રાજેશ યાજ્ઞિક
યુવાન વયે...
આજે જે લાડકીની વાત કરવી છે તે સ્ત્રીની શક્તિ, નિશ્ચય અને હિંમતનું ઉત્તમ ઉદાહરણ છે... તેના જીવન વિશે વાંચો તો તમને ખબર પડશે કે તેણે નિષ્ફળતાનો સામનો કેવી રીતે કર્યો અને કેવી રીતે સામે પૂરે તરીને વિજની મંઝિલ સુધી પહોંચી. તેના સ્વભાવમાં હાર માનવાનું હતું જ નહીં. તેણે હકીકતમાં સમુદ્ર વચ્ચેથી તરીને પોતાનો માર્ગ કંડાર્યો...!
એ નારીનું નામ છે આરતી સાહા-ગુપ્તા... પ્રખ્યાત ભારતીય તૈરાક અને ઇંગ્લિશ ચેનલ સફળતાપૂર્વક પાર કરનાર પ્રથમ એશિયન મહિલા.
આરતી સાહાનો જન્મ 1940માં કોલકાતામાં થયો હતો. તે ત્રણ ભાઈ-બહેનોમાં બીજા હતાં. તેમના પિતા ભારતીય સશસ્ત્ર દળમાં કાર્યરત હતા. આરતી જ્યારે અઢી વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું. તેના મોટા ભાઈ અને નાની બહેન ભારતીનો ઉછેર તેમના મામાના ઘરે થયો હતો, જ્યારે તેનો ઉછેર તેની દાદી દ્વારા થયો હતો.
ચાર વર્ષની ઉંમરે, તે તેના કાકા સાથે ચંપાતાલા ઘાટ જતી, જ્યાં તે તરવાનું શીખી. આ રીતે આરતીને નાનપણથી જ તરવાનો શોખ હતો. તે દિવસોમાં જ્યારે સ્ત્રીઓને યોગ્ય રીતે શિક્ષણ પણ આપવામાં આવતું નહોતું, ત્યારે આરતીના પિતાએ સ્વિમિંગમાં તેના રસને માત્ર ઓળખ્યો જ નહીં, પણ તે વ્યવસાયિક રીતે તાલીમ મેળવી શકે અને તેનાં સપનાઓને પૂર્ણ કરી શકે તે માટે તેને નૈતિક અને આર્થિક ટેકો આપીને દીકરીની પાછળ મક્કમપણે ઊભા રહ્યા. તેમણે દીકરી માટે એક જાણીતી સ્વિમિંગ ક્લબનું સભ્યપદ લીધું.
એક વ્યાવસાયિક તરવૈયા બનવાના ઉત્સાહ સાથે, આરતીએ ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો. હજી તો ઉંમરના પાંચ વર્ષ માંડ પૂરાં થયાં હતાં ત્યારે આરતીએ 1946માં શૈલેન્દ્ર મેમોરિયલ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો, જ્યાં આરતીએ 110 યાર્ડ્સ-વારની ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. આટલી નાની ઉંમરે આવું પરાક્રમ કોઈ જન્મજાત પ્રતિભાવાન રમતવીર જ કરી શકે.
આરતી એક વ્યાવસાયિક તરવૈયા તરીકે પ્રગતિ કરી રહી હતી અને લોકો તેની પ્રતિભાને ઓળખે તે માટે, રાષ્ટ્રીય ચેમ્પિયન સાથે સ્પર્ધા કરવા માટે તેણે રાજ્ય સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવો જરૂરી હતો. 1945 અને 1951 ની વચ્ચે આરતીએ પશ્ચિમ બંગાળમાં 22 રાજ્ય-સ્તરીય સ્પર્ધાઓ જીતી. તેની મુખ્ય ઇવેન્ટ્સ 100 મીટર ફ્રીસ્ટાઇલ, 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક અને 300 મીટર બ્રેસ્ટસ્ટ્રોક હતી.
1948માં આરતીએ મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. એમાં તેણે 100 મીટર ફ્રીસ્ટાઇલ અને 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર અને 200 મીટર ફ્રીસ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વર્ષની સ્પર્ધામાં તે મુંબઈની ડોલી નાઝીર મામનીર સ્પર્ધક પછી બીજા ક્રમે આવી હતી, પણ તે રમત માટે એટલી સમર્પિત હતી કે તેને બીજું સ્થાન મંજુર નહોતું. 1950માં તેણે અખિલ ભારતીય રેકોર્ડ બનાવ્યો.
1951માં પશ્ચિમ બંગાળ રાજ્ય સ્પર્ધામાં, 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં 1 મિનિટ, 37.6 સેક્ધડનો સમય નોંધાવીને તેણે ડોલી નાઝીરનો અખિલ ભારતીય રેકોર્ડ તોડ્યો. આ જ સ્પર્ધામાં, 100 મીટર ફ્રી સ્ટાઇલ, 200 મીટર ફ્રી સ્ટાઇલ અને 100 મીટર બેકસ્ટ્રોકમાં નવો રાજ્ય-સ્તરીય રેકોર્ડ બનાવ્યો.
