Wed Sep 30 2026

Logo

ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે વૈકલ્પિક માધ્યમથી ભંડોળ ઊભું કરવા બીએમસી એજન્સીની નિમણૂક કરશે

2026-09-23 09:01:12
Author: Sapna Desai
ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે વૈકલ્પિક માધ્યમથી ભંડોળ ઊભું કરવા બીએમસી એજન્સીની નિમણૂક કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા  વ્યાપક ધિરાણ વ્યૂહરચના વિકસાવવામાં મદદ કરવા અને પાણી પુરવઠા, ગંદાપાણી, સ્વચ્છતા અને શહેરી માળખાકીય પ્રોજેક્ટ સહિત તેની વધતી જતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો માટે વૈકલ્પિક સ્રોતો દ્વારા ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી શકે તે માટે પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટીંગ એજન્સીની નિમણૂક કરવા માગે છે.

મુંબઈ કોસ્ટલ રોડ-ઉત્તર, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે ટ્વિન ટનલ અને સ્યુએજ  ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે પાલિકાની લાઈબિલિટી બે લાખ કરોડ રૂપિયાથી વધુની હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. પાલિકા પ્રશાસન એવી એજન્સી માટે ઈ-ટેન્ડરો આમંત્રિત કર્યા છે જે નાણાકીય વ્યૂહરચના (ફાઈનાન્સિયલ સ્ટ્રેટેજી), દેવું વ્યવસ્થાપન (ડેબ્ટ મેનેજમેન્ટ) અને સંસ્થાકીય સંકલન (ઈન્સ્ટિટ્યૂશનલ કૉર્ડિનેશન) સહાય પૂરી પાડશે.

પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ (ફાઇનાન્સ) દ્વારા ૨૧ સપ્ટેમ્બરે જારી કરાયેલા ટેન્ડર મુજબ પસંદ કરેલી એજન્સી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સીઆઈપી) અને ડેબ્ટ મેનેજમેન્ટ પૉલિસી (ડીએમપી) તૈયાર કરશે અને પાલિકા પ્રશાસનને અન્ય ફાઈનાન્સ એજેન્સીના માધ્યમથી ભંડોળ એકત્ર કરવામાં મદદ કરશે.

ટેન્ડર દસ્તાવેજ મુજબ પાલિકાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોના માપદંડ અને જટિલતા વધી રહી છે, જેના કારણે તેની ધિરાણ ક્ષમતાને મજબૂત અને વૈવિધ્યીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. એજન્સી પાસે એવા પ્રોજેક્ટને ઓળખવાની અપેક્ષા રાખવામાં આવશે જે ધિરાણ આકર્ષિત કરી શકે, નાણાકીય માળખા અંગે સલાહ આપી શકે અને પાલિકાને સ્પર્ધાત્મક શરતો પર લાંબા ગાળાની મૂડી મેળવવામાં મદદ કરે. 

સૂચિત ફાઈનાન્સ સ્ટ્રેટેજી (ધિરાણ વ્યૂહરચના)સાત વ્યાપક ક્ષેત્રોને આવરી લેશે, જેમાં કેપિટલ માર્કેટ, ક્લાઈમેટ એન્ડ  કાર્બન ફાઇનાન્સ, ડેવલપમેન્ટ ફાઇનાન્સ, ગવર્નમેન્ટ  સપોર્ટ મિકેનિઝમ્સ, ઈનોવેટિવ એન્ડ બ્લેનડેડ ફાઈનાન્સ અને આવક વધારવાના પગલાંનો સમાવેશ થાય છે.

એજન્સી પાલિકાને મ્યુનિસિપલ બોન્ડ પર પણ સલાહ આપશે, જેમાં ગ્રીન, સસ્ટેનેબિલિટી, સોશ્યલ અને સસ્ટેનેબિલિટી-લિંક્ડ બોન્ડનો સમાવેશ થાય છે.  કાર્બન ક્રેડિટ, સર્ટિફિકેશન અને મુદ્રીકરણ માટેની તકો ઓળખવા તેમજ પાલિકાને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ, સબસિડી, ઓછા વ્યાજની લોન અને અન્ય યોજનાઓ સુધી પહોંચવામાં મદદ કરવાનો સમાવેશ થશે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકા  અલગથી મર્ચન્ટ બેન્કર્સ અને અન્ય ટ્રાન્ઝેકશન મધ્યસ્થીઓની નિમણૂક કરવાની પ્રક્રિયામાં છે, જેમાં બોન્ડ ઇશ્યૂ સહિતની ચોક્કસ કામનો સમાવેશ થાય છે. તેથી પ્રસ્તાવિત એજન્સી આ મધ્યસ્થીઓની સાથે કામ કરશે અને એન્ડ-ટુ-એન્ડ એડવાઇઝરી, હેન્ડહોલ્ડિંગ, સ્ટ્રક્ચરિંગ અને કોઓર્ડિનેશન સપોર્ટ પ્રદાન કરશે.

એજન્સીઓેએ મહત્ત્વનું કામ પાલિકાના અધિકારીઓને મર્ચન્ટ બેન્કર્સ અને અન્ય નાણાકીય મધ્યસ્થીઓ સાથેની તેમના કામમાં  રોજિંદી સહાય પૂરી પાડવાનો રહેશે, જ્યારે નાણાંના વધારાના સ્રોતોને ઓળખવામાં અને તેની રચના કરવામાં પણ મદદ કરશે.
ટેન્ડર દસ્તાવેજ જણાવે છે કે એજન્સી પાલિકાના નાણાં વિભાગને ફાઈનાન્શિયલ પ્રેઝેન્ટેશન, બ્રીફિંગ નોટ અને રાજ્ય સરકારના વિભાગો, બાહ્ય પ્રતિનિધિમંડળો, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રવાસો અને ૧૫મા અને ૧૬મા ફાઈનાન્સ કમિશન  સહિતની ટોચની સંસ્થાઓ સાથેની બેઠકો માટે વાત કરવાના મુદ્દાઓ તૈયાર કરવામાં પણ મદદ કરશે.