Sat May 02 2026

Logo

ચૂંટણીના પરિણામો પહેલા મમતા બેનર્જીને મોટો ઝટકો! સુપ્રીમ કોર્ટે TMCની અરજી ફગાવી

2026-05-02 12:39:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં બંને તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. જો કે, આજે 15 બેઠકો પર ફરી મતદાન કરવામાં આવી રહ્યું છે. આગામી 4 તારીખે મતગણતરી અને પરિણામ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા ટીએમસીને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચના મતગણતરીના નિયમો વિરુદ્ધ કરવામાં આવેલી TMC ની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે, કાઉન્ટિંગ સુપરવાઇઝર તરીકે રાજ્યના કર્મચારીઓની નિમણૂક ન કરીને ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે, પરંતુ કોર્ટે આ આશંકાઓને પાયાવિહોણી ગણાવી હોવાનું જાણવા મળ્યુ છે.

શું હતી TMC ની દલીલ?

ટીએમસીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, રાજ્ય સરકારી કર્મચારીઓને મતગણતરી નિરીક્ષક તરીકે કેમ નિયુક્ત કરવામાં આવતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે બંધારણની કલમ 324નું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અને ચૂંટણી પંચ મનસ્વી રીતે કાર્ય કરી રહ્યું છે. વધુમાં, પાર્ટીએ ચૂંટણી પંચ પર રાજ્યના કર્મચારીઓની પ્રામાણિકતા પર શંકા વ્યક્ત કરવાનો આરોપ લગાવ્યો. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે  સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્યના કર્મચારીઓ પર વિશ્વાસ કેમ નથી રાખવામાં આવતો?

એડિશનલ સીઈઓના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે, રાજ્યના હોય કે કેન્દ્રના, તમામ કર્મચારીઓ ચૂંટણી દરમિયાન પંચના નેજા હેઠળ જ કામ કરે છે. કોર્ટે કહ્યું, "માત્ર સુપરવાઇઝર જ નહીં, પણ દરેક ટેબલ પર ઉમેદવારોના પ્રતિનિધિઓ અને અન્ય અધિકારીઓ પણ હાજર હોય છે, તેથી ગરબડની આશંકાનો કોઈ મજબૂત આધાર નથી." સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સરક્યુલરમાં કોઈ પણ પ્રકારની દખલ કરવાની મનાઈ કરી દીધી છે. એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે એડિશનલ સીઈઓના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે.

4 મેના રોજ આવશે પરિણામ

પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે પૂર્ણ થયું હતું. હવે સમગ્ર દેશની નજર 4 મે 2026 ના રોજ આવનારા પરિણામો પર છે, જેમાં બંગાળની સત્તા કોને મળશે તેના પર સૌની નજર ટકેલી છે. બીજા તબક્કામાં કેટલીક જગ્યા ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવતા આજે પશ્ચિમ બંગાળમાં 15 બેઠકો પર સજ્જડ સુરક્ષા સાથે ફરી મતદાન કરવામાં આવી રહ્યું છે.