આપસ્તુતિ કરવી, પોતાના પરાક્રમ ગાવાં કે બણગા ફૂંકવા એ મનુષ્ય સ્વભાવનું સ્વાભાવિક પાસું છે. શેખી કરવી કે બડાશ મારવી એ દુર્બળતાનું લક્ષણ છે એમ કાકાસાહેબ કાલેલકર કહી ગયા છે. જોકે આપબડાઈમાંથી અનેક લોકો બહાર નથી આવી શકતા અને એમાં રચ્યાપચ્યા રહે છે. એક જાળામાં સો સાપ કહેવતનો ભાવાર્થ પણ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરવી એવો થાય છે. આ કહેવત પાછળની કથા જાણ્યા પછી એ વાત સુપેરે સમજાય છે.
એક દિવસ કેટલાક ભાઈબંધ એક ગામથી બીજે ગામ જવા પરોઢિયે નીકળ્યા. બપોરે માથે તડકો આવ્યો એટલે એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠા. એક ભાઈબંધને હાજત લાગી એટલે લોટો લઈ દૂર જવા નીકળ્યો. રસ્તામાં એક ઠેકાણે એક જાળામાં સળવળાટ થતો હોય એવું એને લાગ્યું. જરજનાવરની બીક લાગી એટલે ત્યાંથી ઝડપથી આગળ નીકળી ગયો. હાજત પતાવી પાછો ફર્યો ત્યારે એના મોઢા પર ગભરાટ જોઈ અન્ય ભાઈબંધોને બહુ નવાઈ લાગી. એક સાથીએ તો લાગલો સવાલ કર્યો કે ‘અલ્યા શું થયું? કેમ આમ ગભરાયેલો લાગે છે?’ જોકે પોતે બી ગયો છે એમ કહેશે તો ફજેતી થશે એમ માની પેલાએ ઠાવકું મોઢું રાખી કહ્યું કે ‘કંઈ નહીં. એ તો હું હતો એટલે.
મારી જગ્યાએ બીજું કોઈ હોત તો એના પગ ઢીલા થઈ ગયા હોત.’ આ વાત સાંભળી ભાઈબંધોને કુતૂહલ થયું અને શું થયું એ જાણવાનો તેમણે આગ્રહ રાખ્યો. ડરી ગયેલા મિત્રએ વાતમાં મોણ નાખી કહ્યું કે ‘હવે શું કહું તમને? મારી જગ્યાએ બીજો કોઈ કાચોપોચો હોત તો એ પાછો જ ન આવ્યો હોત.’ આ સાંભળી ભાઈબંધોની જિજ્ઞાસા વધી ગઈ. એટલે પેલા હાજતે ગયેલા સાથીએ કહ્યું કે ‘મેં રસ્તામાં એક જાળામાં સો સાપ જોયા.’
સાપ જોયા એ વાતે નહીં પણ સો સાપની વાત સાંભળી મિત્રોને અચરજ થયું. કોઈને આ વાત ગળે ન ઊતરી. એકે તો કહી દીધું કે ‘અરે મારા ભાઈ, એક નાનકડા જાળામાં સો સાપ કેવી રીતે હોઈ શકે? કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના. આવી વાત કોણ માને?’ એટલે પેલો સાથી જરા મોળો પડ્યો અને બોલ્યો કે ‘સો નહીં હોય, પચાસ તો હતા જ.’ જોકે આ ખુલાસો પણ કોઈને ગળે ન ઊતર્યો. બીજા ભાઈબંધે કહ્યું કે નપચાસ સાપ કોને કહેવાય ખબર છે? વિચાર કર્યા વિના આંખ મીંચી દીધે રાખો છો. મને નથી લાગતું કે જાળામાં 50 સાપ હોય. આખા પાદરમાં એટલા સાપ નહીં હોય.’ પોતાની જ વાતમાં અટવાયેલા પેલા મિત્રએ કહ્યું કે ‘હા, કદાચ પચાસ નહીં હોય, પણ 20-25 તો ચોક્કસ હતા.’
પોતાના ભાઈબંધને અને એની વાતને બરાબર ઓળખી ગયેલા અન્ય સાથીઓ આ વાત સાંભળી ખડખડાટ હસી પડ્યા. પછી એને કહ્યું કે ‘ભાઈ તું આમ ધીરે ધીરે સાપની સંખ્યા ઘટાડી રહ્યો છે એ બરાબર નથી. 20-25 સાપ ત્યાં શું કરી રહ્યા હતા? કુંડાળું વાળી તાપણું કરવા બેઠા હતા? તારી વાત કોઈ કાળે માનવા જેવી નથી લાગતી.’
