Tue Sep 01 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈથેનોલની ઘેલછા, સરકાર પોતાના સલાહકાર ની જ વાત સાંભળશે?

2026-08-19 08:33:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ઈથેનોલની ઘેલછા, સરકાર પોતાના સલાહકાર ની જ વાત સાંભળશે?

ભરત ભારદ્વાજ

ભારતમાં શુદ્ધ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલની મિલાવટ સાથેના ઈ-20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરી દેવાયું છે તેની સામે વિરોધ થઈ રહ્યો છે. સરકારના આ નિર્ણય સામે આંદોલનની તૈયારી પણ થયેલી પણ સરકારે ગમે તે રીતે આંદોલનની હવા કાઢી નાંખી પણ આ મુદ્દો શમી ગયો નથી ત્યારે કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જૂનાં વાહનો માટે ઇ-10 પેટ્રોલ પાછું લાવવાનું સૂચન કરતાં આ અંગે પાછી ચર્ચા શરૂ થઈ છે. 

નાગેશ્વરનનું કહેવું છે કે, ભારતના સાતથી આઠ કરોડ વાહનો ઇ-10 ઇથેનોલ પેટ્રોલ માટે બનાવાયાં છે, ઈ-20 ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ માટે બનાવાયેલાં નથી. ઈ-20 પેટ્રોલના કારણે તેમની એવરેજ તો ઘટે જ છે પણ જૂના એન્જિનમાં કમ્પેટિબિલિટીની તકલીફ આવી શકે છે. 

ઇથેનોલ રબર સોલ અને ફ્યુઅલ સિસ્ટમના પાર્ટ્સ પર અસર કરે છે અને કાર્બોરેટરવાળા વાહનોને પણ વધુ ઇથેનોલવાળા મિશ્રણથી ચાલતા વાહનોના લીધે તકલીફ પડી શકે છે એ જોતાં 20 ટકા ઈથેનોલની મિલાવટ ફાયદાકારક નથી. નાગેશ્વરનના સૂચનનો ઇથેનોલ ઇન્ડસ્ટ્રીઝે વિરોધ કર્યો છે ને દાવો કર્યો છે કે, એકદમ વૈજ્ઞાનિક અભ્યાસ પછી આ નિર્ણય લેવાયો છે એ જોતાં તેમાં હવે આઘુંપાછું થઈ શકે તેમ નથી.

નાગેશ્વરને  ઈથેનોલની ભેળસેળના કારણે ભવિષ્યમાં પડનારી ખતરનાક અસરો તરફ પણ ધ્યાન દોર્યું છે. ઈથેનોલના વપરાશના કારણે ભવિષ્યમાં ખાદ્યાન્નની તંગી પેદા થઈ શકે ને મોંઘવારી બેફામ થઈ જશે એવી ચેતવણી ગંભીર છે. વાહનો પરની અસરને ધ્યાનમાં ના લો તો પણ આ મુદ્દાને અવગણી શકાય તેમ જ નથી. 

આ મુદ્દો પહેલાં પણ ઉઠાવાયો છે પણ તેની ગંભીરતાથી ચર્ચા થઈ નથી. નાગેશ્વરનનું કહેવું છે કે, પેટ્રોલમાં ભેળવવા માટે ઇથેનોલનું ઉત્પાદન વધારાશે તેના કારણે દેશમાં  મોંઘવારી તો વધશે જ પણ ખાદ્ય પદાર્થોની અછત પણ પેદા થઈ શકે છે. નાગેશ્વરને  કરે લી વાત પર બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તેમનું કહેવું છે કે, અત્યારે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે તેથી ઈથેનોલની જોરદાર માગ છે. 

અત્યાર લગી ઈથેનોલની માગને પૂરી કરવા માટે શેરડીના કૂચા સહિતના કચરાનો ઉપયોગ થતો પણ ઇથેનોલની વધતી જતી માગને પૂરી કરવા માટે ખેતપેદાશોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શેરડી, મકાઈ અને ચોખા તેમાં મુખ્ય છે. અત્યારે ઇથેનોલ બનાવતી ફેક્ટરીઓ જંગી પ્રમાણમાં શેરડી, મકાઈ અને ચોખાની ખરીદી કરી રહી છે તેથી ભવિષ્યમાં શેરડી, મકાઈ અને ચોખાની અછત ઊભી થઈ શકે છે. અછત ઊભી થાય એટલે ભાવ વધવાના ને તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જ પડશે. 

નાગેશ્વરને તો ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં ઇથેનોલ બનાવતી કંપનીઓ માગને પહોંચી વળવા માટે ઊંચા  ભાવ આપીને મકાઈ ખરીદવા લાગશે તો અત્યારે મકાઈનો ખાદ્યાન્ન તરીકે ઉપયોગ કરતા આદિવાસી સહિતના લોકો શું ખાશે ? પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં તો કાચો માલ જ મકાઈ છે તેથી સૌથી મોટો ખતરો પોલ્ટ્રી ઉદ્યોગ પર છે. મકાઈ ઈથેનોલની ફેક્ટરીઓમાં મોકલવામાં આવતાં પશુઓ માટેનો ચારો મોંઘો થઈ જશે. પરિણામે ઇંડા, ચિકન, દૂધની સાથે અન્ય ડેરી પેદાશો મોંઘી થતાં ફુગાવો વધશે અને સામાન્ય લોકોની પહોંચની બહાર ભાવ જતા રહેશે. 

