તેહરાન: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ઈરાને મોટો દાવ ખેલ્યો છે. અમેરિકા સમર્થિત 9-મુદ્દાના શાંતિ પ્રસ્તાવ સામે ઈરાને પાકિસ્તાન મારફતે પોતાનો 14-મુદ્દાનો વિગતવાર પ્લાન મોકલી આપ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેને માત્ર બે મહિનાનો કામચલાઉ યુદ્ધવિરામ મંજૂર નથી, પરંતુ તે આખા વિવાદનો કાયમી ઉકેલ ઈચ્છે છે. ઈરાને આક્રમક વલણ અપનાવતા તમામ મુખ્ય મુદ્દાઓનો નિકાલ લાવવા માટે માત્ર 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
મળતી વિગતો અનુસાર, ઈરાનની આ નવી દરખાસ્તમાં માત્ર સૈન્ય જ નહીં પરંતુ મોટા આર્થિક ફેરફારોની પણ માંગ કરવામાં આવી છે. ઈરાને શરત મૂકી છે કે અમેરિકી દળોએ તેની સરહદોની આસપાસના વિસ્તારો છોડવા પડશે અને તેની સામે ભવિષ્યમાં કોઈ લશ્કરી આક્રમણ નહીં થાય તેની લેખિત ખાતરી આપવી પડશે. આ ઉપરાંત, વર્ષોથી અટકેલી તેની અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવા, આર્થિક પ્રતિબંધો હટાવવા અને નુકસાની પેટે વળતર ચૂકવવાની પણ માંગણી કરી છે. આ પ્લાનમાં લેબનોન સહિતના તમામ મોરચે યુદ્ધ રોકવા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં નવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો પ્રસ્તાવ પણ છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરખાસ્ત પર ઠંડું પાણી રેડતા 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું હતું કે, ઈરાને દાયકાઓથી જે નુકસાન કર્યું છે તેની હજુ પૂરતી કિંમત ચૂકવી નથી. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ આ પ્લાન જોશે ખરા, પણ તે સ્વીકાર્ય હોય તેવું લાગતું નથી. ટ્રમ્પના આ નિવેદને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેનો ગજગ્રાહ જલ્દી શમે તેમ નથી.
આ દરમિયાન, બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. તાજેતરમાં ઈરાની તેલ ટેન્કરો 'મેજેસ્ટિક X' અને 'ટિફની' ને અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવતા વિવાદ વકર્યો છે. ટ્રમ્પે આ કાર્યવાહીને ગર્વ સાથે ચાંચિયાગીરી અને 'નફાકારક બિઝનેસ' ગણાવ્યો હતો, જેની સામે ઈરાને લાલચોળ થઈને અમેરિકા પર "કાયદેસરની લૂંટફાટ" કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાની વિદેશ મંત્રાલયે આ મામલે સંયુક્ત રાષ્ટ્રને હસ્તક્ષેપ કરવા અપીલ કરતા કહ્યું છે કે અમેરિકા ખુલ્લેઆમ દરિયાઈ કાયદાઓનો ભંગ કરી રહ્યું છે.