Sun May 03 2026

Logo

રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીમાંથી મોટી રાહત થતા આંશિક હાશકારો

2026-05-02 22:46:00
Author: Mumbai Samachar Team
Article Image

ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે. જેના કારણે રાજસ્થાનના મોટા ભાગોમાં ભારે તોફાન સાથે વરસાદ પડ્યો છે,આગામી દિવસોમાં આ હવામાન પેટર્ન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આની અસર સ્પષ્ટ જોવા મળી હતી, જ્યાં શનિવારે શહેરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.ઉત્તરાખંડના મસૂરી અને ખાટીમામાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાતો જણાવે છે કે, રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં હાલમાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે. 

વિઝિબિલિટીને અસર 
આ દરમિયાન, હરિયાણા અને ઉત્તરી મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.તોફાન સાથે વરસાદ થતા વિઝિબિલિટીને અસર થઈ હતી. આ કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જયપુરની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે, જ્યારે રાજધાની દિલ્હીમાં સોમવાર સુધી લૂં ફૂંકાશે નહીં એટલે કે, વાદળછાયું વાતાવરણ રહેશે. જયપુરમાં વરસાદ થતા ગરમીમાંથી રાહત મળી છે જ્યારે દિલ્હીવાસીઓને સ્વચ્છ વાતાવરણનો અનુભવ થતા પ્રદૂષણની માત્રા પણ ઘટી છે. હવામાન ખાતા એલર્ટ આપ્યું હતું કે, સોમવાર પછી વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. 

ટ્રફના કારણે હવામાન બગડ્યું
એક સિસ્ટમ અને એક્ટિવ ટ્રફ હવામાનમાં અસ્થિરતા લાવે છે. આ જે વિસ્તારમાં એક્ટિવ થાય છે ત્યાં વાતાવરણ બગડે છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં હવાનું ખેંચાણ જોવા મળ્યું હતું. આ કારણે હવામાન બગડવાની સ્થિતિ ઊભી થઈ હતી. શનિવારે મસૂરી અને ખાટીમાના કેટલાક ભાગોમાં આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા,સાથે ભારે વરસાદ, ભારે પવન, ગાજવીજનો અહેસાસ થયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. હવામાનમાં આ ફેરફારથી લોકોને છેલ્લા ઘણા દિવસોથી સતત વધી રહેલી ગરમીથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડેટા અનુસાર, આ નોંધપાત્ર હવામાન પરિવર્તન હાલમાં હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોને અસર કરી રહ્યું છે અને ધીમે ધીમે દક્ષિણ તરફ ઉત્તર મધ્ય પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.