ભારતમાં લોકોને ખાંડ અને ગોળ વિના ચાલતું નથી. લોકોની રોજિંદી ખાવાની આદતોમાં ગોળ-ખાંડ અનિવાર્ય છે. શેરડી ઈથેનોલ બનાવવા વપરાવા માંડે તો ગોળ-ખાંડની અછત પણ ઊભી થાય ને તેના ભાવ વધે. ખાંડ બહારથી મંગાવાય તો વિદેશી હૂંડિયામણ પણ વેડફાય. ભારતમાં કરોડો લોકો સુગર, પોલ્ટ્રી અને ડેરી ઉદ્યોગ પર નભે છે ને ભવિષ્યમાં સુગર, પોલ્ટ્રી અને ડેરી ઉદ્યોગ માટે સંકટ સર્જાય તો તેમની રોજગારી પર પણ સંકટ ઊભું થશે એ જોતાં ઈથેનોલની ગંભીર ને ખતરનાક અસરો લોકો પર પડશે.  

નાગેશ્વરન વિપક્ષના નેતા નથી કે સરકારને ભીંસમાં લેવા માટે જીભે ચડે એ બોલી નાંખે ને પુરાવા વિનાના આક્ષેપો પણ કરી નાંખે. નાગેશ્વરન ભાજપના નેતા પણ નથી કે સાંધાની સૂઝ ના પડતી હોય છતાં ગામ આખાને જ્ઞાન પિરસ્યા કરે. મોદી સરકારને અર્થશાસ્ત્રનો અ પણ ખબર ના હોય પણ સરકારમાં બેઠેલા લોકોની ચાપલૂસીમાં નિષ્ણાત હોય એવા લોકોને રિઝર્વ બૅંકમાં બેસાડી દીધા છે પણ નાગેશ્વરન એ જમાતના પણ નથી. 

નાગેશ્વરને વરસો લગી ટોચની બૅંકો સાથે કામ કર્યું છે અને અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે તેથી સૂંઠના ગાંગડે બનેલા ગાંધી નથી પણ ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી છે. નાગેશ્વરનને મોદી સરકારે પોતે આર્થિક બાબતો અંગે સલાહ આપવા નિમ્યા છે એ જોતાં મોદી સરકારે તેમની સલાહ માનવી જોઈએ. તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે કે, ઈથેનોલનો ખેલ દેશના ફાયદામાં નથી. મોદી સરકારે દેશહિતનો વિચાર કરીને પણ આ વાત માની લેવાની જરૂર છે ને ઈથેનોલની પેટ્રોલમાં ભેળસેળનો ખેલ બંધ કરવાની જરૂર છે. 

મોદી સરકારે ઈથેનોલને પ્રોત્સાહન આપે તો વાંધો નથી. ખાલી ઈથેનોલથી ચાલતાં વાહનોનો ઉપયોગ વધે એ માટે પ્રયત્ન કરે તેમાં પણ ખોટું નથી પણ લોકો પોતાની મરજીથી ઈથેનોલ તરફ વળે એવું થવું જોઈએ. સરકારી કંપનીઓ પેટ્રોલમાં ઈથેનોલ ભેળવીને આપે ને લોકોએ જખ મારીને એ ખરીદવું જ પડે એ સ્થિતિ ના હોવી જોઈએ. 

મોદી સરકાર સામે એક આક્ષેપ એવો થઈ રહ્યો છે કે, પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો ખેલ અમેરિકાના લાભાર્થે કરાઈ રહ્યો છે.  યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં ઇથેનોલનું સૌથી મોટું ઉત્પાદક છે અને વૈશ્વિક ઉત્પાદનના લગભગ 54 ટકા ઈથેનોલ અમેરિકામાં બને છે. અમેરિકાએ 2025માં 16 અબજ ગેલન ઇથેનોલનું ઉત્પાદન કર્યું હતું. બ્રાઝિલ બીજા નંબરે જ્યારે આપણે ત્રીજા નંબરે છીએ. જો કે વિશ્વમાં વધારે માગ બ્રાઝિલના ઈથેનોલની છે કેમ કે, અમેરિકામાં મોટા ભાગનું ઈથેનોલ મકાઈમાંથી બને છે જ્યારે બ્રાઝિલનું મોટા ભાગનું ઈથેનોલ શેરડીમાંથી બને છે. શેરડીમાંથી બનતું ઇથેનોલ વધારે માઈલેજ આપે છે તેથી અમેરિકાનું ઈથેનોલ ઓછું પસંદ કરાય છે. 

અમેરિકાએ ભારતને ઈથેનોલ બતાડીને પોતાની કંપનીઓને ફાયદો કરાવવાનો ખેલ પાડ્યો હોવાનું કહેવાય છે. ભારતમાં પેટ્રોલની ખપત બહુ વધારે છે ને પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ વધારે નંખાય તો પણ અબજો ગેલન ઈથેનોલ જોઈએ. અમેરિકા આપણને ઈથેનોલ આપીને ખંખેર્યા કરે તેથી આખો કાર્યક્રમ હાથ ધરાયાનું કહેવાય છે. આ વાત સાચી હોય તો તેના કારણે ભારતમાં મકાઈ, શેરડી કે ચોખાની અછત ના સર્જાય પણ અમેરિકા પાસેથી ઈથેનોલ ખરીદવામાં વિદેશી હૂંડિયામણ તો વેડફાય જ તેથી એ પણ દેશના હિતમાં નથી જ. 
આશા રાખીએ કે મોદી સરકાર દેશના હિતમાં વર્તે.