1952ના સમર ઓલિમ્પિક્સમાં ડોલી નાઝીર સાથે તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ચાર મહિલા સહભાગીઓમાંની એક હતી અને માત્ર 12 વર્ષની ઉંમરે ભારતીય ટીમની સૌથી નાની ઉંમરની સભ્ય હતી. ત્યાં તેણે 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં ભાગ લીધો અને હીટ્સમાં, 3 મિનિટ, 40.8 સેકન્ડનો સમય નોંધાવ્યો. ઓલિમ્પિકમાંથી પાછા ફર્યા પછી, તેના માટે એક આંચકા સમાન ઘટના બની. 100 મીટર ફ્રીસ્ટાઇલમાં તે પોતાની બહેન ભારતી સાહા સામે જ હારી ગઈ. આ હાર બાદ, તેણે ફ્રીસ્ટાઇલને અલવિદા કરીને ફક્ત બ્રેસ્ટસ્ટ્રોક પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આરતી ભરતીય તરવૈયા બ્રોજેન દાસથી ખુબ પ્રભાવિત હતી. 1958ની બટલિન ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ રેસમાં, બ્રોજેન દાસ પૂર્ણ કરનાર પ્રથમ પુરુષ હતા અને ભારતીય ઉપખંડમાંથી ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કરતી ડેનિશ મૂળની તૈરાક ગ્રેટા એન્ડરસ 11 કલાક અને 1 મિનિટનો સમય નોંધાવીને પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં સૌથી ઝડપી સાબિત થઇ હતી.
આરતી માટે ગૌરવની વાત એ હતી કે, આ ગ્રેટાએ જ આગામી વર્ષની બટલિન ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ રેસના આયોજકોને આરતીના નામની ભલામણ કરી! આરતીના મેનેજર ડો. અરુણ ગુપ્તાએ આરતી માટે ભંડોળ ઊભું કરવાની ઝુંબેશ આદરી, જેમાં રમતવીરોના ચાહક એવા બંગાળીબાબુએ દિલ ખોલીને મદદ કરી.
આખરે એ દિવસ આવી પહોંચ્યો. 27 ઓગસ્ટ 1959 ના રોજ સ્થાનિક સમય મુજબ રાત્રે 1 વાગ્યે ફ્રાન્સના કેપ ગ્રીસ નેઝથી સેન્ડગેટ, ઇંગ્લેન્ડ સુધીની સફરની શરૂઆત થવાની હતી. આરતીના કમનસીબે તેની પાઇલટ બોટ સમયસર ન પહોંચી. સવારે 11 વાગ્યા સુધીમાં, તે 40 માઇલથી વધુ તરીને ઇંગ્લેન્ડના દરિયાકાંઠાથી 5 માઇલ દૂર પહોંચી ગઈ હતી. તે સમયે વિરુદ્ધ દિશામાંથી આવેલા જોરદાર મોજાઓએ તેના માટે તરવાનું મુશ્કેલ બનાવ્યું.
પરિણામે, તે ફક્ત 2 માઇલ વધુ તરી શકી અને પછી પ્રયાસ પડતો મૂકવાની ફરજ પડી. કાંઠે આવીને નૌકા ડૂબી ગયા જેવી હૃદય વિદારક એ ઘટના હતી. આમ છતાં, આરતી હાર શેની માને? તેણે ક્રોસ ચેનલ રેસમાં ભાગ લેવાના બીજા પ્રયાસ માટે ફરીથી તૈયારી કરી. ત્યારે કમનસીબે તેના મેનેજર ડો. ગુપ્તા બીમાર પડ્યા, છતાં આરતીએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી.
29 સપ્ટેમ્બર 1959 ના રોજ, તેણે રેસમાં તેનો બીજો પ્રયાસ શરૂ કર્યો. ફ્રાન્સથી શરૂ કરીને, 16 કલાક અને 20 મિનિટ સુધી તરીને, 42 માઇલના ખતરનાક પ્રવાહો સામે લડીને અને કઠિન મોજાઓ કાપીને તે ઇંગ્લેન્ડના સેન્ડગેટ પહોંચી. શક્તિ, હિંમત અને તાકાતની પ્રતીક વિજયી આરતીએ ત્યાં ગર્વ સાથે ભારતીય ધ્વજ ફરકાવ્યો. આવી ગર્વની ક્ષણ અને સિદ્ધિની રાષ્ટ્રીય સ્તરે ઓલ ઈન્ડિયા રેડિયો પર જાહેરાત કરવામાં આવી. તે દિવસોમાં આવા સમાચાર સાંભળવા મળે એ પણ સન્માનની વાત હતી!
આરતીએ ફક્ત એક ચેનલ પાર કરી નહોતી, પરંતુ ઈંગ્લીશ ચેનલ પાર કરનારી પ્રથમ એશિયન મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. રેકોર્ડ બનાવવાનું જાણે આરતી ભાગ્યમાં લખાવીને જ આવી હતી. 1960 માં, આરતીને ‘પદ્મશ્રી’ થી નવાજવામાં આવ, અને આવો ’પદ્મ ’ ખિતાબ મેળવનારે એ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનીને તેણે વધુ એક રેકોર્ડ બનાવ્યો. અરે, સબૂર! હજી તેની યશકલગીમાં એક પીંછું લાગવાનું બાકી છે...
પોસ્ટ વિભાગે તેમની સફળતાને બિરદાવીને આરતીના ફોટા વળી 3 રૂપિયાની ટપાલ ટિકિટ રજૂ કરી. એ પછી! 1996 માં, આરતીની એક પ્રતિમા તેમના ઘરની નજીક બનાવવામાં આવી. પ્રતિમાની સામે જ 100 મીટર લાંબી ગલી હતી, જેનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું. આમ આરતીના જીવનમાંથી આપણે એ પ્રેરણા મેળવવાની છે, કે આપણા સપનાં ગમે તેટલા અશક્ય લાગે, તો પણ તેનો પીછો ન છોડવો... સતત મહેનત અને હિંમત પછી સફળતા ખુદ આપણો પીછો કરીને એને યાદગાર હકીકતમાં પલટી દેશે!