Sun May 03 2026

Logo

દેશના 12 રાજ્યોમાં વરસાદનું એલર્ટ; ભયંકર વાવાઝોડાની ચેતવણી, જાણો લેટેસ્ટ આગાહી

2026-05-03 09:41:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 5 દિવસ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 મે થી 8 મે વચ્ચે દિલ્હી-NCR સહિત 12 થી વધુ રાજ્યોમાં તેજ પવન, વરસાદ અને કરા પડવાની શક્યતા છે.

દિલ્હી-NCR અને ઉત્તર ભારતની સ્થિતિ

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 3 મે અને 4 મે દરમિયાન ધૂળભરી આંધી સાથે હળવો વરસાદ પડી શકે છે, જેનાથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યવાર હવામાનની આગાહી

રાજસ્થાનમાં 4 મેના રોજ ધૂળભરી આંધી અને વાવાઝોડાની પ્રબળ શક્યતા છે. પવનની ગતિ 40-50 કિમી સુધી રહી શકે છે.આ સાથે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 6 મે સુધી વરસાદી માહોલ રહેશે, જ્યારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને કરા પડવાની ચેતવણી અપાઈ છે. જ્યારે પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં 3-4 મે દરમિયાન અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાત અને પશ્ચિમ ભારતની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે, પરંતુ પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો નજીવો ઘટાડો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 50-70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે.