- સંજય છેલ
આખરે બર્લિન વૉલ તૂટી...
ટાઇટલ્સ:
ફ્રીમાં ફ્રીડમ ના મળે.( છેલવાણી)
લુઇસ મેલાર્ડ નામની સ્ત્રીને હૃદયની ગંભીર બીમારી હતી. અચાનક એને સમાચાર મળ્યા કે પતિ બ્રેન્ટલીનું રેલવે અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ સાંભળીને પહેલાં તો લુઇસ ખૂબ રડી, પણ પછી થોડીવારે પતિના મૃત્યુથી અચાનક મળેલી આઝાદીનો અહેસાસ થયો. એણે બારી બહાર જોયું તો ભૂરું આકાશ, પંખીઓનો કલરવ ને વરસાદની તાજી સુગંધ હવે આ બધું લુઇસને નવા જીવનની નવી શરૂઆત જેવું લાગવા માંડે છે, કારણ કે હવે એનું જીવન, એનું પોતાનું છે.
બીજાની ઇચ્છા કે કાબૂ વિનાનું. લુઇસ બારી બહાર પોકારે છે, `આઝાદી, આઝાદી, આઝાદી!` એ કલ્પના કરે છે કે હવે બસ, પોતાની મરજી મુજબ જીવશે... એટલામાં અચાનક પતિ બ્રેન્ટલી જીવતો હેમખેમ પાછો ફરે છે!
પતિને જીવતો જોતાવેંત જ આઘાતથી લુઇસ ઢળી પડે છે. ડૉક્ટરો કહે કે મૃત્યુ `આનંદના આઘાત'થી થયું, પણ ના, હકીકતમાં તો લુઇસ એની ટૂંકી આઝાદીના અંતના આઘાતથી મરી જાય છે. કેટ ચોપિનની વાર્તા `એક કલાકની વાર્તા'માં આઝાદીની અજીબ હાસ્યકરુણ વિડંબના છેને?
દરેક ગુલામ દેશ કે વ્યક્તિ ચાહે છે : `આઝાદી'. આમ તો એ માત્ર ત્રણ અક્ષર છે પણ એ એવી જ્વાળા છે, જે ક્રાંતિની મશાલ સળગાવીને માનવ ઇતિહાસ રચે છે. આપણને 1947માં 15મી ઑગસ્ટે આઝાદી મળી ને ગાંધીથી ભગતસિંઘ વિશે ખૂબ લખાયું-કહેવાયું છે, પણ વિશ્વઇતિહાસમાં આઝાદી માટે કુર્બાન થનારાની અગણિત શોર્યગાથાઓ છે.
પ્રાચીન રોમમાં ગુલામ સ્પાર્ટેકસ `થ્રેસિયન જાતિ'નો હતો, જેને રોમનોએ કેદી બનાવીને જંગલી જાનવર કે હિંસક યોદ્ધા સામે `ગ્લેડિએટર' તરીકે તાલીમ આપેલી. 73 બી.સી.માં સ્પાર્ટેકસ અને બીજા 70 ગુલામો ગ્લેડિએટર અખાડામાંથી ભાગીને વેસુવિયસ પર્વત પર છુપાયા ને ત્યાંથી એમણે 1,20,000ની સેના બનાવી ને રોમનસેનાને 22 વર્ષ સુધી હંફાવે રાખી. સ્પાર્ટેકસે અનેક ગુલામોને આઝાદ કર્યા.
આખરી દમ સુધી સમાનતા ને આઝાદી માટે લડતો રહ્યો. 71 બી.સી.માં ક્રાસસની સેનાએ સ્પાર્ટેકસને હરાવીને બીજા 6,000 સાથીઓ સાથે વધસ્તંભે ચડાવ્યા, પણ સ્પાર્ટેકસના બળવાએ રોમન સામ્રાજ્યને હલાવી દીધું ને ભાવિ ક્રાંતિની પ્રેરણા આપી. પછી એ જ રોમનોએ સ્પાર્ટેકસને હીરો બનાવીને એક શૂરવીરની દંતકથા બનાવી નાખ્યો, જેની હયાતિમાં રોમનો ધિક્કારતા ને એના ભયથી ધ્રૂજતા!
ઇન્ટરવલ:
મૈંને આંખોં મેં જલા રખા હૈં આઝાદી કા તેલ
મત અંધેરોં સે ડરા રખ કિ મૈં જો હૂં સો હૂં. (અનીસ અંસારી)
1822માં મેરીલેંડમાં હેરિયેટ ટબમન નામની સ્ત્રી ગુલામ તરીકે જન્મેલી. મજૂરીને લીધે બાળપણમાં માથામાં ઈજા થઈ ને આજીવન માથાનો દુખાવો કે ચક્કર આવે જ રાખે. તેમ છતાં 1849માં ગુલામગીરીમાંથી છટકીને ફિલાડેલ્ફિયા જઈને આઝાદ થઈ, પછી અંડરગ્રાઉન્ડ રેલરોડનાં છૂપા રસ્તે 13-13 વખત પાછી મેરીલેંડ જઈને 70થી વધુ ગુલામોને મુક્ત કર્યા. હેરયટ પાસે રેલરોડના ગુપ્ત રસ્તાઓ, ગુપ્ત ઠેકાણાંઓ અને મદદગારોનું એક ખાનગી નેટવર્ક હતું, જે ગુલામોને ઉત્તર અમેરિકા પહોંચાડવામાં મદદ કરતું. એ જમાનામાં હેરિયટના માથે 40,000નું ઇનામ હતું, પણ ક્યારેય પકડાઈ નહીં, વેશ બદલીને આઝાદી માટે લડતી રહી. એકવાર બુઢ્ઢીના છૂપા વેશમાં હતી ને પાછળ પોલીસ પડી તો એણે થેલામાં છુપાવેલી મરઘીઓને હવામાં ઉડાડી, અફરાતફરી મચાવીને નાસી છૂટી. હેરિયટનો મંત્ર હતો: મેં હજારો ગુલામોને આઝાદ કર્યા, પણ જો બધા ગુલામો જાણતા હોત કે એ લોકો ગુલામો છે તો હું વધારે ગુલામોને આઝાદ કરી શકત!
બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના બે ભાગલા થયા: વેસ્ટ જર્મનીમાં લોકશાહી ને ઇસ્ટ જર્મનીમાં કડક કમ્યુનિસ્ટ રાજ. 1961માં ઈસ્ટ જર્મનીએ વૉલ બનાવી, જેમાં સ્પે. ચોકીદારોનાં ટાવર્સ, સુરંગો હતી. 28 વર્ષમાં 136થી 200 લોકો ભાગવાની કોશિશમાં મર્યા. 1980ના અંતમાં રશિયા ભાંગ્યુ ને પછી 9 નવેમ્બરે ગુંટર શાબોવ્સ્કી નામના ઑફિસરથી પ્રેસ કૉન્ફરન્સમાં ભૂલથી કહેવાઈ ગયું કે સરહદો `તરત' ખૂલવી જાઈએ.
પછી તો હજારો લોકો સરહદે ધસી આવ્યા, ચોકીદારોએ દરવાજા ખોલી નાખ્યા ને પછી તો રાતોરાત હજારો હથોડીઓ અને અસંખ્ય હાથના મુક્કાઓથી દીવાલ તૂટી ને એક અણધારી ભૂલને લીધે ક્રૂર કમ્યુનિઝમનો અંત થયો. એ જ જર્મન વૉલના એક ગાર્ડ, હેરાલ્ડ જેગરે કહ્યું, `હું ઇતિહાસ રોકી શક્યો નહીં. મને તો લોકોને એકમેકથી દૂર રાખતાં આવડતું, પણ લોકોને પ્રેમથી ભેટતાં રોકવાનું મને ક્યાંથી આવડે? કોંક્રીટની દીવાલ, આઝાદી ઝંખતી ભીડના `કોંક્રીટ'મજબૂત સંકલ્પ સામે પડી ભાંગી!'
નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકાનાં અપાર્થેઇડ વિરુદ્ધ ચળવળ આદરેલી, કારણ કે અપાર્થેઇડમાં કાળાઓથી આભડછેટ રાખી દમન કરતા. મંડેલાએ ગાંધીજીના સત્યાગ્રહથી પ્રેરાઈને અહિંસક વિરોધ કર્યા, પણ 1962માં આજીવન જેલની સજા થઈ. રોબન ટાપુ પર 18 વર્ષ ને પછી પોલ્સમૂર જેલમાં 9 વર્ષ કેદમાં રહ્યા. એમણે જેલમાં અનેક પુસ્તકો વાંચીને સમાધાનની ફૉર્મ્યુલા વિચારી. છેક 1990માં છૂટ્યા ને 1994માં પ્રમુખ બન્યા. મંડેલાની `લોંગ વોક ટુ ફ્રીડમ' જીવનકથામાં કિસ્સો છે કે જેલમાંથી છૂટ્યા પછી એક બારમાં ગયા, ડ્રીંકનો ભાવ પૂછ્યો ત્યારે બારટેન્ડરે કહ્યું, `તમારા માટે બધું જ ફ્રીમાં છે, આ ડ્રીંક તો વરસોની તપસ્યાથી તમે કમાયું છે, એ અણમોલ છે, તમે અપાવેલ આઝાદીની જેમ!'
મહિલાઓની આઝાદીનો ઇતિહાસ પણ સંઘર્ષના ખૂનપસીનાથી લથબથ છે. જેમાં 1912નું ન્યૂયોર્કમાં સુફ્રેજના સરઘસમાં હજ્જારો મહિલાઓએ `મતદાનનો અધિકાર' મેળવવા ચળવળ આદરી. બ્રિટિશ મહિલા એમેલિન પેન્કહર્સ્ટ નામની લડાક સ્ત્રીથી પ્રેરાઈને અમેરિકામાં મહિલાઓએ જેલવાસમાં ભૂખ હડતાળ કરી ને જ્યારે મરણતોલ થઈ ત્યારે છેક 1920માં વોટનો અધિકાર મળ્યો.
આપણે પણ આઝાદીની ઇજ્જત કરીઅ નેે બંધનોથી ભયમુક્ત થઈએ.
એંડટાઇટલ્સ:
આદમ: તને શું ગમે?
ર્ઇવ: પ્રેમની આઝાદીમાં છૂપાયેલ બંધન !