ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ માટે શરૂ કરી ઓનલાઈન સિંગલ વિન્ડો સિસ્ટમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ધૂમધામથી ઉજવાતા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોના માથાનો દુઃખાવો બનતી પંડાલની જંજાળ દૂર કરવા આ વર્ષે ઓનલાઈન સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા હેઠળ મંડળો પંડાલ માટે જરૂરી પાલિકાની પરવાનગી તેમજ સ્થાનિક અને ટ્રાફિક પોલીસનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવા માટે એક જ ડિજિટલ પ્રક્રિયા હેઠળ અરજી કરી શકશે. ઓનલાઈન અરજીઓ 14 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2026 સુધી સ્વીકારવામાં આવશે અને મંજૂર પરવાનગી 26 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
મંડળોએ બીએમસીની ‘ફોર સિટિઝન્સ – પંડાલ ( ગણેશોત્સવ)’ સુવિધા મારફતે અરજી કરવાની રહેશે. અરજીની વોર્ડ સ્તરે ચકાસણી બાદ સ્થાનિક અને ટ્રાફિક પોલીસની એનઓસીની પ્રક્રિયા ઓનલાઈન થશે. પ્રથમ વખત અરજી કરનારા અને જાહેર અથવા ખાનગી જમીન પર પંડાલ ઊભો કરનારા મંડળોએ ઝોનલ ડેપ્યુટી કમિશનરની મંજૂરી લેવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ 100 રૂપિયાની ફી ભરવાની રહેશે, ત્યારબાદ વોર્ડ ઓફિસ પરવાનગી આપશે.
પાંચ વર્ષની પરવાનગી ધરાવતા મંડળો માટે ઓનલાઈન રિન્યુઅલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રિન્યુઅલ પહેલાં વોર્ડ ઓફિસ દ્વારા પંડાલના સ્થળની ફિઝિકલ ચકાસણી કરવામાં આવશે, જેમાં મંજૂર પરવાનગીમાં દર્શાવાયેલા સ્થળ અને વિસ્તાર સાથે હાલની સ્થિતિ મેળ ખાય છે કે નહીં તેની પણ તપાસ થશે. 2025માં એક વર્ષની પરવાનગી મેળવનારા મંડળો પાસે 2026 માટે એક વર્ષની પરવાનગી રિન્યુ કરાવવાનો અથવા 2026થી 2030 સુધીની પાંચ વર્ષની પરવાનગી માટે અરજી કરવાનો પણ વિકલ્પ રહેશે.
ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે બીએમસીએ દરેક સાર્વજનિક ગણેશોત્સવ મંડળના બે સ્વયંસેવકો માટે એક દિવસની સેફ્ટી ટ્રેનિંગ ફરજિયાત કરી છે. તાલીમમાં ભીડ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી, પ્રાથમિક સારવાર અને અન્ય જરૂરી સુરક્ષા પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, પંડાલ સ્થાપન દરમિયાન રસ્તા અથવા ફૂટપાથનું ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંડળોને નોન-ઇન્વેસિવ પદ્ધતિથી પંડાલ સ્થાપિત કરવાની સૂચના આપવામાં આવી છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
#centralrailway is set to expand its 15-car #local train operations from #Independence Day, upgrading 22 additional 12-car services on the main line and taking the total number of 15-car services to 54. The longer trains will operate from August 15 on the #CSMT-#Karjat/#Khopoli pic.twitter.com/pKpVzST0PV
— Chetna Raja (@ChetnaRaja) August 14, 2026
બીએમસીએ મંડળોને તમામ લાગુ પડતા ફાયર સેફ્ટી, લાઇસન્સિંગ અને જાહેરાત સંબંધિત નિયમોનું પાલન કરવા તેમજ ચેપી રોગોના સંક્રમણને રોકવા માટે સરકારના આરોગ્ય સંબંધિત નિર્દેશોનું પાલન કરવાના નિર્દેશ પણ આપ્યા છે. બીજી તરફ, સાર્વજનિક નવરાત્રિ પંડાલો માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. નવરાત્રિ માટેની અરજીઓ 10 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2026 સુધી સ્વીકારવામાં આવશે અને મંજૂર પરવાનગી 21 ઓક્ટોબર સુધી માન્ય રહેશે.
બીએમસીની નવી સિંગલ વિન્ડો વ્યવસ્થાથી ગણેશોત્સવ મંડળો માટે વિવિધ પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને વ્યવસ્થિત બનવાની અપેક્ષા છે. એક જ ડિજિટલ પ્રક્રિયા દ્વારા પાલિકાની મંજૂરી સાથે સ્થાનિક અને ટ્રાફિક પોલીસની એનઓસી મેળવવાની સુવિધા મળતાં મંડળોને રાહત મળશે.
સાથે જ સ્વયંસેવકોની ફરજિયાત તાલીમ, ફાયર સેફ્ટી અને રસ્તા-ફૂટપાથના ખોદકામ પર પ્રતિબંધ જેવા પગલાંથી ગણેશોત્સવ દરમિયાન ભક્તોની સુરક્ષા પણ વધશે.