Sun May 03 2026

Logo

નૈનિતાલ-કૈંચીધામમાં ટ્રાફિકમાં ફસાયા ભાવિકો, ઘાટવાળા રસ્તા પર લાગી વાહનોની લાઈન

2026-05-02 22:34:03
Author: Mumbai Samachar Team
Article Image

નૈનિતાલઃ લાંબા વીકએન્ડને કારણે નૈનિતાલ અને કૈંચીધામમાં હજારો પ્રવાસીઓ-ભક્તોના આગમનથી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.  શુક્રવારે મળતા પ્રોફેશનલ્સ તથા અન્ય કર્મચારીઓએ નૈનિતાલ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો.પણ ટ્રાફિક પ્લાન જમીન પર બિનઅસરકારક સાબિત થઈ રહ્યો છે. સાંકડા પહાડી રસ્તાઓ, ઘાટ, અપૂરતી પાર્કિંગ સુવિધાઓ અને નબળી ટ્રાફિક વ્યવસ્થાપન વ્યવસ્થાથી નૈનિતાલ વીકએન્ડ માટે આવેલા લોકોની હાલત ખરાબ કરી નાંખી. 

હાલત ખરાબ થઈ
નૈનિતાલ-કૈંચીધામમાં પ્રવાસીઓ અને ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.શુક્રવારે નૈનિતાલમાં હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા પણ ટ્રાફિકમાં ફસાયા હતા. હજારો લોકોના એક સાથે આગમનને કારણે આવવા અને જવા એમ બન્ને રૂટ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. શ્રદ્-પર્યટનના આ સંગમ વચ્ચે લોકો ભક્તિભાવથી આવી રહ્યા છે પણ ટ્રાફિક જામને કારણે પહાડી રસ્તાઓ પર ફસાયા હતા. લાંબી લાઈનને કારણે હાલત ખરાબ થઈ ગઈ હતી. કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. દર વર્ષે, લાખો શ્રદ્ધાળુઓ કૈંચી ધામમાં એક શ્રદ્ધા અને ભક્તિ સાથે દર્શન કરવા આવે છે.

મોટી બેદરકારી
જેમ જેમ તેમની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે. જે મોટો પડકાર બની રહી છે. આ મુદ્દો હવે ફક્ત અસુવિધા પહોંચાડવા સુધી મર્યાદિત નથી રહ્યો પણ તે વધુને વધુ વહીવટી બેદરકારી અને બિનઅસરકારક અમલીકરણનું પ્રતીક બની રહ્યો છે.ભીડ વધવાને કારણે સ્થાનિકો પણ મુશ્કેલીઓ ભોગવે છે. વાહનોનો ભરાવો અને સાકડા રસ્તાને કારણે ભાવિકોની સાથે આસપાસના સ્થાનિકો પણ પરેશાન થાય છે. સમગ્ર ટ્રાંસપોર્ટ સિસ્ટમને માઠી અસર થતા અંતે ભોગવવાનો વારો ભાવિકો-પ્રવાસીઓનો આવી રહ્યો છે. દર શુક્રવારે નૈનિતાલ વહીવટી તંત્ર ટ્રાફિક ગાઈડલાઈન્સ જાહેર કરે છે પણ ગ્રાઉન્ડ સ્તર પર સ્થિતિ ઘણી અલગ થઈ જાય છે. 

હાઈવે પર લાંબી લાંબી લાઈન
હાઈવે શરૂ થતા જ લાંબી લાંબી વાહનોની લાઈ લાગી જાય છે. કાગળ પરની ગાઈડલાઈન્સને ગ્રાઉન્ડ લેવલની હકીકત સાથે વિપરિત સંબંધ જોવા મળે છે. મુદ્દો સુરક્ષાનો પણ ઊભો થાય છે. ખાસ કરીને રાતના સમયે અહીંથી નીકળી બસ અને વહેલી સવારે આવતી બસને આવી મુશ્કેલીનો સામનો દર વીકએન્ડમાં કરવો પડે છે. પરિસ્થિતિ એ થાય છે કે, લાંબા સમય સુધી બસના અને પોતાનું વાહન લઈને આવતા પ્રવાસીઓ લાંબા ટ્રાફિક જામમાં ફસાય છે. અવ્યવસ્થાનો શિકાર બને છે. જામની સ્થિતિ અસર માત્ર સ્થાનિક પર જ નથી થતી પણ ટૂંકા ગાળામાં લાંબા સમય સુધી ફરવાના પ્લાન પર પાણી ફરી જાય છે. ખાસ કરીને પહાડી રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામને કારણે આ સમય એમાં પસાર થઈ જાય છે. 

આખા દિવસનો શેડ્યુલ ખોરવાય છે
ખાસ કરીને જે લોકો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે એમના આખા દિવસનો શેડ્યુલ ખોરવાઈ જાય છે. કૈંચીધામ અને નૈનિતાલ માત્ર ફરવાના સ્થળ નથી પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આસપાસના લોકો માટે આર્થિક રીતે થોડું કમાઈ લેવાનો આધાર છે. રસ્તા પર જામ લાગે છે ત્યારે સ્થાનિકો અને અહીંયાના વેપારીઓ માટે પણ મુશ્કેલી ઊભી થાય છે. નૈનિતાલ પોલીસ ટીમને દહેરાદૂન વહીવટી તંત્રએ ચારધામની ડ્યૂટીમાંથી ફ્રી કર્યા છે.જેથી એમનું સમગ્ર ધ્યાન ટ્રાફિક પર રહી શકે. પણ પરિસ્થિત ઊલટી જોવા મળે છે. પાર્કિંગ, સાંકડા રસ્તા, ઘાટ અને પહાડી વિસ્તારમાં અવ્યવસ્થા અહીંયાનું મુખ્ય કારણ છે. જેનાથી ટ્રાફિક થાય છે. પ્લાન અનુસાર સમયાંતરે મોનિટરિંગ કરવામાં આવે અને એક્શન લેવામાં આવે તો મુશ્કેલી હલ થઈ શકે. પણ વ્યવસ્થા ખોરવાતા બધુ બગડે છે. 

સ્થાનિકોનો મત
યાત્રાનો અનુભવ બગડે છે તો કોઈનો પ્રવાસ બગડે છે. ટ્રાફિક જેવા ગંભીર મુદ્દાથી પ્રવાસ અને યાત્રા બન્નેને માઠી અસર થાય છે. નિષ્ણાંતો અને સ્થાનિકોનું માનવું છે કે, માત્ર ગાઈડલાઈન્સથી કંઈ થતું નથી પણ કડક અમલવારી જરૂરી છે. ખાસ કરીને વેકેશનમાં અને પ્રવાસીઓની પીક સીઝનમાં એ અનિવાર્ય બને છે. ટ્રાફિક જવાનોની ટીમ અને રીયલટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ થાય તો ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.