Tue Aug 18 2026

Logo

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અમેરિકા જવા રવાના, કેનેડાની પણ મુલાકાત લેશે

2026-08-16 17:44:34
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ રવિવારે સવારે અમેરિકા જવા રવાના થયા હતા. મળતી વિગતો અનુસાર 17થી 24 ઓગસ્ટ દરમિયાન તેઓ અમેરિકા અને કેનેડામાં વિવિધ બેઠકોમાં ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002માં બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અમેરિકાની મુલાકાત લેનારા તેઓ પહેલા મુખ્ય પ્રધાન છે. 

તેમના પ્રવાસની મળતી વિગતો અનુસાર પ્રથમ તેઓ રોબિન્સવિલ સ્થિત સ્વામિનારાયણ મંદિરથી થશે. આ પ્રસંગે ગુજરાતમાંથી જઈને અમેરિકામાં વસેલા હરિભક્તો સાથે સભા અને મુલાકાત પણ કરશે. 

તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં વિદેશ પ્રવાસે ગયા છે. અમેરિકા અને કેનેડામાં રોડ શો, ઉદ્યોગપતિઓ સાથે બેઠક તેમજ રોકાણકારો સાથે સીધી ચર્ચા થવાની છે. આ દરમિયાન ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, રોકાણ માટેની નીતિઓ અને બિઝનેસ માટેના અનુકૂળ વાતાવરણ વિશે ચર્ચા થશે. 

અમેરિકાના પ્રવાસ દરમિયાન મુખ્ય પ્રધાન વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો જેવા મહત્વપૂર્ણ શહેરોની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ કેનેડાના ટોરંટો શહેરની પણ મુલાકાત કરશે. પ્રવાસ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગ રોકાણકારો, ઈમર્જિંગ ટેકનોલોજી સેક્ટરના અગ્રણી પ્રતિનિધિઓ તેમજ ગુજરાતી સમુદાયના આગેવાનો સાથે મુલાકાતો યોજાશે.

તેમની સાથે મુખ્ય પ્રધાન કાર્યાલયનું પ્રતિનિધિમંડળ પણ છે. આ અંગે સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ પ્રવાસ સાત અથવા આઠ દિવસનો રહેશે, તેમ નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.