Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં ઈબોલાનો શંકાસ્પદ કેસ નોંધાતાં કચ્છનું આરોગ્ય તંત્ર એલર્ટ: યુગાન્ડાથી આવેલા ત્રણ મુસાફરો હોમ આઈસોલેશનમાં

2026-05-28 10:13:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: રાજ્યમાં ઈબોલા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદ ખાતે નોંધાતાં જ કચ્છનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે. સુદાન, યુગાન્ડા અને રિપબ્લિક ઓફ કોંગો જેવા આફ્રિકન દેશોમાંથી કચ્છ પરત ફરતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં યુગાન્ડાથી કચ્છ આવેલા ત્રણ મુસાફરોને આગોતરી તકેદારીના પગલે ૨૧ દિવસ માટે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરી અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. કેશવકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હોમ આઈસોલેશનમાં રખાયેલા ત્રણેય મુસાફરોમાં હાલ ઈબોલાના કોઈ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા નથી, તેથી જિલ્લામાં ચિંતાની કોઈ સ્થિતિ નથી. 

કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય સ્ટાફ દ્વારા આ મુસાફરોની દરરોજ તબીબી તપાસ કરીને તેનો રિપોર્ટ જિલ્લા મથકે મોકલવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર આ અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો સ્ક્રીનિંગ દરમિયાન ટ્રેસ થાય એટલે તુરંત જ તેની માહિતી કચ્છ આરોગ્ય વિભાગને મોકલી આપવામાં આવે છે, જેથી સ્થાનિક તંત્ર તાકીદે પગલાં ભરી શકે. 

ઉલ્લેખનીય છે કે, યુગાન્ડા સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કચ્છી માડુઓ સ્થાયી થયેલા હોવાથી તેમનું આવાગમન સતત રહે છે, જેને પગલે તકેદારી રાખવી અનિવાર્ય બની છે. આરોગ્ય વિભાગે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. 

(ઉત્સવ વૈદ્ય)