ગયા: બિહારના ગયા જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલા કોન્સ્ટેબલના પ્રેમમાં આંધળા બનેલા બે પોલીસ ડ્રાઈવરો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સાથે બે અલગ-અલગ પોલીસ સ્ટેશનના ડ્રાઈવરોને પ્રેમ સંબંધ હોવાથી બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વણસ્યો હતો કે એક ડ્રાઈવરે ગુસ્સામાં આવીને બીજા ડ્રાઈવરની છાતીમાં ગોળી ઝીંકી દીધી હતી, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, પરૈયા પોલીસ સ્ટેશનનો ખાનગી ડ્રાઈવર ગૌતમ કુમાર જ્યારે મહિલા કોન્સ્ટેબલના ભાડાના મકાને તેને મળવા પહોંચ્યો હતો, ત્યારે ત્યાં અગાઉથી હાજર કોતવાલી પોલીસ સ્ટેશનના ડ્રાઈવર નીરજ કુમાર સાથે તેની બોલાચાલી થઈ હતી. પ્રેમિકા મુદ્દે થયેલી આ તકરાર દરમિયાન ગૌતમે પિસ્તોલ કાઢી નીરજના છાતીના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા નીરજ કુમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ આખી ઘટના 'લવ ટ્રાયંગલ'નો હોવાનું જણાય છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે મહિલા કોન્સ્ટેબલ અગાઉ પરૈયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી, તે સમયે બંને ડ્રાઈવરો તેના સંપર્કમાં આવ્યા હતા. હાલ પોલીસે આરોપી ડ્રાઈવર ગૌતમ કુમારની ધરપકડ કરી લીધી છે અને ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવા તજવીજ હાથ ધરી છે.