Wed Sep 30 2026

Logo

હાસ્ય વિનોદ: ડાબા હાથનો ખેલ...

2026-09-20 10:32:35
Author: Vinod Bhatt
હાસ્ય વિનોદ: ડાબા હાથનો ખેલ...

 વિનોદ ભટ્ટ

ડાબા હાથનો ખેલ- જમણા હાથથી લગભગ 56 વર્ષ સુધી લખ્યું. વિનોદ ભટ્ટ જેવું નામ કમાવા માટે જમણા હાથે મને અડધી સદી કરતાંય વધારે સમય સુધી મદદ કરી. આજે મારું નામ સુધ્ધાં એ હાથ વડે હું હવા પર લખી શકું છું. પણ કાગળ પર લખી શકતો નથી. કહેવતમાં કહ્યું છે કે નામ છે તેનો નાશ છે ને પેલા નાટયકાર શેકસપિઅરે પણ વગર પૂછે કહી દીધું છે કે `વ્હોટ ઇસ ધેર ઇન એ નેમ? નામમાં શું બળ્યું છે?' જોકે પોતાના આ વિધાન હેઠળ તે પોતાનું નામ લખવાનું નથી ચૂકયો ને પાછો દોઢ નહીં, પોણા બે ડાહ્યો થઇને આપણને ઉપદેશ આપે છે કે નામની પાછળ માણસે દોડવું નહીં. અમારું નામ ભલે રતિલાલ નથી. પણ અમે તો આત્મરતિના માણસ છીએ. અમને એ પણ ખબર છે કે અમે જે-જે છાપામાં લખ્યું ને આજે પણ જે છાપામાં લખીએ છીએ તે વાંચી રહ્યા બાદ (ઇનામી કુપન કાપી લીધા પછી)પસ્તીના ઢગલામાં પહોંચી જાય છે ને. પસ્તીવાળો એ  લઇ જવા આવે એની રાહ જોવાય છે.

હા, જમણા હાથની વાત આગળ. એ હાથ પહેલાં તો સાજોસમો હતો. એય લહેરથી ખાતો હતો. પીતો હતો ને જનોઇ વગરના બ્રાહ્મણનો હાથ હતો. એટલે માગે એને કવોટાના માપમાં રહીને આશીર્વાદ પણ આપતો હતો. પછી એવું થયું કે આપણા સાહિત્યકાર `દર્શકે' આપેલ શિખામણ આ પામર મનુષ્ય ભૂલી ગયો. `સોક્રેટિસ' નવલકથા લખનાર `દર્શકે' કહ્યું છે કે `મફત મળતું હોય એથી કંઇ ઝેર ન પિવાય' (સોક્રેટિસની તો જાણે એ  નિયતિ હતી. એને તો એ રીતે ઇતિહાસ બની જવાનું હતું.) પણ 2008ના વર્ષમાં અમને અમેરિકા જવાનું નોતરું મળ્યું. યજમાને ખોંખારીને જણાવ્યું હતું કે તમે અમારા મહેમાન. આ નિમંત્રણથી વિપ્ર રાજી થઇ ગયો. કારણ એ જ કે ઘણાં લોકો મને પૂછયા કરતા હતા કે હજી લગણ તમે અમેરિકા ગયા નથી? તમને ત્યાં કોઇ બોલાવતું નથી? આ સવાલ સાંભળતી વખતે એવો ચચરાટ થતો કે તમે B.A. પાસ પણ નથી? બહુ કહેવાય? અમેરિકા જઇ આવવું. અમેરિકા - રિટર્ન હોવું એ અહીં ડિગ્રી મેળવવા બરાબર ગણાય છે. સ્ટેટસ સિમ્બોલ મનાય છે. અમે તો ગયા. પણ અમેરિકા અમને માફક ન આવ્યું. ત્યાં એક મહિના કાઢવો આકરો પડી ગયો. ત્યાંની ઠંડી લાગી ગઇ. જમણો ખભો ને હાથ પકડાઇ ગયા. ત્યારથી જમણો હાથ પાર્ટટાઇમ રિટાયર્ડ થઇ ગયો છે. મારા નહીં લખવાથી સાહિત્યને સહેજ પણ ફેર પડવાનો  નથી. એની મને ખબર છે. હું લખું છ એને સાહિત્ય કહેવાય એવો પણ કોઇ ભ્રમ રાખતો નથી. (એથી જોકે તબિયત પણ પ્રમાણમાં ઠીક રહે છે.) હું `સ્વાન્ત: સુખાય' લખું છું. એવું ગપ્પું મારવાનુંય મને નથી ગમતું. કેમ કે ખરેખર જો એમ જ હોત તો છપાવાને બદલે લખ્યા બાદ મારાં લખાણો એક બાટલામાં (ના. બાટલી નાની પડે એટલે બાટલામાં) નાખી એર ઍન્ડ વૉટર ટાઇટ બૂચ મારીને સાબરમતી નદીમાં પધરાવ્યા કરત. નદીમાં કચરાની જોડે એને પણ વહી જવા દેત. પછી એ કચરામાંથી કોઇ બીજો જ વિનોદ ભટ્ટ ઊભો થાત. (એ તો જેવું  ગુજરાતી સાહિત્ય તેમ જ સાહિત્ય પરિષદનું નસીબ-તો પણ ગુ. સા. પ. ને આવો પ્રમુખ તો ન જ મળ્યો હોત - બોલો, લાગી શરત સો-સો રૂપિયાની?)  પણ સાચું કહું તો લગભગ  અડધી સદી કરતાંય વધારે સમયથી મને મારું છપાયેલું નામ વાંચવાની લત પડી ગઇ છે, હું એના નશામાં જીવું છું.

