કેલિફોર્નિયાઃ ટેક ઈન્ડસ્ટ્રી માટે આ 2026નું વર્ષ અમંગળ સાબિત થઈ રહ્યું છે.માત્ર ચાર મહિનામાં 92000થી વધારે લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. ટેક્નોલોજી ક્ષેત્રમાંથી આટલી મોટી સંખ્યામાં નોકરી ગુમાવનાર લોકો માટે મોટો પડકાર ઊભો થયો છે. સૌથી ખરાબ એપ્રિલ મહિનો રહર્યો છે જેમાં 45800 લોકોને સીધી અસર પહોંચી હતી. નોકરીમાંથી હાથ ધોવા પડ્યા એ કોઈ નાની કંપની કે એન્જસીઓ ન હતી. મેટા, માઈક્રોસોફ્ટ, ઓરેકલ, એમેઝોન, ગોપ્રો જેવી કંપનીઓ પોતાના કર્મચારીને રાતોરાત છૂટા કરી દીધા છે.
ટેક ઈન્ડસ્ટ્રીનો સૌથી ખરાબ તબક્કો
ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી એ તબક્કામાંથી પસાર થઈ રહી છે જે વર્ષ 2022 અને 2023માં હતો. કોવિડ પછીનો આ સમય સૌથી કપરો હોવાનું માનવામાં આવે છે. આ વખતે કોવિડ નથી કે નથી કોઈ પ્રકારની વૈશ્વિક બીમારી.આ વખતે એવું કહેવાય છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આ તમામ કર્મચારીઓની નોકરી ખાઈ ગયું. એક ખાસ રિપોર્ટ અનુસાર દિગ્ગજ ટેક કંપનીઓ એઆઈ પાછળ દિલ ખોલીને પૈસા વાપરી રહી છે. ડેટા સેન્ટર અને ચીપ પર કરોડો રૂપિયાના ખર્ચા કરી રહી છે. આની ભરપાઈનો સૌથી સરળ અને સસ્તો રસ્તો એમના જ કર્મચારીઓની નોકરીની સેલેરી લાગી રહ્યો છે. આ કર્મચારીઓનું એવું પણ કહેવું છે કે, સ્માર્ટ બનવા માટે કર્મચારી એટલે કે મેનપાવર ઘટાડી દીધો છે. હાલમાં તો એઆઈ પર ઠીકરૂ ફોડવામાં આવી રહ્યું છે પણ છટણી કરવાનું પહેલાથી નક્કી હતું એ મોટો સવાલ છે.
કંપનીઓની પ્રતિક્રિયા મિશ્રિત
મેટા કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટ ચલાવે છે. મેટા એ ગત મહિને 8 હજાર લોકોની છટણી કરવાનું એલાન કર્યું હતું. સામે 6 હજાર ખાલી પદ છે એ ક્યારે ભરાશે એ નક્કી નથી. સ્નેપચેટની મૂળ કંપની એક ઝાટકે 1 હજાર લોકોને નોકરીમાંથી રવાના કરી દીધા હતા.માઈક્રોસોફટે 7 ટકા અમેરિકી કર્મચારીઓની સામે વોલંટરી બાયઆઉટની રજૂઆત કરી. એટલે કે સમય પહેલા જ વિદાય આપી દેવામાં આવી છે. એમેઝોને એપ્રિલ મહિનામાં 16 હજાર નોકરીયાત લોકોને રવાના કરવાની વાત કરી હતી.ઓરેકલ કંપનીનો નિર્ણય ટેક ક્ષેત્ર કોઈ ભૂલી શકે એમ નથી. આટલી મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી રવાના કરવા પાછળ કંપનીઓ મિશ્રિત પ્રતિક્રિયા આપી રહી છે.
ઠીકરૂ એઆઈ પર ફોડવામાં આવ્યું
એમની મુખ્ય દલીલ એઆઈ પર છે. દુનિયાભરમાંથી આવી રહેલા રિપોર્ટમાંથી એટલું કહી શકા છે કે, કંપનીઓ એઆઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. આ પૈસાની રીકવરી કર્મચારીઓની છટણી કરીને એમની સેલેરીના રકમ સામે સરભર કરી રહી છે. એટલે કંપનીમાંથી છટણી અને એઆઈમાં રોકાણ. એક સમયે ટ્વિટર માટે કામ કરનારા જેક ડોર્સીએ પોતાની કંપનીમાં 4 હજાર લોકોને ઘરનો રસ્તો બતાવી દીધો. તેમણે પણ ફેરવી તોડીને એઆઈ પર જ ઠીકરૂ ફોડ્યું. ટેક કંપનીઓમાં એઆઈ પાછળ પૈસા વાપરવાની જાણે હોડ જામી હોય એવું ચિત્ર છે.આલ્ફાબેટ, મેટા, એમેઝોન અને માઈક્રોસોફ્ટે મળીને આ વર્ષે 674 અબજ ડૉલરનો ખર્ચો કરવાનો પ્લાન બનાવ્યો છે. આ આંકડો બે વર્ષ પહેલાના આંક કરતા બમણો છે. આ હોડમાં કર્મચારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. ગોપ્રો જેવી નાની કંપનીએ ગત મહિને 145 લોકોને હવે જરૂર નથી એવું કહીને કંપનીના દરવાજા બંધ કરી દીધા. ટેક ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષ ખરાબ છે એ કહેવામાં કંઈ ખોટું નથી પણ કર્મચારીઓના પેકેજ અને છટણી પાછળની સચોટ વાત કરવા તૈયાર નથી.