Sun May 03 2026

Logo

ઉનાળામાં કેમ વધે છે આગજની?: દરરોજ 60થી 70 લોકો ગુમાવે છે જીવ, જોજો આ નાનકડી બેદરકારી ક્યાંક...

2026-05-03 14:48:00
Author: Darshana Visaria
Article Image

અત્યારે દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને દેશભરના મોટાભાગના રાજ્યો અને શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું છે. આ બધા વચ્ચે કોઈને કોઈ જગ્યાએ થયેલાં ભીષણ અગ્નિકાંડના સમાચારો પણ સામે આવતા જ રહે છે. તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે ઉનાળાની ઋતુમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આવું કેમ? ચાલો તમને આજે આ પાછળનું કારણ જણાવીએ... 

હાલમાં જ પૂર્વ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં એક ચાર માળની ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગજનિમાં ઈમારતના જુદા જુદા માળ પરથી કુલ 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘરના સામાનમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. ભારતમાં ઉનાળાના સમયગાળા દરમિયાન અચાનક જ આગની ઘટનાઓમાં અનેકગણો વધારો જોવા મળે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા આ સંકટની ગંભીરતા દર્શાવે છે. 

હવે વાત કરીએ કે આખરે ઉનાળામાં જ કેમ આગ લાગવાની ઘટનાઓ વધે છે એની તો આ માટે વિવિધ કારણો જવાબદાર છે. જેમાંથી સૌથી મોટું અને મહત્ત્વનું કારણ છે ઈલેક્ટ્રિસિટી પર પડતો વધારાનો ભાર. ઉનાળામાં એસી, કુલર અને ફ્રિજ જેવા ઉપકરણોનો સતત ઉપયોગ વધતા વાયરો પર લોડ વધે છે. ઓવરલોડ અને મેઈન્ટેનન્સના અભાવને કારણે વાયર ગરમ થઈને પીગળી જાય છે, જેને કારણે શોર્ટ સર્કિટ થઈ ને આગ લાગવાની ઘટનાઓ બને છે.

ઈલેક્ટ્રિક ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સિવાય ટ્રાન્સફોર્મર અને એસી યુનિટ્સ વધુ તાપમાનમાં કામ કરવાને કારણે ઝડપથી ઓવરહીટ થઈ જાય છે અને આગ પકડી લે છે. હવામાં ભેજનું ઓછું પ્રમાણ અને સુકા ઘાસ કે કચરાના ઢગલામાં એક નાની ચિંગારી પણ મોટી આગનું સ્વરૂપ ધારણ કરે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ભારતમાં દર વર્ષે આશરે 12,000થી અને 27,027 લોકો આગની દુર્ઘટનાઓમાં મૃત્યુને ભેટે છે. દેશમાં દરરોજ સરેરાશ 35થી 60 લોકો આગના કારણે મૃત્યુ પામે છે. આગથી થતા કુલ મૃત્યુમાંથી 70 ટકાથી વધુ મૃત્યુ ઘરો, ફ્લેટ્સ કે રસોડામાં લાગેલી આગને કારણે થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને મધ્યપ્રદેશ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં આ પ્રમાણ સૌથી વધુ છે. 

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.