Thu Apr 30 2026

Logo

કથા કોલાજઃ એ બધી તો ફક્ત મારી સાડી ને ઘરેણાં જોવા માટે આવતી...

2026-04-30 08:29:00
Author: Kajal oza Vaidya
Article Image

 

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 7)
નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
સમય: 30 ઓક્ટોબર, 1974
સ્થળ: (વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ) અમદાવાદ 
ઉંમર:  60 વર્ષ

શાંતિ હીરાનંદ... મારી દીકરી ગણો, મારી શિષ્ય ગણો કે મારી વારસદાર. એનું મારી સાથે એક અજબ જેવું તાદાત્મ્ય રહ્યું. એણે મને ખૂબ ચાહી, મારી પાસેથી લઈ શકાય એટલું જ્ઞાન અને સૂરો એણે વારસામાં મેળવી લીધા. આજે વિચારું છું તો મને સમજાય છે કે, આપણે કોઈને જન્મ આપીએ એ જ આપણા વારસદાર નથી હોતા. 

ક્યારેક અલ્લાહ આપણને એવા વારસદાર આપે છે જે આપણા લોહી-માંસમાંથી નહીં, પરંતુ આપણા હૃદયમાંથી, આપણા આત્મામાંથી અને આપણા સૂરોમાંથી જન્મે છે. શાંતિ પણ એવી જ દીકરી, વારસદાર નીકળી! 

અબ્બાસી સાહેબ સાથેના લગ્ન મારે માટે જીવનની ઉપલબ્ધિ હતા. એક તવાયફની દીકરીના લગ્ન આવા નવાબોના ખાનદાનોમાં થાય એટલું જ નહીં, પહેલી અને એક માત્ર બેગમ તરીકે તવાયફને સન્માન મળે એ દરેકના નસીબમાં નથી હોતા. અબ્બાસી સાહેબે મને જે સન્માન આપ્યું એની સામે મેં એમને વચન આપ્યું હતું કે, હું પારકા પુરુષોની મહેફિલમાં નહીં હોઉં. મેં સંગીત છોડ્યું એ પછી મને પણ એવું લાગ્યું કે મને મન અને ગળાના આરામની જરૂર હતી. લગભગ પાંચ વર્ષ સુધી તો મેં હાર્મોનિયમને હાથ પણ લગાડ્યો નથી. 

ક્યારેક તો અબ્બાસી સાહેબ અકળાઈને કહેતા, ‘કભી તો રિયાઝ કર લિયા કરો’ પરંતુ, હું જાણે મનથી જ થાકી ગઈ હતી... પરંતુ, અમારો પ્રેમ કે દોસ્તી જે ગણો તે સંગીતને કારણે જ થઈ હતી એટલે હું સંગીતથી તદ્દન વિમુખ થઈ જાઉં એ અબ્બાસી સાહેબને પસંદ નહોતું. એમાં એક દિવસ હું સખત બીમાર પડી. 

અબ્બાસી સાહેબે ડોક્ટર, વૈદ્ય, હકીમ બધું અજમાવી લીધું, પરંતુ મારી તબિયતમાં કોઈ ફેર જ નહોતો પડતો. હું વધુને વધુ માંદી પડતી જતી હતી... અબ્બાસી સાહેબના એક અંગત મિત્ર, જે મારા ફેન હતા. એમણે એક દિવસ અબ્બાસી સાહેબને કહ્યું, ‘બૂરા મત માનના... તુમને ઉસકી જાન ભી છીન લી હૈ.’ અબ્બાસી સાહેબને પણ લાગ્યું કે, કદાચ આ માંદગી સંગીતથી દૂર રહેવાને કારણે હોઈ શકે. એમણે એમના એક મિત્ર ઓલ ઈન્ડિયા રેડિયો ઉપર કામ કરતા હતા. 

મિસ્ટર મલ્હોત્રા. એમણે ઓલ ઈન્ડિયા રેડિયો બોલાવીને ફક્ત સાજિંદાઓની હાજરીમાં ગીત રેકોર્ડ કરવાની જીત પકડી. હું ના પાડતી રહી, પરંતુ અબ્બાસી સાહેબે મારે બદલે હા પાડી દીધી. એ જાતે મોટર લઈને મને એઆઈઆર મૂકવા આવ્યા જ્યારે રેકોર્ડિંગ પૂરું થયું અને એ જ રેકોર્ડિંગ મને સંભળાવવામાં આવ્યું ત્યારે મારી આંખોમાંથી લગાતાર આંસુ વહેતાં હતાં. અચાનક મારું ધ્યાન ગયું, હું શરમાઈ ગઈ, મેં કહ્યું, ‘હાય અલ્લાહ! કોઈ દેખેગા તો ક્યા કહેગા.’ 

