Sat Aug 29 2026

Logo

બોલિવિયામાં વાયુસેનાનું કાર્ગો પ્લેન હાઈવે પર ખાબક્યું, 15ના મોત

2026-02-28 08:53:00
Author: Tejas Rajpara
બોલિવિયામાં વાયુસેનાનું કાર્ગો પ્લેન હાઈવે પર ખાબક્યું, 15ના મોત

 

દક્ષિણ અમેરિકાના બોલિવિયામાં શુક્રવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. રાજધાની લા પાઝ નજીક વાયુસેનાનું એક માલવાહક વિમાન ટેક-ઓફની થોડી જ ક્ષણોમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફાયર વિભાગના વડા પાવેલ ટોવરના જણાવ્યા અનુસાર, વિમાન ટેક-ઓફ કર્યા બાદ તરત જ અનિયંત્રિત થઈ ગયું હતું, જેના કારણે આ મોટી જાનહાનિ સર્જાઈ છે.

આ અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે વિમાન રનવે પરથી લપસીને સીધું જ બાજુમાં આવેલા એલ અલ્ટો શહેરના વ્યસ્ત હાઈવે પર પહોંચી ગયું હતું. હાઈવે પર દોડી રહેલા વાહનો સાથે વિમાન અથડાતા સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાનની અડફેટે આવતા આશરે ૧૫ જેટલા વાહનો કચ્ચરઘાણ વળી ગયા છે. મૃતકોમાં વિમાનના ક્રૂ મેમ્બર્સ હતા કે રસ્તા પર જઈ રહેલા નિર્દોષ લોકો, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.

દુર્ઘટનાનો ભોગ બનેલું વિમાન બોલિવિયા વાયુસેનાનું 'હરક્યુલસ' મોડલ હતું. આ વિમાન દેશની સેન્ટ્રલ બેંકમાંથી નવી છપાયેલી ચલણી નોટો લઈને બીજા શહેરોમાં જઈ રહ્યું હતું. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં હાઈવે પર વિમાનનો કાટમાળ અને ચારેતરફ વિખરાયેલી ચલણી નોટો જોવા મળી રહી છે. વિમાનમાં રહેલી રોકડ રકમ એરપોર્ટની બહાર રસ્તા પર વેરાઈ જતાં સેંકડો સ્થાનિક લોકો નોટો વીણવા માટે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા અને નોટોની સુરક્ષા માટે પોલીસને દંગા વિરોધી સાધનોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

આ ગંભીર હોનારત બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પરથી તમામ આવતી-જતી ફ્લાઈટ્સને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. વિમાન અકસ્માત પાછળ કોઈ ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે. વિગતવાર તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.