Fri Oct 16 2026

Logo

અમેરિકી સ્કૂલમાં ગોળીબારથી ડરનો માહોલ... 3 બાળકો અને ટીચરનું મોત, હુમલાખોર પણ ઠાર

Washington DC   2026-10-16 08:22:00
Author: Mumbai Samachar Team
અમેરિકી સ્કૂલમાં ગોળીબારથી ડરનો માહોલ... 3 બાળકો અને ટીચરનું મોત, હુમલાખોર પણ ઠાર

અમેરિકાના ઓરેગન રાજ્યના બેંડ શહેરમાં ગુરુવારે એક પ્રાઇમરી સ્કૂલમાં ગોળીબાર થયો. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 3 બાળક અને એક ટીચરનું મોત થઇ ગયું છે.  એક બાળક અને એક શિક્ષક ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે 16 વર્ષના સંદિગ્ધ હુમલાખોરને એક સ્થાનિક વ્યક્તિએ ગોળી મારી, જેનાથી તેનું મોત થઇ ગયું.

આ ઘટના સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલમાં સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 1 વાગ્યે બની હતી. ગોળીબાર બાદ પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલા પાછળનું કારણ અને સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.

બેન્ડ પોલીસ વિભાગે જણાવ્યું કે, સૌથી પહેલાં ઇમરજન્સી કૉલ દ્વારા માહિતી મળી હતી કે એક અજાણ્યા શખ્સે સ્કૂલ નજીક ઊભેલી એક કાર પર ગોળીબાર કર્યો છે. તેના થોડા જ સમય બાદ વધુ કેટલાક કૉલ્સ આવ્યા, જેમાં જણાવવામાં આવ્યું કે એક શખ્સ સ્કૂલની અંદર ઘૂસીને ગોળીબાર કરી રહ્યો છે.

પોલીસ અધિકારીઓ ગણતરીની સેકન્ડોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં શંકાસ્પદ હુમલાખોર ગોળી વાગવાથી મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસ વડા માઇક ક્રાન્ટ્ઝે જણાવ્યું કે એક સ્થાનિક વ્યક્તિ તે સગીર હુમલાખોરની પાછળ સ્કૂલની અંદર ગયો હતો અને ગોળીબાર દરમિયાન તેની સામે બાથ ભીડી લીધી હતી. આ ઝપાઝપી દરમિયાન જ હુમલાખોરનું મોત થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ્ અનુસાર, જે બાળકોના મોત થયા થયા છે તેમની ઉંમર 5, 8 અને 11 વર્ષ બતાવવામાં આવી રહી છે. ચોથા બાળકની ઉંમરની જાણકારી હજુ સુધી સામે નથી આવી. હુમલાામાં એક શિક્ષકનું પણ મોત થયું છે. એક સાત વર્ષનો બાળક અને અને એક અન્ય શિક્ષક ઘાયલ થયા છે. બન્નેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.   
 
સ્કૂલમાં લૉકડાઉન, ચર્ચમાં પરિવારોને એકત્ર કરવાની વ્યવસ્થા

ગોળીબાર બાદ સ્કૂલને લૉકડાઉન કરી દેવામાં આવી હતી. અધિકારીઓએ નજીકના એક ચર્ચમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મેળવવા માટે કેન્દ્ર બનાવ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફને લઈને બસો ત્યાં પહોંચી હતી. સ્કૂલ ડિસ્ટ્રિક્ટે જાહેરાત કરી હતી કે શુક્રવારે બેન્ડ-લા પાઈન સ્કૂલ્સ હેઠળની તમામ સ્કૂલો બંધ રહેશે.

અમેરિકી ફેડરલ તપાસ એજન્સી FBIએ જણાવ્યું કે તે સ્થાનિક અધિકારીઓની તપાસમાં મદદ કરી રહી છે. FBI ડાયરેક્ટર કાશ પટેલે જણાવ્યું કે એજન્સીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ માટે જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવશે. ઑરેગોનના ગવર્નર ટીના કોટેકે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટીવન કૂકે પણ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી.

સ્કૂલમાં અંદાજે 450 બાળકો ભણે છે 

સિલ્વર રેલ એલિમેન્ટ્રી સ્કૂલમાં અંદાજે 450 બાળકો અભ્યાસ કરે છે. અને લગભગ 40 કર્મચારી કામ કરે છે. અહીં સામાન્ય રીતે 5 થી 11 વર્ષ સુધીના બાળકો અભ્યાસ કરે છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ચિંતાનો માહોલ છે.