અમદાવાદઃ શહેરમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ દરમિયાન શહેર વધુ એક સ્પોર્ટ્સ ઈવેન્ટની તૈયારી માટે સજ્જ થઈ રહ્યું છે. મળતી વિગત પ્રમાણે, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) એ 2038ની એશિયન ગેમ્સની યજમાની માટે ભારતના બિડ (પ્રસ્તાવ) ને સત્તાવાર રીતે સ્વીકારી લીધો છે. ચીનના સાન્યા ખાતે મળેલી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બાદ OCA એ જાહેરાત કરી હતી કે, અમદાવાદની સજ્જતાની તપાસ કરવા માટે એક મૂલ્યાંકન ટીમ ટૂંક સમયમાં શહેરની મુલાકાત લેશે.
ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એશિયન ગેમ્સને ઓલિમ્પિક સાયકલ સાથે વધુ સારી રીતે સુસંગત કરવા માટે તેને એકી વર્ષોમાં ખસેડવાનું આયોજન કરી રહી છે. આ યોજના હેઠળ 2038ની ગેમ્સ 2039માં યોજાઈ શકે છે. આ ગેમ્સ ઓલિમ્પિકના એક વર્ષ પહેલા યોજાશે, જે અનેક રમતો માટે ઓલિમ્પિક ક્વોલિફાયર તરીકે પણ કામ કરશે.
આગામી તબક્કાના ભાગરૂપે, OCA આંતરરાષ્ટ્રીય અને એશિયન નિષ્ણાતોની એક 'ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુએશન કમિટી'ની રચના કરશે. આ પેનલ આગામી મહિનાઓમાં અમદાવાદની મુલાકાત લેશે અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમ, લોજિસ્ટિક્સ અને ઓપરેશનલ પ્લાનિંગ, નાણાકીય જોગવાઈઓ અને સમગ્ર આયોજન માટે સજ્જતા જેવી બાબતોનું મૂલ્યાંકન કરશે. આ સમિતિ તેનો ટેકનિકલ રિપોર્ટ સપ્ટેમ્બરમાં જાપાન ખાતે યોજાનારી આગામી બેઠકમાં રજૂ કરશે.
ભારત 2036 ઓલિમ્પિક માટે બિડ કરી ચૂક્યું છે અને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની સુરક્ષિત કર્યા બાદ હવે તેનું લક્ષ્ય એશિયન ગેમ્સ પર છે, જેમાં અમદાવાદ કેન્દ્રસ્થાને છે. ઉલ્લેખનીય છે કે, 2038ની એશિયન ગેમ્સ માટે ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા અને મંગોલિયાએ પણ રસ દાખવ્યો છે. જોકે, યજમાન શહેર અંગેનો અંતિમ નિર્ણય સપ્ટેમ્બર 2026માં જાપાનના નાગોયા ખાતે મળનારી બેઠકમાં લેવામાં આવશે. જો અમદાવાદ આ બિડ જીતશે, તો તે શહેર અને દેશ બંને માટે એક ઐતિહાસિક ક્ષણ હશે.