પીડિતાને ખેતરના ઘરમાં બંધ કરી રાખી બળાત્કાર ગુજારાયો
થાણે: થાણે જિલ્લાના ભિવંડીથી પંદર વર્ષની આદિવાસી સગીરાનું અપહરણ કરી તેને મરાઠવાડા રિજનના બીડ જિલ્લામાં લગ્નને નામે આધેડ પુરુષને વેચી દેવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે સગીરાના ‘પતિ’ સહિત છ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પીડિતાનું અત્યંત ગરીબી અને માતા-પિતાની ગેરહાજરીને કારણે શોષણ કરવામાં આવ્યું હતું. 26 ફેબ્રુઆરીએ એજન્ટ અને તેના સાથીદારોએ સગીરાનું અપહરણ કર્યું હતું, જેમણે લગ્ન દ્વારા સુખી જીવનનું આશ્ર્વાસન તેને આપ્યું હતું, પરંતુ તેમણે સગીરાને બીડના પટોડા ખાતે આધેડ પુરુષને વેચી દીધી હતી, એમ થાણે ગ્રામીણ પોલીસના અધિકારીએ કહ્યું હતું.
સગીરાને ધમકાવવામાં આવી હતી અને 27 માર્ચે ગેરકાયદે લગ્ન માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન તેના ‘પતિ’ ભાઉસાહેબ તાંબએે તેને ખેતરમાં બાંધેલા પતરાના ઘરમાં બંધ કરી રાખી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.પીડિતા પાસે મોબાઇલ ન હોવાથી તે મદદ માટે કોઇનો સંપર્ક સાધી શકતી નહોતી. આખરે સગીરા ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી અને તે શ્રમજીવી સંગટનાના કાર્યકરો પાસે પહોંચી હતી. સગીરાએ તમામ હકીકત જણાવ્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.
કાર્યકરોએ સગીરાને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. સગીરાની ફરિયાદને આધારે પડઘા પોલીસ સ્ટેશનમાં આરોપી ભાઉસાહેબ તાંબે અને વિલાસ હિલ્લામ સહિત છ જણ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ, શિડયુલ્ડ કાસ્ટસ એન્ડ શિડયુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) તથા પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઇઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (એમ) અને 65 (1) પણ ઉમેરવામાં આવી હતી. આ કેસની તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)