નવી દિલ્હીઃ નવી દિલ્હીના શાહદરા વિસ્તારમાં વિવેક વિહારમાં આજની સવાર અમંગળ સાબિત થઈ હતી. ચાર માળની ઈમારતમાં લાગેલા એસીમાં બ્લાસ્ટ થતા અનેક ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં ચાર મહિલાઓ અને દોઢ વર્ષના એક બાળક સહિત 9 જણનું મૃત્યુ થયું હતું. ઈમારતમાં રહેતા અન્ય લોકોને યુદ્ધના ધોરણે રેસક્યૂ કરીને આગને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડા સમય માટે તો ફાયર વિભાગના કર્મચારી તથા પોલીસના પણ પરસેવા છૂટી ગયા હતા.
15 લોકોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા
આ ઘટનામાં 15 લોકોને સુરક્ષિત રીતે બાહર લઈ જવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર આશરે 3.48 વાગ્યે વિવેક વિહારના ફેઝ-1માં ચાર ફ્લોરની બિલ્ડિંગમાં આગ લાગી હોવાની સૂચના મળી, એ પછી પોલીસ ટીમ, ફાયરની ટીમ અને ઈમરજન્સી ડ્યૂટીની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. પાણીનો સતત મારો શરૂ કરી દેવાયો હતો. ગણતરીની સેકન્ડમાં આગે અનેક ફ્લેટને નુકસાન કરી નાંખ્યું હતું. એસી બ્લાસ્ટ થતા આગ લાગી કે શોર્ટ-સર્કિટને કારણે એ હાલ જાણી શકાયું નથી. રેસક્યૂ ઑપરેશન દરમિયાન ઉપર છતનો દરવાજો બંધ હોવાને કારણે ઈમારતમાં માત્ર એક સીડી અને બાલ્કની હોવાથી રેસક્યૂ કરવાનું મુશ્કેલ બન્યું હતું.
બાલ્કનીમાં લોઢાની ગ્રીલનું કવર
લોઢાની ગ્રીલના કારણે લોકોને બાહર કાઢવા મુશ્કેલ બન્યા હતા. આ કારણે 9 લોકો તાત્કાલિક બાહર નીકળી ન શક્યા અને અકાળે મોત નીપજ્યું. દિલ્હી ફાયર ઓફિસર મુકેશ શર્માએ કહ્યું કે, 3.47 વાગ્યે સવારે કોલ મળ્યો હતો એ પછી તાત્કાલિક ફાયરની પાણીથી ભરેલી ગાડી અને રેસક્યૂ વાન રવાના કરાઈ હતી. પાછળના રસ્તેથી જ્યારે અંદર જવાનો પ્રયાસ કરાયો, તો બાલ્કની લોઢાની ગ્રીલથી લોક હતી. કોઈ પણ રીતે અંદર ગયા તો એન્ટ્રી કે એક્ઝિટ માટે માત્ર એક જ સીડી હતી. વિશાળ જગ્યા પર તૈયાર થયેલી આ ઈમારતમાં દરેક ફ્લોર પર બે ફ્લેટ છે. એક ફ્લેટ આગળની બાજુ બીજો પાછળની બાજુ, 15 લોકોને સુરક્ષિત રીતે બાહર કાઢવામાં આવ્યા છે. બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે એટલે હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયા છે.
મૃતદેહ બાહર કાઢવામાં પણ મુશ્કેલી
ઈમારતના છ ફ્લેટમાં આગ લાગી હતી, જુદા જુદા ફ્લોર પરથી 9 ડેડબોડી બાહર કાઢવામાં આવી છે. શરીર ખૂબ જ બળી જવાને કારણે ડેડબોડીના રેસક્યૂમાં પણ મુશ્કેલી પડી હતી. પહેલો મૃતદેહ ફર્સ્ટ ફ્લોર પરથી, 5 મૃતદેહ બીજા ફ્લોર પરથી અને 3 સીડી પરથી બાહર કાઢવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ તપાસ શરૂ કરી દીધી છે. આગ લાગતા સમગ્ર સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈમારતની ડિઝાઈન પણ અંગ્રેજીના અક્ષર એલ આકારમાં હોવાથી ઝડપથી લોકોને નીચે ઊતારવા મુશ્કેલ બની રહ્યા હતા. આગનો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. 9 વ્યક્તિઓ ભડથું થતા સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ છે.