કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે 4 મે અને સોમવારના રોજ મતગણતરી હાથ ધરાશે.જોકે, તે પૂર્વે જ ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ તેમની ફરજો, પોસ્ટિંગ અને જવાબદારીઓ સંબંધિત સંવેદનશીલ માહિતી વિભાગીય સંગઠનો સાથે શેર કરી રહ્યા છે. જેની અસર મતગણતરી પ્રક્રિયા પર પડી શકે છે. તેમણે આ અંગે ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી છે.
કેટલીક સ્પ્રેડશીટ્સ અને યાદીઓ પ્રસારિત થઈ રહી છે
આ અંગે ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ એક્સ પર જણાવ્યું હતું કે, મારા ધ્યાનમાં આવ્યું છે કે મત ગણતરીના દિવસે ફરજ પર તૈનાત ઘણા અધિકારીઓ કથિત રીતે તેમની ફરજની વિગતો - સ્થાન અને હોદ્દા સહિત- તેમના સંબંધિત વિભાગીય સંગઠનો અને સંઘોને જાહેર કરી રહ્યા છે. તેમજ કેટલીક સ્પ્રેડશીટ્સ અને યાદીઓ પ્રસારિત થઈ રહી છે. જેમાં અધિકારીઓ સ્વેચ્છાએ અથવા દબાણમાં તેમની 'ચૂંટણી ફરજની વિગતો' ભરી રહ્યા છે. આમાં મત ગણતરી પ્રક્રિયા દરમિયાન તેમની ભૂમિકાઓ સંબંધિત ચોક્કસ વિગતો શામેલ છે.
ગોપનિયતાનો ભંગ પરિણામો પર ગંભીર અસર કરે છે
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ તેમની પોસ્ટમાં કેટલાક વોટસઅપ મેસેજના સ્ક્રીનશૉટ શેર કર્યા છે. તેમજ કહ્યું કે આ ચૂંટણી સબંધી નિયમોનું ગંભીર ઉલ્લંધન છે. તેમણે કહ્યું કે મતગણતરી પ્રક્રિયાની પવિત્રતા અને વિશ્વશનીયતા તેમાં સામેલ કર્મચારીઓની તૈનાતીની ગોપનિયતા પર આધારિત છે. આ ગોપનિયતાનો ભંગ પરિણામો પર ગંભીર અસર કરે છે. તેમજ જ્યારે કોઇ અધિકારીનું પોસ્ટિંગની માહિતી કોઇ રાજકીય સંગઠન કે સંઘને ખબર પડી જાય તો તેની પર રાજકીય પ્રભાવ અને દબાવની શક્યતા વધી જાય છે.
ચૂંટણી પંચ અને રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરી
સુવેન્દુ અધિકારીએ ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને આ બાબતની તાત્કાલિક નોંધ લેવાની માંગ કરી છે. ભાજપના નેતાએ આવી માહિતી એકત્રિત કરતી સંસ્થાઓની તપાસ કરવા માટે કડક નિર્દેશો આપવાની માંગ કરી છે.