એવી જ રીતે એક વાર આકાશવાણી પર મારે રેકોર્ડિંગ હતું. હું જ્યારે પણ ઘરની બહાર નીકળતી ત્યારે મારી સાથે એક અટેન્ડન્ટ રહેતી. કારમાં મારી સાથે એક બાસ્કેટ રહેતી જેમાં થર્મોસમાં ચા, ઘરનો નાસ્તો, નાજુક ક્રોકરી, નેપકીન વગેરે રહેતા. હું જ્યારે બહાર નીકળતી ત્યારે પૂરેપૂરી તૈયાર થઈને ભારે સાડી, દાગીના પહેરીને-એક બેગમની જેમ નીકળું એવો અબ્બાસી સાહેબનો આગ્રહ રહેતો. સાચું પૂછો તો મને પણ સાજ-સજાવટનો શોખ હતો. 

હું જ્યારે પણ ઓલ ઈન્ડિયા રેડિયો જતી ત્યારે કેટલીક સ્ત્રીઓ તો ફક્ત મારી સાડી અને ઘરેણા જોવા માટે, મને જોવા આવતી... એમાં એક દિવસ ઓલ ઈન્ડિયા રેડિયોમાં રેકોર્ડિંગ કરીને હું ઘરે આવી ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે, પન્નાનો એક ઝુમકો ક્યાંક પડી ગયો છે. ઘરમાં કોઈને કહેવાનો અર્થ જ નહોતો. 

અબ્બાસી સાહેબને ખબર પડે તો મારી ધૂળ ઝાપટી નાખે કારણ કે, એ ઝુમકા એમણે મને ‘મુંહ દિખાઈ’માં આપ્યા હતા. બેશકિમતી એક ઝુમકાને મેં સાચવીને મૂકી દીધો. ઓલ ઈન્ડિયા રેડિયોમાં કોઈને પૂછવાનો અર્થ નહોતો કારણ કે, ત્યાં અબ્બાસી સાહેબના મિત્રો હતા અને કદાચ કોઈકે લઈ લીધો હોય તો કોઈ ગરીબ, સફાઈ કામદારનું આવી બને...

પરંતુ, બપોરે જ ડ્યૂટી ઓફિસરનો ફોન આવ્યો. એમણે કહ્યું, ‘આપ કા કુછ ખોયા હૈ?’ હું જાણતી હતી એ શેની વાત કરી રહ્યા છે છતાં મેં કહ્યું, ‘દિલ ખોયા થા સાલો પહેલે અબ તક નહીં મિલા...’ એ હસવા લાગ્યા. પછી ઝુમકાની વાત નીકળી એટલે મેં કહ્યું, ‘હું જાતે આવીને લઈ જઈશ.’ 

હું લેવા ગઈ ત્યારે ડ્યૂટી ઓફિસરે કહ્યું, ‘આપને નાહક ઝહેમત કી, હમ ભીજવા દેતે...’ મેં મજાકમાં કહ્યું, ‘ના ભઈ! કિસકી જાન ફાલતુ હૈ જો ઈસ જોખિમ કો લેકે નીકલતા!’ અમે બંને હસી પડ્યા. વર્ષો પછી યોગેશ પ્રવીણ નામના લખનઊ ઓલ ઈન્ડિયા રેડિયો પર કામ કરતા વ્યક્તિએ આ પ્રસંગ શેર કર્યો ત્યારે બધા બહુ હસ્યા હતા. 

એક વાર બિસ્મિલ્લાહ ખાન મારે ઘેર પધાર્યા હતા. એમણે મને ગાવાનું કહ્યું, ‘બાઈ, જરા કુછ સુનાઓ...’ મારા ગળામાં ‘અ-કાર ની તાન’ લેતી વખતે ‘અ’ કહેતા મારું ગળું સહેજ ફાટી જતું. આમ તો આ જ મારા ગળાની અલાયદગી હતી. ઘરમાં ગાવું મને બહુ ગમતું નહીં, પણ ખાન સાહેબની હાજરીમાં તો અબ્બાસી સાહેબ પણ અડધા અડધા થઈ જતા. 

