Mon Oct 05 2026

Logo

ઑક્ટોબરમાં બ્રાઝિલના બધા મુખ્ય ફૂટબોલર ભારતમાં રમશે, પણ ટિકિટ મોંઘી હશે

2026-07-31 19:55:00
Author: Ajay Motiwala
ઑક્ટોબરમાં બ્રાઝિલના બધા મુખ્ય ફૂટબોલર ભારતમાં રમશે, પણ ટિકિટ મોંઘી હશે

Image Credit : AP


કોલકાતાઃ બ્રાઝિલના મહાન ખેલાડી પેલે ભારત આવ્યા હતા એના પાંચ દાયકા બાદ ફરી એક વખત બ્રાઝિલની નૅશનલ ટીમના ખેલાડીઓ ભારત આવશે. આઇકૉનિક યલો જર્સીમાં સજ્જ બ્રાઝિલના ખેલાડીઓની આગામી ત્રીજી ઑક્ટોબરે `સિટી ઑફ જૉય' તરીકે જાણીતા કોલકાતા (Kolkata) શહેરના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડ્લી મૅચ રમાશે. જોકે એ ઐતિહાસિક મૅચ માટેની ટિકિટનો ભાવ ઊંચો રહેશે એવી પાક્કી સંભાવના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

બ્રાઝિલ (Brazil) પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. ભારત આવનારી બ્રાઝિલની ટીમમાં કૅપ્ટન માર્કિન્યૉસ, કેસમિરો, મૅથ્યૂઝ કુન્હા, એન્ડ્રિક, ગૅબ્રિયલ મૅગલહેસનો વગેરેનો સમાવેશ હશે. વિનિસિયસ જુનિયરના આવવાની પણ સંભાવના છે. નેમાર હવે નિવૃત્ત થઈ ગયો છે. બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમના તમામ મુખ્ય ખેલાડીઓ (જો કોઈને ઈજા નહીં થાય તો) ભારત આવશે.

પાંચ દાયકા પહેલાં બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલે પોતાના દેશની ટીમ સાથે ભારત આવ્યા હતા અને એ ટીમ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મોહન બગાનની ટીમનો ફ્રેન્ડલી મૅચમાં મુકાબલો થયો હતો.

ભારતીય ફૂટબોલરને થોડા મહિનાઓથી વિશ્વના જાણીતા ફૂટબૉલ રાષ્ટ્રો (કૅનેડા, જમૈકા, ઝિમ્બાબ્વે) સામે રમવાનો મોકો મળ્યો છે અને હવે બ્રાઝિલની ટીમ પણ ઑક્ટોબરમાં ભારત આવવાની છે એ જોતાં નજીકના ભવિષ્યમાં 2022ના વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ પર ભારત આવશે એ નકારી ન શકાય.