જમણા હાથે પરાણે લખવા જતાં મને તો કષ્ટ પડતું જ હતું. પણ એ છાપનારને મારા કરતાંય વધારે આપદા પડતી. પ્રૂફરીડર કોઇ વાર મને ફોન પર પૂછતોય ખરો કે તમે પાના ચાર પર શું લખ્યું છે? `પથદર્શક' કે `પરામર્શક'? માત્ર પહેલો અક્ષર `પ' અને છેલ્લો અક્ષર `ક' જ ઉકેલી શકાય છે. આ સાંભળીને હું પણ મૂંઝાઈ જતો, કારણ કે આવા અઘરા શબ્દો હું લખવામાં વાપરતો નથી. આ પ્રકારના ભારેખમ શબ્દો હસાવવા માટે મને ખપમાં આવતા નથી. નક્કી કોઈ ભળતોસળતો શબ્દ જ લખાઈ ગયો હશે, જેની ભાળ હજી સુધી મળી નથી.

અને મારા અક્ષરો! મારે નમ્રતાનો અંચળો ફગાવીને કહી દેવું જોઈએ કે ભલે ગાંધીબાપુ મહાત્મા ગણાયા ને અમે આ ક્ષણે પણ અલ્પાત્મા છીએ. ક્નિતુ ખરાબ અક્ષર કાઢવામાં બાપુ કરતાં અમે ઘણાં આગળ. બાપુના અક્ષર ભલે ખરાબ હતા, પણ તેઓ પોતાનું લખેલું વાંચી શકતાં, એટલું જ નહીં, તેમનું લખાણ તો મહાદેવ દેસાઈ ને કાકાસાહેબ કાલેલકર પણ ઉકેલી શકતાં, જ્યારે મારા કિસ્સામાં તો પોતાનું લખેલું સ્વયં વાંચી શકતો નથી ને મારા નઠારા અક્ષરો ઉકેલી શકે એવો કોઈ મહાદેવ દેસાઈ મને હજી સુધી જડ્યો નથી.

જોકે હવે મારે એની જરૂર પણ નથી: કેમ કે જમણા હાથ જોડે મારે હવે અણબનાવ થઈ ગયો છે. એના વિકલ્પે-ના, એની અવેજીમાં કમ્પ્યુટર નહીં, પણ ડાબા હાથ સાથે છેલ્લા થોડાક દિવસોથી વાટાઘાટ ચાલી રહી છે. એય હાથ તો મારો જ છે, એટલે થોડાં લાડ કરીને માની તો જશે. અલબત્ત, આની પ્રેરણા મને ગાંધીબાપુમાંથી મળી છે એ મારે કબૂલ કરવું જોઈએ. કહે છે કે બાપુ સવ્યસાચી હતા. તેઓ જમણે ને ડાબે હાથે લખવાનું શરૂ કરી દેતાં. જોવાની ખૂબી પાછી એ હતી કે તેઓ બંને હાથે ખરાબ અક્ષરોનું સાતત્ય જાળવતા, તેઓ એટલે સુધી કે વાંચનારને ખબર જ ન પડે કે કયા અક્ષર વધારે ખરાબ છે! બંને સરખા લાગે. આમ તો આ પણ એક સિદ્ધિ જ ગણાય. 

ક્નિતુ મારી બાબતમાં થોડી ગરબડ છે. જોનારા એવું કહે છે કે પેલા હાથ કરતાં આ હાથે લખાયેલ અક્ષરો ઘણાં જ સારા છે. (ઘણાં જ સારા, એટલે કે કષ્ટ વગર વાંચી શકાય એવા એમ સમજવાનું,) આ તો હજી શરૂઆત છે. ધીરેધીરે સુધરી જશે, અર્થાત્‌‍ પહેલાં જેટલા જ ખરાબ થઈ જશે. લખતી વખતે કેટલીક વાર મને લાગે છે કે હું હજી કક્કો ઘૂંટું છું, ક્ષ,દ્ય,જ્ઞ અને ઋ જેવા અક્ષરો સાવ અજાણ્યા જણાય છે.