એમણે પણ કહ્યું, ‘બેગમ ખાં સાહબ કહતે હે તો સુનાઈએ...’ મેં ગાયું, ‘નિરાલા બનરા દીવાના બના દે...’ જ્યારે મેં ગળું ખેંચ્યું અને અકાર ફાટ્યો ત્યારે ખાન સાહેબ બોલી ઉઠ્યા, ‘અહા! યહી તો સીતમ હૈ તેરી આવાઝ કા, જબ આવાઝ લહેરા કે ભારી હો જાતી હૈ તબ જાન હી લેકર છોડતી હૈ.’ 

હવે મને સમાજના ઉચ્ચ સ્તર પર નવું જ સ્થાન મળ્યું હતું. એનાથી મને ફાયદો પણ થયો. મેં ઝડપથી સંપર્કો સ્થાપિત કર્યા, મારા પ્રયત્નોથી મને ઉત્તમ પરિણામ પણ મળ્યું.  દેશભરમાં સંગીત કાર્યક્રમોમાં મને આમંત્રણ મળવા લાગ્યું. 

અત્યાર સુધી જે ‘કોઠા’ પર ગવાતું હતું એ મારે માટે એક સન્માનનીય સ્થાન બન્યું. મારા વ્યક્તિત્વ અને આટલાં વર્ષોની મહેનત પછી મળેલી રેડિયો, સ્ટેજ ગાયનની સમજ, ગાયકીના પ્રકારો સાથે, મને ભરપૂર પ્રશંસા મળી. હું કોઈપણ બંદિશના સારને મનમોહક રીતે અભિવ્યક્ત કરી શકતી. એક શિલ્પકારની જેમ આકાર આપવામાં હું માહિર હતી.

એવું નથી કે મારાથી મોટી ઉંમરના પ્રખ્યાત ગાયકો, જેમ કે રસૂલનબાઈ, બડી મોતીબાઈ, કે સિદ્ધેશ્વરી દેવી, આ હાંસલ કરી શક્યાં નહોતાં, પરંતુ તેમણે બનાવેલી સંગીતમય ઇમારત શાંતિ અને આરામની દુનિયા માટે હતી, જ્યાં સમય નદીની જેમ વહેતો હતો. તેમનું ગાયન ખાનગી મેળાવડામાં અંગત પ્રશંસકો સામે વધુ યોગ્ય હતું, જે વ્યક્તિગત આશ્રયનું મોહતાજ હતું. 

અલબત્ત, બનારસની બહાર ભારતના અન્ય ભાગોમાં તેમની મહેફિલોનું આયોજન થતું હતું, પરંતુ કદર કરનારા ધનિક લોકોની સંખ્યા ઘટી રહી હતી અને આધુનિક જીવનના ગ્લેમરમાં, તેમના (પુરુષ) પ્રશંસકોને હવે આવી મહેફિલોનું આયોજન કરવામાં રસ ઘટી રહ્યો હતો.

ઓલ ઈન્ડિયા રેડિયો પર મારા માસિક કાર્યક્રમો આવતા. દેશભરના સૌથી મહત્ત્વપૂર્ણ વાર્ષિક સંગીત ઉત્સવોમાં આમંત્રણો અને સરકારી, બિન સરકારી કાર્યક્રમોમાં મને આમંત્રણ મળવા લાગ્યાં. 

જે લોકો ગઈકાલ સુધી ‘નવાબ’ અને ‘સાહેબ’ હતા એમની જ પાસે એમની જમીનો અને રજવાડા નહોતા રહ્યા. 

રિયાસતનું સ્થાન સિયાસતે લઈ લીધું હતું. જેમાં આવી, કોઠાની ‘બાઈજી’ને બદલે ‘બેગમ’ અખ્તરને વધુ આદર, પ્રશંસા અને કાર્યક્રમો મળે એ સ્વાભાવિક હતું. હું કોઈક રીતે પૂરતી કમાણી કરવામાં સફળ રહી જેથી મારા શોખ અને સંગીત ટકી રહે. જોકે, મારી સહજ ઉદારતા અને ખુલ્લાપણાથી મારી નાણાકીય સમસ્યાઓમાં ઝાઝો ફેર પડ્યો નહીં. 

આજે જ્યારે જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છું ત્યારે પણ મારી બેન્કમાં લાખો રૂપિયા નથી, પણ ખુશનસીબ છું કે મેં મારા જીવનમાં મને જે મળ્યું એને પૂરેપૂરું માણ્યું છે. હું માયુસ નથી, શુક્રગુઝાર છું. આજે અહીં સૂતી છું ત્યારે મને ખબર છે કે બહાર કેટલા લોકો મારા સાજા થવાની દુઆ કરી રહ્યા છે.
(ક્રમશ:)