(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બોટાદમાં ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા લાંચિયા પોલીસકર્મીઓ વિરુદ્ધ સપાટો બોલાવવામાં આવ્યો હતો. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ જયેશભાઈ જાખણીયાએ ફરિયાદી સામે નોંધાયેલા ગુનામાં રાહત આપવા અને હેરાનગતિ ન કરવાના બદલામાં રૂ. ૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. વાટાઘાટોને અંતે રૂ. ૧૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે પાળિયાદ ખાતે મહાદેવ ફર્નિચર સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ટ્રેપ દરમિયાન એએસઆઈ વતી રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા વચેટિયા નિલેશભાઈ ઉર્ફે લાલા ભરાડિયાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસકર્મી જયેશભાઈ જાખણીયા મોકો જોઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ધરપકડ બાદ વચેટિયા અને એએસઆઈ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં લાંચની માંગણીનું સ્પષ્ટ સમર્થન મળતા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગર એસીબીએ વચેટિયાની અટકાયત કરી ફરાર એએસઆઈને ઝડપી પાડવા માટે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.