Mon May 18 2026

Logo

દુનિયા પર નવો ખતરો: કોંગો અને યુગાન્ડામાં ઘાતક ઇબોલા વાયરસ ફાટી નીકળ્યો, WHOએ જાહેર કરી ઇમરજન્સી

New York   2026-05-17 21:03:01
Author: Mumbai Samachar Team
Article Image

આફ્રિકામાં ઇબોલાના નવા સ્ટ્રેનથી 80 લોકોના મોત; આ વાયરસ માટે હજી સુધી કોઈ રસી કે ચોક્કસ દવા નથી
 
ન્યૂ યોર્કઃ
આફ્રિકન દેશો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઇબોલા વાયરસના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી (International Emergency) જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ તાજેતરમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઇબોલા વાયરસના પ્રકોપને ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઓફ કન્સર્ન એટલે કે આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ બીમારી બુંડીબુગ્યો વાયરસને કારણે થઇ રહી છે, જે ઇબોલા વાયરસનો જ એક ઘાતક સ્ટ્રેન છે.

ખતરનાક વાયરસથી થાય છે બીમારી

યુએન હેલ્થ એજન્સી અનુસાર શનિવાર સુધીમાં કોંગોના ઇટુરી પ્રાંતમાં-બુનિયા, રવામપારા અને મોંગબ્વાલુ- આ ત્રણ હેલ્થ ઝોનમાં ૮૦ શંકાસ્પદ મૃત્યુ નોંધાયા હતા. આઠ લેબમાં પુષ્ટિ પામેલા કેસ અને ૨૪૬ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. ઇબોલા એક ખતરનાક વાયરસથી થતી બીમારી છે. આ સંક્રમણ દુર્લભ છે, પરંતુ ખૂબ ગંભીર અને ઘણા કિસ્સાઓમાં જીવલેણ સાબિત થઇ શકે છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થો જેમ કે લોહી, ઉલટી, પરસેવો અથવા વીર્યના સંપર્કથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઇ છે.

2007-08માં 116થી વધુ સંક્રમિત થયા હતા

આ સ્ટ્રેન અગાઉ મોટા ભાગની મહામારીઓનું કારણ બનનાર ઝૈરે સ્ટ્રેનથી અલગ છે. બુંડીબુગ્યો સ્ટ્રેનની જાણ ૨૦૦૭-૨૦૦૮માં યુગાન્ડાના બુંડિબુગ્યો જિલ્લામાં થઇ હતી. જ્યાં તે પ્રથમ વખત દેખાયો હતો. તે સમયે આ વાયરસે ૧૧૬થી વધુ લોકોને સંક્રમિત કર્યા હતા અને લગભગ ૩૪-૪૦ ટકા મુત્યુ થયા હતા.

ઇબોલાના બધા સ્ટ્રેનના લક્ષણો લગભગ સમાન

ડીઆરસીના ઇટુરી પ્રાંતમાં આ ૧૭મો ઇબોલાનો પ્રકોપ છે, પરંતુ આ વખતે વાયરસનો પ્રકાર અલગ છે. આ પ્રકાર માટે કોઇ ચોક્કસ રસી કે દવા નથી. જે તેને વધુ પડકારજનક બનાવે છે. ઇબોલાના બધા સ્ટ્રેનના લક્ષણો લગભગ સમાન હોય છે. પરંતુ તે ધીમે ધીમે વિકસે છે. શરૂઆતના લક્ષણો ફ્લૂ જેવા હોય છે- અચાનક ખૂબ તાવ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, થાક અને નબળાઇ. થોડા દિવસો પછી ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ શરૂ થાય છે.

શ્વાસ લેવામાં તકલીફ અને અંગો ફેલ થવા જેવા લક્ષણો દેખાય

બીમારી વધતાની સાથે આંખો, પેઢા અને અન્ય જગ્યાએથી કારણ વિના રક્તસ્ત્રાવ, શરીર પર ઇજાના નિશાન, શ્વાસ લેવામાં તકલીફ અને અંગો ફેલ થવા જેવા ગંભીર લક્ષણો દેખાય છે. યુગાન્ડાના કમ્પાલામાં ૧૫ અને ૧૬ મેના રોજ કોંગોથી મુસાફરી કરી રહેલા બે વ્યક્તિઓમાં પ્રયોગશાળા-પુષ્ટિ થયેલા બે કેસ નોંધાયા છે. જોકે આ બંનેને એકબીજા સાથે કોઇ સ્પષ્ટ સંબંધ નહતો. ઇટુરીના અનેક આરોગ્ય ક્ષેત્રોમાં બુંડીબુગ્યો વાયરસ રોગ(બીવીડબ્લ્યુ)ના લક્ષણોથી મોત થયાના કેસ સામે આવ્યા છે.

ડબ્લ્યુએચઓએ તમામ પડોશી દેશોને સતર્ક રહેવાની આપી સલાહ

ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં વાયરલ હેમોરેજિક તાવના લક્ષણોને કારણે ચાર આરોગ્ય કર્મચારીઓના મોત થયાની જાણકારી પણ મળી છે. ડબ્લ્યુએચઓના મહાનિયામક ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (આઇએચઆર)ની જોગવાઇઓ અંતર્ગત ઇમરજન્સી સમિતિની બેઠક બોલાવશે. ડબ્લ્યુએચઓએ તમામ પડોશી દેશોને સતર્ક રહેવાની સલાહ આપી છે.