Fri Oct 16 2026

Logo

ફિલ્મનામાઃ ક્લાસિક સાહિત્યથી ક્લાસિક ફિલ્મોની સાત્ત્વિક સફર

2026-10-16 08:11:00
Author: Naresh Shah
ફિલ્મનામાઃ ક્લાસિક સાહિત્યથી ક્લાસિક ફિલ્મોની સાત્ત્વિક સફર

 

નરેશ શાહ

સત્યજીત રાયની શૉર્ટ સ્ટોરી પરથી ડિરેક્ટર અનંત મહાદેવને બનાવેલી ‘ધ સ્ટોરીટેલર’ફિલ્મે ફરી એકવાર પુરવાર કરી દીધું કે પરેશ રાવલ અનબિટન અભિનેતા છે. બંબૈયા ફિલ્મ જગતે ભારતની વિવિધ ભાષાની સાહિત્યિક કૃતિ પરથી પણ અનેક યાદગાર ફિલ્મો બનાવી છે. શાહરૂખની ‘પહેલી’ ફિલ્મ રાજસ્થાની લેખક મોહનદાન દેથાની દુવિધા વાર્તા પરથી બની છે. 

પ્રકાશ ઝાની ‘પરિણીતી’ આ લેખકની કૃતિ, કન્નડ સર્જક ડૉ. યુ. આર. અનંતમૂર્તિની કથા પરથી ‘દીક્ષા’, કુસુમ અન્નસાઇની કૃતિ પરથી પંચવટી, બનફૂલની વાર્તા પરથી ‘ભુવનસોમ’ અને ‘વો છોકરી’ જરાસંઘની કથા પરથી બંદિની, શેક્સપિયરની કૃતિ પરથી અંગુર, ધર્મવીર ભારતીની કૃતિ પરથી સૂરજ કા સાતવાં ઘોડા, રાજેન્દ્ર યાદવની નવલ ઉપરથી ‘સારા આકાશ’બની છે. અઢળક ફિલ્મો છે અને અહીં ઘણી ફિલ્મનો ઉલ્લેખ ન થયો હોય એ સહજ છે પણ આજે સાહિત્યિક કૃતિ પરથી બનેલી કેટલીક ફિલ્મોની વાત કરવી છે :

સત્યકામ (1969) ભાષા : બંગાળી લેખક : નારાયણ સન્યાસ

આવું જીવી શકાય? લમણાં પર વિંઝાતા હથોડાની માફક આ સવાલના સબાકા ઊપડે છે, જ્યારે તમે નારાયણ સન્યાસની બંગાળી નવલકથા ‘સત્યકામ’ વાંચો છો. સત્યપ્રિય આચાર્ય ખોટું કરતો નથી અને ખોટું થવા દેતો નથી. સત્યની ગળાથૂંથીનો ઉકાળો હરદમ તેના જીભના ટેરવે અને દિમાગની સપાટી પર રહે છે અને સત્યપ્રિય આચાર્ય તેનો ભોગ સતત બને છે. પત્ની મૂગેમોઢે સત્યપ્રિયની સાથે જ રહે છે પણ... 2005માં સ્વર્ગવાસી થયેલાં બંગાળી લેખક નારાયણ સન્યાસની ‘સત્યકામ’માં કોઈ ચમત્કારિક કે નાટકીય અંત નથી. 

વાસ્તવ છે. સત્યપ્રિય આચાર્ય દરેક યુગમાં દુર્લભ જણસ રહી છે, પણ તેથી શું સત્યપ્રિયતા આઉટડેટેડ હોય છે? 1969માં ઉત્તમ અને યુઝફૂલ ફિલ્મોના સર્જક ઋષિકેશ મુખરજીએ આ કૃતિ પરથી ફિલ્મ બનાવી હતી. એ પછી ઋષિદાએ નવી ફિલ્મો ન બનાવી હોત પણ બોલિવૂડ તેનું ઋણી રહેત તેવી ક્લાસિક ‘સત્યકામ’ ગણાય છે. કદાચ, મૂળ કથાથી પણ વધુ અસરકારક અને વધુ જાણીતી. ફિલ્મમાં ધર્મેન્દ્રનો ટાઇટલ રોલ હતો અને ગરમ ધરમને સત્યકામ તરીકે જુઓ ત્યારે ખાત્રી થઈ જાય કે બોલિવૂડિયા એવૉર્ડ બિલકુલ જેન્યુઇન નથી. ‘સત્યકામ’ માટે એવૉર્ડ ન મળ્યાનો ધરમપાજીનો અફસોસ વાજબી છે.

