Sat May 02 2026

Logo

પશ્ચિમ બંગાળમાં  મતગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ, 242  નવા નિરીક્ષકોને તૈનાત

2026-05-02 19:23:37
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 મેના રોજ હાથ ધરાશે. જેની માટે ચૂંટણી પંચે વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમજ ચૂંટણી પંચે 242  નવા નિરીક્ષકોને તૈનાત કર્યા છે. જેમાં 165 મતગણતરી નિરીક્ષકો અને 77  પોલીસ નિરીક્ષકોનો સમાવેશ થાય છે.

વધારાના મતગણતરી હોલ નિરીક્ષકોને નિયુક્ત કરવામાં આવ્યા

રાજ્યમાં 165  વિધાનસભા મતવિસ્તારોમાં જ્યાં એક કરતાં વધુ મતગણતરી હૉલ છે. ત્યાં મતગણતરી હૉલને મદદ કરવા માટે વધારાના મતગણતરી હોલ નિરીક્ષકોને નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ નિરીક્ષકો તેમના ફાળવેલ વિધાનસભા મતવિસ્તારોમાં મતગણતરી કેન્દ્રોની આસપાસ સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે અને ખાતરી કરશે કે સુરક્ષા વ્યવસ્થા કમિશનના નિર્દેશો અનુસાર છે. જોકે, કોઈપણ સંજોગોમાં પોલીસ નિરીક્ષકો મતગણતરી દિવસે મતગણતરી ખંડોમાં પ્રવેશ કરશે નહીં.

 મત ગણતરી હૉલમાં મોબાઇલ ફોન નહિ લઇ જવાય 

આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ નિરીક્ષક ગણતરી સુપરવાઇઝર અને ગણતરી પ્રક્રિયામાં રોકાયેલા અન્ય ચૂંટણી તંત્ર સાથે ગાઢ સંકલનમાં કામ કરશે. જેમાં  ગણતરી કર્મચારીઓ, ઉમેદવારો અને તેમના એજન્ટો માટે ઓળખ કાર્ડ રિટર્નિંગ અધિકારીઓ દ્વારા ECINet પર સમર્પિત મોડ્યુલ દ્વારા જાહેર  કરવામાં આવશે. તેમજ મત ગણતરી સુપરવાઇઝર અને રિટર્નિંગ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિને ગણતરી હોલની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

માઇક્રો-ઓબ્ઝર્વર્સ CU સ્પ્લેમાંથી પરિણામો સ્વતંત્ર રીતે રેકોર્ડ કરશે 

આ ઉપરાંત કંટ્રોલ યુનિટના ગણતરી પરિણામો ધરાવતું ફોર્મ 17C-II,મત ગણતરી સુપરવાઇઝર દ્વારા ગણતરી સુપરવાઇઝરોની હાજરીમાં તૈયાર કરવામાં આવશે અને ગણતરી એજન્ટો સાથે તેમની સહી માટે શેર કરવામાં આવશે. જો ગણતરી એજન્ટો ઇચ્છે તો આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવશે. દરેક ટેબલ પર તૈનાત માઇક્રો-ઓબ્ઝર્વર્સ CU ડિસ્પ્લેમાંથી પરિણામો રેકોર્ડ કરશે અને દરેક રાઉન્ડના અંતે ક્રોસ-વેરિફિકેશન માટે ગણતરી સુપરવાઇઝરને સોંપશે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મત ગણતરી પ્રક્રિયા સુરક્ષિત, શાંતિપૂર્ણ  વાતાવરણમાં હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વધારાના મત ગણતરી નિરીક્ષકો અને પોલીસ નિરીક્ષકો તૈનાત કર્યા છે. આ નિમણૂકો ભારતના બંધારણની કલમ 324 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 20B હેઠળ કમિશનને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને કરવામાં આવી છે.