Wed Aug 19 2026

Logo

વાહ રે નેતાજીઃ સ્કોર્પિયોથી પીઠમાં 'દુખાવો', હવે દોઢ કરોડની ઇનોવા 'જોઈએ' છે!

2026-07-30 17:18:00
Author: Mumbai Samachar Team
Article Image

6 મહિનામાં ગાડી બદલવાની માંગ પર વિપક્ષ અને મનસેનો ઉગ્ર વિરોધ

મુંબઈ: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)માં નવા નિમાયેલા પદાધિકારીઓની નવી કારની માંગે રાજકીય ચર્ચા જગાવી છે. હજી છ  મહિના પહેલા જ જાન્યુઆરીમાં આપવામાં આવેલી મહિન્દ્રા સ્કોર્પિયો-એન લાંબા અંતરના પ્રવાસ માટે આરામદાયક નથી અને તેનાથી પીઠમાં દુખાવો થાય છે, એવી દલીલ સાથે હવે હાઉસ લીડર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના અધ્યક્ષો માટે અંદાજે રૂ. 1.5 કરોડના ખર્ચે ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ખરીદવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ વિપક્ષે તેને વખોડી નાખીને જોરદાર વિરોધ નોંધાવ્યો છે.

મુંબઈગરાઓ આ જ રસ્તા પર કરે છે ટ્રાવેલ

પરંતુ આ માંગ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ખરેખર પીઠનો દુખાવો સ્કોર્પિયો-એનથી થાય છે કે પછી મુંબઈના વર્ષોથી ન સુધરેલા ખાડાવાળા રસ્તાઓથી? રોજબરોજ લાખો મુંબઈગરાઓ એ જ રસ્તાઓ પરથી બસ, ટેક્સી, ઓટો અને પોતાની કારમાં મુસાફરી કરે છે, પરંતુ તેમની અસુવિધા કરતાં જનપ્રતિનિધિઓની સુવિધા પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય હવે ચર્ચાનો વિષય બન્યો છે.

લાંબા અંતરની મુસાફરીમાં વધુ આરામદાયક વાહન જરૂરી

પ્રસ્તાવ મુજબ ડેપ્યુટી મેયર, હાઉસ લીડર, વિપક્ષના નેતા તેમ જ સ્ટેન્ડિંગ, ઇમ્પ્રુવમેન્ટ અને એજ્યુકેશન કમિટીના અધ્યક્ષોને નવી ઇનોવા ક્રિસ્ટા આપવામાં આવશે. બીજી તરફ મેયર રિતુ તાવડે પહેલેથી જ ટોયોટા ઇનોવા હાઇક્રોસ હાઇબ્રિડનો ઉપયોગ કરી રહ્યા છે.

મેયર રિતુ તાવડેએ પ્રસ્તાવનું સમર્થન કરતાં જણાવ્યું કે દહિસર, કાંદિવલી અને બોરીવલી જેવા દૂરના વિસ્તારોમાંથી આવતા પદાધિકારીઓ માટે લાંબા અંતરની મુસાફરીમાં વધુ આરામદાયક વાહન જરૂરી છે. તેમણે દાવો કર્યો કે આ અંગે વિપક્ષ સાથે પણ ચર્ચા થઈ હતી અને શરૂઆતમાં સહમતિ આપવામાં આવી હતી. જોકે વિપક્ષે આ દાવાને નકાર્યો છે.

સત્તાધારી પક્ષને રમકડાંની કાર ભેટ આપીને વિરોધ નોંધાવ્યો

હવે આ વિવાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પણ ઝંપલાવ્યું છે. મનસેના કાર્યકરોએ સત્તાધારી પક્ષને રમકડાંની ઇનોવા કાર ભેટ આપીને વિરોધ નોંધાવ્યો.  મનસેના નેતા સંદીપ દેશપાંડેએ કટાક્ષ કરતાં કહ્યું કે જ્યારે શહેરમાં રસ્તા, ડ્રેનેજ અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો યથાવત છે, ત્યારે નવી કારો પર કરોડો રૂપિયા ખર્ચવાની જગ્યાએ પહેલાં મુંબઈના રસ્તાઓ સુધારવા જોઈએ.

બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો પ્રસ્તાવને મંજૂરી મળશે તો હાલની સ્કોર્પિયો-એન કાર વોર્ડ અધિકારીઓને આપવામાં આવશે, કારણ કે ઘણા અધિકારીઓ હજુ પણ જૂના વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આ પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડે સમક્ષ મોકલવામાં આવશે. જોકે સમગ્ર મામલામાં એક પ્રશ્ન હજુ પણ ચર્ચાના કેન્દ્રમાં છે—જો મુંબઈના રસ્તાઓ ખાડામુક્ત થઈ જાય, તો કદાચ નવી કારની માંગ જ ઊભી ન થાય.
 
6 મહિના પછી અચાનક નવી કાર કેમ?

જાન્યુઆરીમાં જ નવી સ્કોર્પિયો-એન મળ્યા બાદ માત્ર છ મહિનામાં જ તેને બદલવાની માંગ કેમ ઊભી થઈ? જો વાહનમાં ખરેખર ખામી હતી તો આ મુદ્દો અત્યાર સુધી કેમ ઊઠાવવામાં આવ્યો નહીં અને જો સમસ્યા માત્ર "પીઠના દુખાવા"ની છે, તો મુંબઈના ખાડાવાળા રસ્તાઓ અંગે કોઈ માંગ કેમ નથી?
નવી કારની આ માંગ માત્ર આરામ માટે છે કે પછી સરકારી ખરીદીની પ્રક્રિયા પાછળ અન્ય કોઈ હેતુ પણ છુપાયેલો છે? આ સવાલો હવે સામાન્ય નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આખરે આ પ્રસ્તાવ ખરેખર આરોગ્ય હિત માટે છે કે માત્ર નગરસેવકોની "સેવા" માટે?

નેતાજી... અમને તો બસમાં બેસવાની પણ જગ્યા નથી!

એક તરફ લાખો મુંબઈગરા રોજ BEST બસ અને લોકલ ટ્રેનમાં ઊભા રહીને અને ભીડમાં ધક્કા ખાઈને મુસાફરી કરે છે તો બીજી તરફ જનપ્રતિનિધિઓ સ્કોર્પિયોમાં "પીઠનો દુખાવો" હોવાનું કારણ આપી નવી ઇનોવા કારની માંગ કરી રહ્યા છે.

સવાલ એ છે કે સામાન્ય નાગરિકને આરામદાયક મુસાફરી ક્યારે મળશે? જનતાને તો હજુ બસમાં બેઠક મળવી પણ મુશ્કેલ છે, જ્યારે નેતાઓ માટે કરોડો રૂપિયાની નવી ગાડીઓની ચર્ચા ચાલી રહી છે. પહેલા રસ્તાના ખાડા અને જાહેર પરિવહનની હાલત સુધારવી વધુ જરૂરી નથી?