જોકે એનોય રોમાંચ થાય છે. કેટલીક વાર તો ડાબો હાથ જમણા, હાથને પૂછી નાખે છે કે `હેં ભાઈ જમુ, `જ્ઞ' કેમ લખાય?' હું ડાબા હાથે ધીમેધીમે લખતો હતો એ ટાણે એક ડૉક્ટર મિત્ર મળવા આવ્યા. આ રીતે લખતો જોઈને તેમણે મને માહિતી આપી કે આપણે જ્યારે ડાબા હાથે લખતા હોઈએ ત્યારે જમણી બાજુએ  આવેલ મગજ સક્રિય બને છે ને જમણા હાથે લખતા હોઈએ એ સમયે ડાબી તરફ આવેલ મગજનું ડોમિનન્સ વધી જાય છે. ચાલો, મારી જમણી બાજુ પણ મગજ છે ને તે ચાલે છે પણ ખરું એ જાણીને હું એકદમ રાજી થઈ ગયો. જોકે લખતી વખતે કેટલીક વાર હું એવું `ફીલ' કરું છું કે મગજ આવીને મારાં ટેરવાં પર બેસી જાય છે ને `આ નહીં, પેલો શબ્દ લખ.' એવો આદેશ પણ આપે છે. આમ મગજ વતી હાથનાં ટેરવાં વિચારતાં હોવાની અનુભૂતિ થાય છે.

આ તો પાછી સત્યઘટના છે. 30 વર્ષ કરતાંય જૂની છે આ ઘટના.

`ભારત યુવક નિકેતન' સંચાલિત સુલેખન સ્પર્ધાના ઈનામ વિતરણ સમારંભમાં અમને પણ આમંત્રણ મળેલું- બોલવા માટે... આ કાર્યક્રમમાં અમે પણ વક્તવ્ય આપવાના છીએ એમ જાણીને એક મિત્રે ટકોર કરી : `સુલેખનમાં તમે બોલવા જશો? તમારા અક્ષર તો સારા નથી...' આ સાંભળીને મન થોડું વિચારમાં પડી ગયું ક્ષણભર તો થયું કે સુલેખનના નિયામકને ના પાડી દઉં, કહી દઉં કે મારા અક્ષરો જરાય સારા નથી, એટલે આ કાર્યક્રમમાં હું બોલવાને લાયક નથી... પણ પછી એ પત્રિકામાં વાંચ્યું કે આ સુલેખન-સંસ્થાની શરૂઆત જ ગાંધીશતાબ્દીના વર્ષમાં થઈ છે. શરૂઆત જ ખોટી થઈ છે- ગાંધીજીના બરાબરી હું અક્ષરોની બાબતમાં તો કરી જ શકું છું. તેથી એટલા પૂરતો મને બોલવાનો અધિકાર ખરો. આમ તો ગાંધીબાપુ મૌન પાળતા, પણ મૌન વિશેય તેઓ ઘણું બોલ્યા છે. ખરાબ અક્ષરો વિશે પણ બોલ્યા છે. તેમણે કહ્યું છે: `ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.' જોકે એ વાતનો તો અમને આનંદ છે કે ગાંધીબાપુએ એટલું તો કબૂલ કર્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી પણ કેળવણી તો છે. ગાંધીજીના અક્ષરો ખરાબ હતા, હશે, પણ એટલા બધા ખરાબ નહીં હોય, નહીં તો `ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.' એ વાક્ય આપણા સુધી પહોંચી શક્યું ન હોત. ગાંધીજી તો કદાચ પોતાના અક્ષરો ઉકેલી શકતા હતા, પણ એક વાર લખ્યા પછી ખુદ અમારા અક્ષરો ઉકેલવામાં અમને ત્રાસ પડે છે. એક વાર `કુમાર'ના તંત્રી બચુભાઈ રાવતે કાગળ લખીને અમને બોલાવ્યા : `તમારા લેખમાં એક શબ્દ બેસતો નથી તો રૂબરૂ મળી જશો.' તેમણે અમારા હાથમાં લેખ મૂક્યો. શબ્દ ઉકલ્યો નહીં. ઓશિયાળા ચહેરે અમે બચુભાઈ સામે જોયું. તેમણે હસીને કહ્યું `જે કંઈ લખો એ સ્પષ્ટતાપૂર્વક લખો...' તરત એ શબ્દ ઊકલી ગયો! `આ શબ્દ સ્પષ્ટતા છે...' પછી અમે સ્પષ્ટતા કરી.

લખવા માટે હાથ જમણો હોય કે ડાબો એનું ખાસ મહત્ત્વ નથી. મહત્ત્વ તો કોઈપણ હાથે લખવાનું છે. છેલ્લે મારે એટલું જ કહેવાનું છે કે મારો આ લેખ, `ડાબા હાથનો ખેલ' એ મારા ડાબા હાથે લખાયેલ પહેલો જ લેખ છે. હવે હું છડેચોક કહી શકીશ કે હાસ્યલેખ લખવો એ મારા માટે હવે ડાબા હાથનો ખેલ થઈ ગયો છે.