Sun May 03 2026

Logo

પશ્ચિમ બંગાળમાં પરિણામ પૂર્વે રાજકીય બબાલઃ ભવાનીપુરમાં સ્ટ્રોંગરૂમ પાસે ભાજપના ઝંડાવાળી કાર દેખાતા TMCનો હોબાળો

2026-05-03 16:33:32
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તા માટેની લડાઈ હવે મતદાન કેન્દ્રથી આગળ જઈને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી છે. સ્ટ્રોંગ રૂમમાં જ્યાં ઈવીએમ કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે એને લઈને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના કાર્યકર્તાઓએ બંગાળની ભવાનીપુર સીટ પર આરોપ લગાવ્યો છે કે, ભાજપના ઝંડાવાળી બે ગાડી સ્ટ્રોંગરૂમના પરિસરમાં ઘૂસી ગઈ છે. મતદાનના દિવસે હિંસા બાદ હવે પરિણામ પહેલા રાજકીય હંગામો થઈ રહ્યો છે. ભવાનીપુર બેઠક પર આ પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો છે. 

અજાણી કાર પરીસરમાં ઘૂસી
તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો છે કે બે ગાડી જેમાં ભારતીય જનતા પાર્ટી  (ભાજપ)ના ઝંડા હતા એ સ્ટ્રોંગરૂમ પરિસરમાં ઘૂસી ગઈ હતી. આ બે ગાડીને અંદર આવવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. સખાવત મેમોરિયલ સ્કૂલમાં આ ઘટના બની છે. ગુરુવારની રાત્રે મમતા બેનર્જી જ્યાં ચાર કલાક સુધી ધરણા પર બેઠા હતા એ સ્ટ્રોંગ રૂમમાં મંજૂરી વગર પ્રવેશ આપી દેવાયો છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પરિણામ પહેલા કૉલકાતાથી લઈને કાલીગંજ સુધી માહોલ ગરમાયો છે. મતદાન ખતમ થતા પશ્ચિમ બંગાળમાં સત્તા માટેની લડાઈ શરૂ થઈ હોય એવો માહોલ છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સ્ટ્રોંગરૂમની સુરક્ષા વ્યવસ્થા પર સતત નજર રાખી રહ્યા છે. 

અગાઉના મુદ્દાનું પુનરાવર્તન
ચોથી મેના સવારે 8 વાગ્યા મતગણતરી શરૂ થશે. દીદીએ વારંવાર પરિણામના એક દિવસ પહેલા ઈવીએમમાં છેડછાડ અને ગણતરીમાં ભૂલના દાવા કર્યા છે. આ વખતે પણ આ જ મુદ્દાનું પુનરાવર્તન થયું છે. રવિવારે સવારે પણ કાઉન્ટિગ સેન્ટરથી 100 મીટર દૂર કેમ્પ કરી રહેલા તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ મૂક્યો હતો કે, ભાજપના ઝંડા વાળી કાર સ્ટ્રોંગરૂમના પરિસરમાં ઘૂસી ગઈ છે. 

કાર્યકર્તાઓએ કહ્યું કે, જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે. સુરક્ષા કર્મી વેલીડ આઈડીપ્રૂફ વગર કોઈ વ્યક્તિ કે કારને અંદર આવવા નથી દેતા, તેમ છતાં આ બે ગાડી જેને અમે અગાઉ ક્યારેય જોઈ નથી એને અંદર કેવી રીતે એન્ટ્રી આપવામાં આવી? જ્યારે અમે આ મુદ્દાનો વિરોધ કર્યો તો સેન્ટ્રલ પોલીસ ફોર્સે 100 મીટર દૂર ખસી જવા કહ્યું. 

લાંબા સમય સુધી કાર પડી રહી
સ્ટ્રોંગ પાસે રહેલા પોલીસ કર્મીઓએ દાવો કર્યો હતો કે, કારને ત્યાંથી દૂર કરી દેવામાં આવશે પણ લાંબા સમય સુધી એ ગાડી ત્યાં જ રહી હતી. ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યું કે, કાર હરીશ મુખર્જી રોડ પરથી પસાર થઈ રહી હતી, સિક્યોરિટી ફોર્સ અને પોલીસ તપાસ બાદ કોઈ વાંધાજનક વસ્તુ ન મળ્યા બાદ કારને એન્ટ્રી આપવામાં આવી હતી. પરિણામ પહેલા પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાઓ પર હંગામો થઈ રહ્યો છે. ભાજપના પ્રવક્તા સજલ ઘોષે કહ્યું હતું કે બંગાળના લોકોને આ અનોખું લાગી રહ્યું છે કે, ટીએમસી જે ખોટી રીતે અને જબરદસ્તી કરીને ચૂંટણી જીતી રહી હતી. હવે પાયાવિહોણા આરોપ મૂકી રહી છે. 

વિરોધ પ્રદર્શન પછી ECનું એક્શન
હાવડામાં પણ સ્ટ્રોંગ રૂમની નજીક કરવામાં આવી રહેલા રીનોવેશન વર્કનો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આ પછી આ રીનોવેશનનું કામ યુદ્ધના ધોરણે અટકાવી દેવામાં આવ્યું હતું. ટીએમસી નેતા શશિ પંજા અને કૃણાલ ઘોષે વિરોધ પ્રદર્શન કરીને પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. બારાસાત કૉલેજમાં તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમની બાહર પણ તૃણમૂક કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.