Sun Sep 06 2026

Logo

બાંગ્લાદેશની પદ્મા નદીમાં ખાબકી બસ, 23 લોકોના મોત; હ્રદય કંપાવતો વીડિયો વાયરલ

Dhaka   2026-03-26 08:35:00
Author: Vimal Prajapati
બાંગ્લાદેશની પદ્મા નદીમાં ખાબકી બસ, 23 લોકોના મોત; હ્રદય કંપાવતો વીડિયો વાયરલ

રાજબારી, ઢાકાઃ બાંગ્લાદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં પદ્મા નદીમાં એક બસ ખાબકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજબારી જિલ્લાની દૌલતદિયા ફેરી ટર્મિનલ નંબર 3ની સામે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજબારીથી ઢાકા જતી બસમાં લગભગ 40 થી 50 મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે. ફેરી પર ચડવાની કોશિશ કરતી વખતે બસે નિયંત્રણ ગુમાવી નદીમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 23થી વધારે લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, જો કે, હજી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવાની બાકી છે. 

બસે નિયંત્રણ ગુમાવ્યું અને સીધી નદીમાં ખાબકી

આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 23 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક મુસાફરો હજુ લાપતા છે અને કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે. દુર્ઘટના સાંજે થઈ હોવાના કારણે બચાવ કાર્ય સંપૂર્ણ રીતે અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ સવારે ફરી બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે ફાયર સર્વિસ, નૌસેના, પોલીસ અને અન્ય બચાવ ટીમો દ્વારા સંયુક્ત રીતે પાણીમાં ડૂબેલી બસને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

બસનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ

પદ્મા નદીમાં ખાબકેલી બસનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો બૂમો પાડી રહ્યાં છે. ઘટના સ્થળ પર હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી. જે વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ બસને લગભગ 6 કલાક બાદ પદ્મા નદીમાંથી ખેંચી કાઢવામાં આવી હતી. રાતના 11:15 વાગે બસનો ભાગ દેખાઈ આવ્યો અને ક્રેનની મદદથી લગભગ 11:30 પર તેને સંપૂર્ણપણે બહાર કાઢી લેવામાં આવી હતી.

 

આંકડામાં વધારો થશે તેવી શક્યતાઓ

આ બસ દુર્ઘટનાના કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયાં છે, અનેક લોકોએ પોતાની આંખ સામે જ સ્વજનને ડૂબતા જોયા છે. અત્યાર સુધીમાં 23 લોકોના મોતના સમાચાર મળ્યાં છે. પરંતુ હજી પણ અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જેથી મોતના આંકડામાં વધારો થશે તેવી શક્યતાઓ છે. ઘટના સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે, આ બસ પૂરી ભરેલી હતી. બસ ફેરીમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેણે કાબુ ગુમાવ્યો અને પાણીમાં ખાબકી હતી.