ચોબેર બાલી ભાષા : બંગાળી લેખક : રવીન્દ્રનાથ ટાગોર

નમણી, નાજુક અને ઝાકળના બિંદુ જેવી તાજી યુવાની ધરાવતી વિધવા વિનોદીની પર પરિણીત મહેન્દ્રની નજર ઠેર છે. અને... વિનોદીની પરિણીત મહેન્દ્રની પત્ની આશાલતાની આંખનો ખટકો બને છે. ચોબેર બાલીના હિન્દી અનુવાદનું નામ છે : આંખ કી કિરકીરી, મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરની આ પ્રસિદ્ધ નવલકથામાં સુનીલ ગંગોપાધ્યાયની વાર્તા (‘વૉટર’ ફિલ્મ)ની જેમ વિધવાઓના નિરર્થક અને તુચ્છ જીવનની નહીં, સપનાંઓ અને તેના યથાર્થની વાત છે.

બિલિયન્ટ ડિરેક્ટર રિતુપર્ણો ઘોષ (રેઇનકોટ, આંતરમહલ, ઉત્સવ) એ રવીન્દ્રનાથ ટાગોરની બિનોદીની તરીકે ઐશ્ર્વર્યા રાયને લઈને એ જ નામથી ઉત્તમ ફિલ્મ બનાવી છે. બંગાળી કલાકારો, બંગાળી માહૌલ અને ઘોષની નજાકતભરી ટ્રિટમેન્ટ અને ઐશ્ર્વર્યા રાયના કમાલ અભિનયને કારણે ફિલ્મ પણ નવલકથાની લગોલગ જઈને ઊભી રહે છે. બાય ધ વે, બંગાળી ફિલ્મ ‘બારીવાલી’માં આખું ફિલ્મ યુનિટ શૂટિંગ કરવા માટે આવે છે. એ યુનિટ ‘ચોખેર બાલી’ પરથી જ ફિલ્મ બનાવતું હોવાનું ઘોષે દેખાડેલું.

ટાગોરની વાર્તાઓ ઉપરથી ઉપહાર, લેકીન, અતિથિ, કાબુલીવાળા જેવી હિન્દી ફિલ્મો બની છે. બિમલ મિત્રની કૃતિ પરથી ‘સાહેબ બીબી ઓર ગુલામ’- શરદચંદ્ર ચટોપાધ્યાયની જ વાર્તાઓ પરથી દેવદાસ, સ્વામી, ખુશ્બુ, મઝલીદીદી, બિરાજ બહુ ફિલ્મો બની.બંગાળી ફિલ્મો તો અઢળક બની છે.

શતરંજ કે ખિલાડી ભાષા : હિન્દી લેખક : મુનશી પ્રેમચંદ

નવાબોના શોખ, મિજાજ અને અંગ્રજોના દાવપેચને કળાત્મક રીતે આલેખતી મુનશી પ્રેમચંદની કૃતિમાં આ બન્ને વાત ઉપરાંત અવધી સંસ્કૃતિ સરસ રીતે વ્યક્ત થાય છે. મુનશીજીની કથામાં નવાબ વાજીદ અલી શાહ પોતાની કવિતા અને સંગીતમાં ગૂલતાન છે અને અવધવાસી મીરઝા સજ્જાદ અલી અને મીર રોશન અલી શંતરજ (ચેસ) પાછળ દીવાના છે. 

મુનશીએ આ નવલકથામાં સિમ્બૉલિક રીતે એવું દર્શાવ્યું છે કે એક તરફ શતરંજના પ્યાદાંઓ ચાલે છે તો બીજી તરફ બ્રિટિશ હુકૂમત તેના પોતાના દાવ ખેલીને દેશના હિસ્સાઓ પર કબજો જમાવતી જાય છે. શતરંજના ખેલાડીઓ મીરઝા અને મીર પર તેની બીબીઓ ઊકળતી રહે છે. બીબીઓ કદાચ, અહીં આંતરચેતનાનું પ્રતીક છે, પરંતુ ખેલાડીઓ ‘જાગતાં’ નથી. શતરંજની બાજી મંડાતી રહે છે અને બ્રિટિશરો જીતતા રહે છે... 

નવાબીકાળના સમાજજીવનની આગવી રીતે વાત કરતી મુનશી પ્રેમચંદની આ કૃતિ પરથી મહામહાન સત્યજીત રાયએ ‘શતરંજ કે ખિલાડી’ બનાવી. રાયે બનાવેલી એક માત્ર હિન્દી ફિલ્મ, માસ્ટર પીસ, સંજીવકુમાર, સઇદ મિર્ઝા, અમજદખાન અને શબાના આઝમી અને નવાબી તહેજીબ, અઢારમી સદીનું વાતાવરણ... બોલિવૂડ સ્ક્રીન  પર આ પ્રકારના માઇલસ્ટોન- સીમાચિહ્ન જૂજ રચાયાં છે.
વધુ દિલચસ્પ ફિલ્મોની વાત  હવે પછી