કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે. પશ્ચિમ બંગાળના ફલતા (Falta) વિધાનસભા ક્ષેત્રમાં મતદાનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. 29 એપ્રિલે યોજાયેલા મતદાન દરમિયાન થયેલી ગંભીર ગેરરીતિઓને ધ્યાને લઈને ભારતીય ચૂંટણી પંચે આખા મતવિસ્તારમાં ફરીથી મતદાન (Re-polling) કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, તેને લઈને ટીએમસી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
દિલીપ ઘોષના TMC પર આકરા પ્રહાર
ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે TMC પર આકરા પ્રહાર કર્યાં છે. દિલીપ ઘોષે કહ્યું કે , ‘TMC ની જીતની કોઈ શક્યતા નથી. તેઓ માત્ર પોતાના કાર્યકરોનું મનોબળ ટકાવી રાખવા માટે હિંસા અને ડરનો સહારો લઈ રહ્યા છે’. તેમણે આરોપ લગાવ્યો કે, ફલતામાં લાંબા સમયથી લોકોને ડરાવી-ધમકાવીને મતદાન કરતા રોકવામાં આવે છે. અગાઉ લોકોના વોટર આઈડી કાર્ડ છીનવી લેવામાં આવતા હતા, પરંતુ હવે જનતા જાગૃત થઈ છે અને ખુલીને સામે આવી રહી છે.
ચૂંટણી પંચનો મોટો નિર્ણય
ચૂંટણી પંચે જણાવ્યું છે કે, 29 એપ્રિલના રોજ મતદાન દરમિયાન EVM મશીનના બટનો પર કાળી પટ્ટી ચોંટાડવા અને મતદારોને ધમકાવવા જેવી ગંભીર ફરિયાદો મળી હતી. આથી લોકતાંત્રિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે ફરી મતદાન યોજવામં આવશે. ફલતાના તમામ 285 મતદાન મથકો પર આગામી 21 મે 2026ના રોજ ફરી મતદાન થશે. 285 મતદાન મથકો પર સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
પરિણામો પર શું અસર પડશે?
પશ્ચિમ બંગાળની અન્ય તમામ બેઠકોની મતગણતરી 4 મે ના રોજ હાથ ધરવામાં આવશે, પરંતુ ફલતા બેઠકની મતગણતરી અલગથી 24 મે ના રોજ કરવામાં આવશે. ચૂંટણી પંચના આ કડક વલણને કારણે બંગાળના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ બેઠક પર ગેરરીતિ થઈ હોવાની અનેક ફરિયાદો મળી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટીએમસીના કાર્યકર્તાઓ પર પણ ગંભીર આક્ષેપો લાગ્યાં છે.