Tue Aug 18 2026

Logo

કૉમનવેલ્થ ગેમ્સના વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો

Glasgow   2026-08-02 21:51:09
Author: Ajay Motiwala
Article Image

બૉક્સિંગ સ્પર્ધાના વિજેતા ભારતીય ખેલાડીઓને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મેડલ અર્પણ કર્યા

ગ્લાસગોઃ સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. વૈશ્વિક કક્ષાની આ રમતગમત સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ બૉક્સિંગમાં અદભુત દેખાવ કરીને કુલ 10 મેડલ જીતી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.

આ ગૌરવશાળી અવસરે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી (SANGHVI)એ વૈશ્વિક મંચ પર ઉપસ્થિત રહી વિજેતા ભારતીય રમતવીરોને મેડલ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા.

`ભારત માતા કી જય...'ના નારા

મેડલ સેરેમનીમાં ભારતીય બૉક્સરોને મેડલ એનાયત કરતી વખતે સમગ્ર સ્ટેડિયમમાં `ભારત માતા કી જય...'ના નારા ગુંજી ઉઠ્યા હતા. બૉક્સિંગમાં ભારતીય ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન અને ઐતિહાસિક સિદ્ધિએ રમતગમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો સંચાર કર્યો છે.

શનિવારનો દિવસ ભારતીય સ્પોર્ટ્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે. પહેલાં મહિલા મુક્કાબાજોએ અને પછી પુરુષ બૉક્સરોએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.

મેડલ પહેરાવવાની પળ ગૌરવપૂર્ણઃ હર્ષ સંઘવી

આ ગૌરવપૂર્ણ પ્રસંગે વાતચીત કરતા નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, `આપણા ખેલાડીઓની આ સિદ્ધિ માત્ર મેડલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આપણા દેશના યુવાનોની મહેનત, સમર્પણ અને જુસ્સાનું પ્રતીક છે. આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે.'