રાજકોટઃ રાજકોટ શહેરને 253 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. આ તમામ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ પ્રોજેક્ટમાં રાજકોટ મહાનગરપાલિકાના 252.16 કરોડના કામનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા તૈયાર થયેલા ઓડિટોરિયમનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી દ્વારા થશે. આ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. યુનિવર્સિટીમાં 20.10 કરોડના ખર્ચે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. વિશાળતાની દ્રષ્ટિએ આ બીજા ક્રમનું સૌથી મોટું ઓડિટોરિયમ છે. જેના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવશે. રવિવારે બપોર પછીના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવશે. તમામ કાર્યક્રમ બપોર પછીના શેડ્યુલમાં છે.
જિલ્લા ક્લેક્ટરે આપી વિગતવાર માહિતી
શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે. આ સાથે રાજકોટના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનર પણ કાર્યક્રમમાં જોડાશે. જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, તા.2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેન્ટેટિવ કાર્યક્રમ સામે આવ્યો છે. જેમાં તેઓ સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી પૂજિત રૂપાણી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આ કાયક્રમ બાદ સાંજે 6થી 7 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ હોલ ખાતેથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યાં એક ખાસ દસ્તાવેજી ફિલ્મ પણ પ્લે થશે. આ ઉપરાંત વહીવટી તંત્રના અભિયાન "સ્વચ્છ હાથ, પોષણ સાથ" રાજકોટ શહેરથી લૉંચ કરાશે. આ પછી શહેરના મવડીના ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાનારી રાજકોટ બિલ્ડર એસોસિયેશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ઉપસ્થિત રહેશે.જ્યાં તેઓ બીજા કેટલાક પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરીને જરૂરી સૂચનાઓ આપી શકે છે. નવા તૈયાર થયેલા ઓડિટોરિયમ હોલમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે.
મહત્ત્વના પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓને ફાયદો
ઓડિટોરિયમ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. બેઠક વ્યવસ્થાથી લઈને પ્રાસંગિક સંબોધન સુધી તમામ વ્યવસ્થા માટે એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી. રાજકોટ શહેરના કુલ 272,26,57,000 ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે.આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી તૈયાર થયેલી લાયબ્રેરીનું પણ લોકાર્પણ થશે. નવા તૈયાર થયેલા ઓડિટોરિયમની બેઠક વ્યવસ્થા 934 સીટની છે. આ સિટિંગ કેપેસિટીને ધ્યાને લઈને આયોજન કરાયું છે. 7.71 કરોડના ખર્ચે તૈયાર થયેલી લાયબ્રેરી અતિઆધુનિક છે. ફાયર સેફ્ટિથી લઈને ઈન્ટરનેટ ક્નેક્શન સુધી તથા પુસ્તકોની શ્રેષ્ઠ પ્રાપ્યતાથી વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ થવાનું છે. આ સિવાય લોકોને આરોગ્ય લક્ષી સુવિધા મળી રહે એ માટે અહીંના હેલ્થ સેન્ટરનું રૂ.68.57 લાખના ખર્ચે લોકાર્પણ થશે.