ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા અને ચીરઇ વિસ્તારમાં કાર્યરત જાણીતી સોલ્ટ કંપનીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હોવાનો એક મોટો પર્દાફાશ થયો હતો. કંપનીના જ કેટલાક ડમ્પર ચાલકો, સુપરવાઇઝરો અને બહારના તત્વોએ મિલીભગત રચીને છેલ્લા છ મહિનામાં કંપનીનું આશરે ૨૦,૦૦૦ મેટ્રિક ટન જેટલું નમક સ્ટોક યાર્ડમાં ખાલી કરવાને બદલે બારોબાર ખાનગી ખેતરોમાં ઠાલવી વેચી માર્યું હતું. રૂા. ૨,૫૦,૦૦,૦૦૦ (અઢી કરોડ)ના આ ચકચારી કૌભાંડ અંગે ભચાઉ પોલીસ મથકે ૧૫ શખ્સો વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધી વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ કૌભાંડ અંગે મળતી વિગતો મુજબ, ભચાઉના વોંધ ગામે આવેલી અરિહંત સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેની ભગિની કંપનીઓ દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીરામ સોલ્ટ વર્કસ મોટા પાયે મીઠું પકવી દેશ-વિદેશમાં સપ્લાય કરે છે. કંપની દ્વારા ફેક્ટરીમાં તૈયાર થતું મીઠું મોટી ચીરઇ અને ચોપડવા સ્થિત સ્ટોક યાર્ડમાં એકઠું કરવામાં આવે છે. આ ફેક્ટરીઓમાંથી મીઠું ટ્રાન્સપોર્ટ કરવા માટે સમર્થ લોજિસ્ટિકના ડમ્પરો અને ટ્રકો કાર્યરત છે. નિયમ મુજબ વાહનોમાં મીઠું ભરી વજનકાંટા પર વજન કર્યા બાદ તેની ચિઠ્ઠી ડ્રાઇવર અને સુપરવાઇઝર મારફતે કંપનીમાં જમા કરાવવાની હોય છે. જો કે, કંપનીના મેનેજરે જ્યારે સ્ટોકની આખરી ચકાસણી કરી ત્યારે મીઠાનો મોટો જથ્થો ઓછો માલૂમ પડ્યો હતો, જેથી વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત વોચ ગોઠવવામાં આવી હતી.
તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો કે, ડમ્પર ચાલકો ફેક્ટરીમાંથી મીઠું ભરીને નીકળતા હતા પરંતુ તેને નિયત સ્ટોક યાર્ડમાં ખાલી કરવાને બદલે નાની ચીરઇ અને ચોપડવાની સીમમાં આવેલા ખાનગી ખેતરોમાં ઠાલવી દેતા હતા. આ કૌભાંડમાં વાહનચાલક દિનેશ કોળી, માદેવા કોળી, નારાણ કોળી, અમરશી કોળી, સુરેશ કોળી, ટીનો કોળી અને ભરત મજાજર તેમજ સુપરવાઇઝર શામજી રવા કોળી, પ્રેમજી ગંગાસ કોળી, રાજેશ શામા કોળી અને સુરેશ નરશી કોળી સામેલ હતા.
આ તમામ કર્મચારીઓ બહારના શખ્સો જેવા કે ભરત બચુ ખટારિયા (આહીર) અને નારાયણ ભુયાન સાથે મળી ગયા હતા. તેઓ ખેતરોમાં મીઠું એકઠું કર્યા બાદ શંભુ કારા ડાંગરની ટ્રકોમાં સુલતાન નામના શખ્સના લોડર વડે માલ ભરાવીને બારોબાર સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા હતા. આ મામલે અરિહંત કંપનીના જનરલ મેનેજર રમેશ શામજી મ્યાત્રાએ ભચાઉ પોલીસ મથકે ૧૫ આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડી અને ઉઠાવગીરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(ઉત્સવ વૈદ્ય)