Sat May 02 2026

Logo

કોપીરાઇટના વિવાદમાં ગુજરાતી રંગમંચના કલાકાર સુરેશ રાજડા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ

2026-05-02 19:07:48
Author: Darshana Visaria
Article Image

વડોદરા: કહેવાય છે કે કાળા અને સાહિત્ય એ મનુષ્યની મૌલિક અભિવ્યક્તિ છે. પરંતુ જ્યારે આ અભિવ્યક્તિ પર કોઈ બીજું પોતાનું લેબલ લગાવીને 'ક્રિએટિવિટી'નો દાવો કરે, ત્યારે તે માત્ર નૈતિક ગુનો જ નહીં પણ કાયદાકીય અપરાધ પણ બને છે. ગુજરાતી રંગભૂમિ પર દાયકાઓ સુધી જે ‘જોડી’એ ધૂમ મચાવી, આજે એ જ જોડી વચ્ચે ‘ચોરી’ના આક્ષેપોને લીધે ગુજરાતી નાટ્યજગતમાં ખળભળાટ મચી ગયો છે.

જાણીતા નાટ્યલેખક વિહંગ મહેતા અને દિગ્દર્શક સુરેશ રાજડા કે જેમણે ‘છિન્ન’ થી લઈને ‘ફ્લેટ નં. 44’ જેવા અનેક હિટ નાટકો આપ્યા છે, તેઓ વર્ષ 2012માં સામસામે આવી ગયા હતા. વિહંગ મહેતાની ફરિયાદ અને આક્ષેપ છે કે તેમનું એક દાયકા જૂનું લોકપ્રિય નાટક ‘અમે જાણીએ છીએ તમે કોણ છો’ ની ઉઠાંતરી કરીને રાજડાએ તેને ‘ડાયલ રોંગ નંબર’ ના નામે રજૂ કર્યું. 

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ અનુસાર, વિહંગ મહેતાએ લખેલું સુપરહિટ નાટક 'અમે જાણીએ છીએ તમે કોણ છો' ની સ્ક્રિપ્ટ સુરેશ રાજડાએ કપટપૂર્વક ઉપયોગ કરી લીધી હતી. એટલું જ નહીં, લેખકની લેખિત મંજૂરી વગર આ નાટકનું નામ બદલીને 'ડાયલ રોંગ નંબર' કરી નાખ્યું અને મુંબઈ તેમજ ગુજરાતમાં તેના શો કરીને મોટી કમાણી કરી લીધી. 

અભિનેતા દિગ્દર્શક સુરેશ રાજડા 

વાત અહીં જ અટકી નથી. આક્ષેપ છે કે, સુરેશ રાજડાએ આ જ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને એક 'અરબન ગુજરાતી' ફિલ્મની પટકથા પણ બનાવી નાખી, જે ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર રિલીઝ થતા અઢળક નાણાં અને લેખક તરીકેનું નામ પણ મેળવી લીધું. જ્યારે અસલ લેખક વિહંગભાઈને આ બાબતની કોઈ જાણ સુધ્ધાં કરવામાં આવી નહોતી.

વિવાદિત નાટકની સ્ક્રિપ્ટનો ફરીથી ઉપયોગ કરી ગુજરાતી ફિલ્મ 'હેલ્લો' ની પટકથા લખી, તેને વેચીને આર્થિક લાભ મેળવતા વિહંગ મહેતાએ ફરી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. લેખકની રજૂઆતને ગ્રાહ્ય રાખી વડોદરા કોર્ટે બાવીસમી એપ્રિલ, 2026ના રોજ પોલીસને સુરેશ રાજડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. 

વિહંગ મહેતા

મુંબઈ સમાચાર સાથેની ખાસ વાતચીતમાં વિહંગ મહેતાએ લેખકોની વર્તમાન સ્થિતિ અને પોતાની કાનૂની લડત અંગે મહત્વની રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે: સર્જનાત્મક ક્ષેત્રમાં લેખકો સાથે મોટા પાયે 'ચીટિંગ' અને બૌદ્ધિક સંપત્તિની ચોરી થતી હોય છે. લેખકો કાં તો પોતાના કાનૂની અધિકારોથી અજાણ હોય છે, અથવા કોર્ટ-કચેરીની ઝંઝટમાં પડવા માંગતા નથી. ઘણીવાર આર્થિક મજબૂરીઓને કારણે પણ લેખકો અન્યાય સામે મેદાનમાં આવવાનું ટાળતા હોય છે.'

વિહંગ મહેતાએ સ્વીકાર્યું હતું કે, આ લડતમાં તેમને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલીઓ છતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાની લડત છોડશે નહીં અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં.

આ મુદ્દે સુરેશ રાજડાનો પણ મુંબઈ સમાચારે સંપર્ક સાધ્યો હતો. મુંબઈ સમાચાર સાથેની વાતચીતમાં સુરેશ રાજડાએ જણાવ્યું હતું કે તેમના પર લગાવવામાં આવેલા આ તમામ આક્ષેપો ખોટા છે અને હાલ તેઓ પણ કોર્ટમાં સામેવાળા પક્ષને મજબૂત લડાઈ આપી રહ્યા છે. 

આ કિસ્સો દર્શાવે છે કે કલાની દુનિયામાં પણ 'મિત્ર' બનીને આવેલા લોકો કેવી રીતે તમારી બૌદ્ધિક સંપત્તિની ચોરી કરી શકે છે. લેખક વિહંગ મહેતાએ ન્યાયની આશા સાથે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. હાલ સયાજીગંજ પોલીસે કોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સુરેશ રાજડાની તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહે છે કે, કલાની ચોરી કરનાર આ શખ્સ સામે કાયદો કેવા પગલાં ભરે છે અને અસલ કલાકારને તેમનો હક મળે છે કે નહીં.