પેલો ભાઈ પણ હવે બરાબરનો મૂંઝાણો. ‘20-25 નહીં પણ 10-12 તો હતા’ એવું બોલ્યો. ભાઈબંધો પણ હવે પોલ ખોલવાના નિર્ધાર પર આવી ગયા હતા એટલે કહ્યું કે ‘10-12 તેં જોયા હતા ખરા? સાચું કહેજે, નહીંતર અમારે ચકાસવા જવું પડશે.’ ખસિયાણા પડી ગયેલા મિત્રએ પછી એકાદ બે પર વાત પૂરી કરી. હવે મિત્રો સમજી ગયા કે ભાઈ ખોટું બોલે છે એટલે જે હોય એ સાચું જણાવી દેવા આગ્રહ કર્યો. એટલે દબાતા અવાજે એ એટલું જ બોલ્યો કે ‘જાળાની અંદર કશુંક હલી જરૂર રહ્યું હતું.’ અને બધા ખડખડાટ હસી પડ્યા.
ભાષા વૈભવ
સંસ્કૃત સુભાષિતની સુવાસ
સુભાષિત એટલે ડહાપણભરી ઉક્તિ, સારી રીતે કહેવામાં આવેલી વાત, કવિને અંગત જીવનના અનુભવોમાં જે સાર જડે તેને અસરકારક રીતે સ્વતંત્ર મુક્તકમાં વ્યક્ત કરે તે સુભાષિત હોય છે. સુભાષિતમાં વ્યક્તિ, સમાજ અને રાજ્યની લાક્ષણિકતા પણ બતાવવામાં આવે છે. ક્યારેક તેમાં ચેતવણી પણ હોય છે. માનવપ્રકૃતિ, માનવસંબંધો, માનવજીવનની નીતિ વિશે પણ તેમાં માર્ગદર્શન હોય છે. ડહાપણભરી અનેક વાતો સૂત્રરૂપે સુભાષિતમાં રજૂ થાય છે. કવિ તેમાં ગાગરમાં સાગર ભરવા જેવું કાર્ય કરે છે.
સંસ્કૃત સાહિત્યમાં અનેક અમર સુભાષિતોની હાજરી જોવા મળે છે. આજકાલ સોશ્યલ મીડિયામાં એક સંસ્કૃત સુભાષિત ખાસ્સું વાયરલ થયું છે. घटं भिन्द्यात् पटं छिन्द्यात् कुर्याद्रासभारोहणम् । येन केन प्रकारेण प्रसिद्वः पुरूषो भवेत् ।। અહીં મનુષ્ય સ્વભાવની લાક્ષણિકતા જોવા મળે છે. घटं भिन्द्यात् એટલે માટીનો ઘડો ફોડી નાખો. पटं छिन्द्यात्: વસ્ત્રો (કપડાં) ફાડી નાખો. कुर्याद्रासभारोहणम्: ગધેડા પર સવારી કરો. येन केन प्रकारेण प्रसिद्वः पुरूषो भवेत्: ગમે તે પ્રકારે વ્યક્તિ પ્રસિદ્ધ (પ્રખ્યાત) થવા માગતી હોય છે.
આ સુભાષિતનો વ્યંગાત્મક અર્થ એ છે કે કેટલાક લોકો પ્રસિદ્ધિ મેળવવા કે ધ્યાન ખેંચવા માટે ગમે તેટલા નકામા કે વિચિત્ર રસ્તા અપનાવતા હોય છે. ધન અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવતું સુભાષિત પણ ઘણું સૂચક છે. अर्थस्य पुरुषो दासो दासस्त्वर्थो न कस्यचित् । अतोड़र्थाय यतेतैव सर्वदा यत्नमास्थित: । अर्थाद्धर्मश्च कामश्च मोक्षस्चापि भवेन्नृणाम् ॥ મનુષ્ય ધનનો દાસ છે. ધન કોઈનો દાસ નથી. આ વાત સમજી, જીવનમાં ઉતારી પ્રત્યેક પુરુષે ધન માટે પ્રયત્નપૂર્વકનો પુરુષાર્થ કરવો. ધન વડે જ શુભ કાર્યો અને વ્યવહારની ચતુરાઈ થઈ શકે છે.
विद्या शस्त्रं च शास्त्रं च द्वे विद्ये प्रतिपत्तये। आद्या हास्याय वृद्धत्वे द्वितीयाऽऽद्रियते सदा।। શસ્ત્ર અને શાસ્ત્ર એ બંને વિદ્યા શીખવી જરૂરી છે એમ સુભાષિત કહે છે. જોકે, સાથે ચેતવણી પણ આપે છે કે વૃદ્ધાવસ્થામાં શસ્ત્રથી વિદ્યા શીખવી હાસ્યાસ્પદ બને છે જ્યારે શાસ્ત્રની મદદથી કોઈ પણ ઉંમરે વિદ્યા શીખવી આદરણીય ઠરે છે. अपि स्थाणुवदासीत शुष्यन्परिगत: क्षुधा । न त्वेवानर्थसम्पन्नां वृत्तिमीहते पणिडत:॥ સુભાષિતમાં જ્ઞાન અને સ્વમાનના મહિમાનું વર્ણન છે. બુદ્ધિશાળી મનુષ્યને ભલે રોટલાના સાંસા પડે, ભલે લાકડું સુકાય તેમ સુકાઈને ઠરડું થઈ જાય એમ છતાં તે કોઈ કાળે અન્યાયને રસ્તે મેળવેલી આજીવિકાનો સ્વીકાર નહીં કરે.