Tue Aug 18 2026

Logo

ચોમાસાની ધોવાણની સમસ્યાનો કાયમી અંત: દેશલપર-હાજીપીર રોડ રૂ. ૯૫.૬૦ કરોડના ખર્ચે સીસી રોડ બનશે

2026-07-30 10:48:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છ જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ હાજીપીરને જોડતા મહત્વના દેશલપર–હાજીપીર માર્ગને નવીનીકૃત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૯૫.૬૦ કરોડના માતબર ખર્ચે ૩૨ કિલોમીટર લાંબો અને ૭ મીટર પહોળો સિમેન્ટ કૉન્ક્રીટ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી સ્થાનિક નાગરિકો તેમજ અગણિત શ્રદ્ધાળુઓ માટે યાત્રા વધુ સુગમ અને સરળ બનશે. આ વિસ્તારમાં વાહનચાલકો અને સ્થાનિકોને પડતી મુસાફરીની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે આ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં આ રોડ નિર્માણનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને તેમાંથી અંદાજે ૭૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

પરંપરાગત ડામરના રસ્તાઓ ચોમાસા દરમિયાન ધોવાઈ જવાની કે બિસમાર થઈ જવાની વિકટ સમસ્યા સર્જાતી હતી. આ નવો સીસી રોડ તૈયાર થઈ જતાં ચોમાસા દરમિયાન રસ્તો ખરાબ થવાની કે ધોવાઈ જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ માર્ગ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ હાજીપીરે દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓનો સમય બચશે અને સ્થાનિક વેપાર-રોજગાર તથા વાહનવ્યવહારને મોટો વેગ મળશે.

(ઉત્સવ વૈદ્ય)