દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
PSI ની ૪૭૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પો.સ.ઇ. (PSI) ની ૪૭૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ૪૭૨ ઉમેદવારોની હંગામી પસંદગી યાદી અને ૯૫ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. ૪.૬૦ લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બાદ ૧૦૨૩ ઉમેદવારોનું દસ્તાવેજ ચકાસણી કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું અને પસંદગી પામેલ ઉમેદવારોની યાદી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
તમિલનાડુના SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 74 લાખ નામ દૂર કરાયા
દેશમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે SIRની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં તમિલનાડુના આજે SIR પછી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ અંતિમ મતદાર યાદીમાંથી 74 લાખ લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે.
સોના ચાંદીના ભાવમાં વધારા મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન, આપ્યું આ કારણ
દેશમાં હાલમાં જ સોના ચાંદીના ભાવમાં વિક્રમી વધારો જોવા મળી રહ્યો છે. જોકે, તેના વધારા પાછળ કોઈ ચોક્કસ કારણો ન હોવાનું નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર આ ટ્રેન્ડ પર નજીકથી નજર રાખી રહી છે. તેમાં હાલ ચિંતાનો કોઈ વિષય નથી. તેમજ સ્થાનિક બજારમાં સોનાની માંગમાં વધારો સિઝનલ છે.
પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસ દરમ્યાન 'આયર્ન ડોમ' ડિફેન્સ ટેકનોલોજી મળવાની શકયતા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈઝરાયેલ પ્રવાસ દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થવાના સંકેત મળી રહ્યા છે. ઇઝરાયલના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે સંકેત આપ્યો છે કે પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો તેમના સંરક્ષણ કરારોનો વિસ્તાર કરશે. જેમાં ભારતને ઇઝરાયલની પ્રખ્યાત 'આયર્ન ડોમ' મિસાઈલ ડિફેન્સ ટેકનોલોજી મળી શકે છે.
સાંજના 7 વાગ્યા સુધી 19 જિલ્લાઓમાં 'યલો એલર્ટ'
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. સાંજના 7 વાગ્યા સુધીમાં રાજ્યના 19 જિલ્લાઓ માટે 'યલો એલર્ટ નાઉકાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા, સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં આગાહી કરવામાં આવી છે.
હરિયાણા સરકારના આઇડીએફસી બેંકના ખાતામાંથી 590 કરોડની છેતરપિંડીની ફરિયાદ
હરિયાણા સરકાર દ્વારા આઇડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા તેના ખાતામાંથી 590 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે હરિયાણા સરકારના એક વિભાગે બેંક બેલેન્સ અને ખાતાના રેકોર્ડમાં દર્શાવેલ રકમ વચ્ચે વિસંગતતા બાદ ફરિયાદ નોંધાવી હતી.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેજસ ફાઇટર જેટ ક્રેશના અહેવાલ અંગે સ્પષ્ટતા કરી
ભારતીય વાયુસેનાનું ટ્રેનિંગ તેજસ ફાઇટર જેટ ક્રેશ થવા અંગેના અહેવાલો વચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે સ્પષ્ટતા કરી છે. આ અંગે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે જણાવ્યું છે કે તેજસ વિમાન ક્રેશ નથી થયું. આ એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.
યુએસ કસ્ટમે ટ્રમ્પને આપ્યો આંચકો, ભારત સહિતના દેશો પર નહિ લાગે ટ્રમ્પ ટેરિફ
અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે ગણાવવામાં આવ્યો છે. જેની બાદ હવે યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન 24 ફેબ્રઆરીથી કોઇપણ દેશ પાસેથી ટ્રમ્પ ટેરિફ નહિ વસૂલે. જેના પગલે હવે ભારત સહિતના દેશો પર ટ્રમ્પ ટેરિફ વસૂલવામાં નહિ આવે.
ગુજરાતની હસ્તકલા વૈશ્વિક બ્રાન્ડ બની છે : શંકર ચૌધરી
ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શંકર ચૌધરીએ કહ્યું, ગુજરાતની હસ્તકલા વૈશ્વિક બ્રાન્ડ બની છે. 28 ફેબ્રુઆરી 2026 સુધી મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ વિધાનસભા સંકુલમાં થશે.
ભારતે તમામ નાગરિકોને ઈરાન છોડવાની આપી સલાહ
ઈરાનમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને લખ્યું, ઈરાનમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હાલમાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપવામાં આવે છે. 14 જાન્યુઆરી 2026ની એડવાઈઝરીન ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ ભારતીય નાગરિકો અને પીઆઈઓએ યોગ્ય સાવધાની રાખવી જોઈએ, વિરોધ પ્રદર્શન અથવા પ્રદર્શનના વિસ્તાર ટાળવા જોઈએ, ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ અને કોઈપણ ઘટનાક્રમ માટે સ્થાનિક મીડિયા પર નજર રાખવી જોઈએ.
દિલ્હી લાલા કિલ્લાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
દિલ્હી પોલીસને સોમવારે દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલઈ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેઈલ ખાલિસ્તાની જૂથના નામે કથિત રીતે મોકલવામાં આવ્યો છે. ધમકી ભર્યો મેઈલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છી. આ ઉપરાંત દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સઘન કપાસ શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં બે વર્ષમાં 7000થી વધુ ડોક્ટરની ભરતી થઈ
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ રાજ્યમાં બે વર્ષમાં કેટલા ડોકટરની ભરતી થઈ તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, 2024માં 2695 અને 2025માં 4394 મળી કુલ 7089 ડોક્ટરની ભરતી કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખને મોકલ્યું સમન્સ
ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જે મામલે હવે દિલ્હી પોલીસ કાર્યવાહી વધુ તેજ કરી છે. પોલીસે ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
સોના-ચાંદીમાં તેજી
સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. MCXના ડેટા મુજબ, ચાંદીનો અગાઉનો બંધ ભાવ 2,52,944.00 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ તે ₹2,63,061.00 પર ખુલી હતી. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,56,876.00 હતો, જે આજે ₹1,58,458.00 પર ખુલ્યું હતું. બંને ધાતુના ભાવમાં અનુક્રમે ₹15000 અને ₹3100થી વધુનો વધારો જોવા મળ્યો હતો.
જંગલેશ્વર ડિમોલિશન પર ડ્રોનથી નજર
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ ડિમોલિશનમાં 2500થી વધુનો પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર છે. મેગા ડિમોલિશનને લઈ પોલીસ કમિશનર બ્રિઝેશ ઝા સ્થળ પર પહોંચ્યા હતા અને SRP જવાનો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા પો. કમિશનરે કાફલા સાથે નિરીક્ષણ કર્યું હતું.
પૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન મુકુલ રોયનું નિધન
પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે આ બાબતની પુષ્ટિ કરી છે. મુકુલ રોયે રવિવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે કોલકાતાની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
