Fri May 01 2026

Logo

બાઝી: ધોબીની ભૂલનો સિનેલાભ

2026-04-10 09:03:00
Author: Henry Shastri
Article Image

 

હેન્રી શાસ્ત્રી

80 વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘હમ એક હૈં’ ફિલ્મથી મિસ્ટર એવરગ્રીન-સદાબહાર દેવ આનંદએ ફિલ્મોની દુનિયામાં પગરણ માંડ્યા હતા. આ ફિલ્મ સાથે અનેક બાબત પહેલી વાર બની હતી. દિગ્દર્શક તરીકે પી. એલ. સંતોષીની આ પહેલી ફિલ્મ હતી અને ‘વક્ત’ તેમ જ ‘સાહિબ બીબી ઔર ગુલામ’ અને ‘ચૌદહવી કા ચાંદ’ જેવી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પ્રભાવ પાડનારા અભિનેતા રેહમાનની પણ આ પ્રથમ ફિલ્મ હતી. 

પંદર વર્ષના ટૂંકા ગાળામાં કેટલીક અવિસ્મરણીય ફિલ્મો આપનારા ગુરુ દત્તની દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ હતી. અને હા, કહેવા માટે 1950માં રિલીઝ થયેલી ‘અફસર’ (દેવ આનંદ, સુરૈયા) નવકેતન બેનરની પ્રથમ ફિલ્મ છે, પણ 1951માં રિલીઝ થયેલી ‘બાઝી’ નવકેતન ફિલ્મ્સની પ્રથમ હિટ ફિલ્મ ગણાય છે. 

એક મિનિટ.. દેવ આનંદ-ગીતાબાલી નાયક-નાયિકા હોય એવી આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મને સફળતા મળતા દેવ આનંદ-ગીતાબાલી અન્ય ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં. ગીત-સંગીતકારની જોડી હિન્દી ફિલ્મોની લાક્ષણિકતા છે. કેટલાંક સદાબહાર ગીતોની ભેટ આપનારા સચિન દેવ બર્મન-સાહિર લુધિયાનવીના સહયોગવાળી આ પ્રથમ ફિલ્મ હતી. બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી (જોની વોકર)ની અભિનય યાત્રાની શરૂઆત પણ આ જ ફિલ્મથી થઈ હતી. બલરાજ સાહનીની લેખક તરીકે આ પહેલી ફિલ્મ હતી.

આ ફિલ્મ સાથે અનેક વિશેષતા જોડાયેલી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ધોબીની ભૂલને પગલે આ ફિલ્મનો પાયો નખાયો. વાત એમ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કશુંક કરી દેખાડવાની તમન્ના સાથે બે નવયુવાન 1940ના દાયકામાં વી. શાંતારામની પ્રભાત ફિલ્મ કંપનીમાં સંઘર્ષ કરી રહ્યા હતા. એકને એક્ટિંગમાં આગળ વધવું હતું તો બીજાની ઈચ્છા ફિલ્મમેકર બનવાની હતી. આ બે નવયુવાન હતા દેવ આનંદ અને ગુરુ દત્ત. 

બંનેને બ્રેક મળ્યો પ્રભાતની જ ‘હમ એક હૈં’માં. જેમાં દેવ આનંદ હીરો હતા જ્યારે ગુરુ દત્તને કોરિયોગ્રાફર અને આસિસ્ટન્ટ ડિરેક્ટરની જવાબદારી મળી હતી. ઈસ્ત્રી કરેલા કપડાં આપવા આવેલા ધોબીથી એક દિવસ ગફલતમાં દેવ આનંદ અને ગુરુ દત્તના શર્ટની અદલાબદલી થઈ ગઈ. એક વાર બન્ને એકબીજાના શર્ટ પહેરીને સામસામા આવી ગયા. 

શર્ટ પોતાનું નથી એનો ખ્યાલ આવી જતા બંનેએ પોતપોતાના શર્ટની અદલાબદલી કરી પછી એ નિમિત્તે થયેલી ઓળખાણ ગાઢ દોસ્તીમાં પરિણમી. ફિલ્મ પછી છૂટા પડતી વખતે દેવ આનંદે વચન આપ્યું કે પોતે નિર્માતા બનશે ત્યારે ગુરુ દત્તને ફિલ્મ ડિરેક્ટર બનવાનો મોકો આપશે. એ જ રીતે ડિરેક્ટર તરીકે પોતાની ફિલ્મમાં દેવ આનંદને હીરો તરીકે ચમકાવશે એવી હૈયાધારણા ગુરુ દત્તએ પણ આપી.

‘જિદ્દી’ (1948)ની સફળતાને પગલે દેવ આનંદની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો અને 1949માં આનંદ બંધુઓએ ‘નવકેતન ફિલ્મ્સ’ નામની સ્વતંત્ર કંપની શરૂ કરી. કંપનીની પહેલી ફિલ્મ ‘અફસર’ હતી જે જ્યેષ્ઠ બંધુ ચેતન આનંદએ દિગ્દર્શિત કરી હતી, પણ બીજી ફિલ્મના આયોજન વખતે દેવ આનંદને મિત્રને આપેલા પ્રોમિસનું સ્મરણ થયું અને નવકેતન માટે ફિલ્મ બનાવવા આમંત્રણ આપ્યું. આ સાથે ‘બાઝી’નો જન્મ થયો.

આજે જો તમે ‘બાઝી’ જોશો તો તમને જૂનવાણી લાગી શકે છે. નિશ્ચિત ચોકઠાં ધરાવતી ભારતીય ફિલ્મોનું ઉદાહરણ છે. મજબૂરીને કારણે ગુનાખોરીમાં ધકેલાઈ ગયેલો હીરો, સામાજિક મોભો ધરાવતી અને સમજી ન શકાય એ કારણસર હીરો પર ઓળઘોળ થઈ એને સુધારવા થનગનતી યુવતી અને હીરો પર મરતી રૂપજીવિની જે હીરોનો જીવ બચાવવા બલિદાન આપે છે. અને વિલન તો સામાજિક પ્રતિષ્ઠા અને મોભો ધરાવતી વ્યક્તિ છે. 

ટિપિકલ મસાલા ફિલ્મના રસાયણ છે, પણ 1950 પહેલા આ પ્રકારની બહુ જૂજ ફિલ્મો બની હતી. એટલે એ રીતે ‘બાઝી’ ટ્રેન્ડસેટર ગણાય છે અને 1950-60ના દાયકામાં અનેક હિન્દી ફિલ્મોએ આ ફોર્મ્યુલા અપનાવી હતી. ‘બાઝી’ની સફળતાને પગલે ગુનાખોરીને કેન્દ્રમાં રાખી બનેલી ફિલ્મોમાં દેવ આનંદ પહેલી પસંદ બની ગયા જેમાં ‘જાલ’, ‘પોકેટમાર’ અને ‘કાલા બાઝાર’ જેવી ફિલ્મો ધ્યાન ખેંચે છે.

1951ની ટોપટેન સફળ વ્યાવસાયિક ફિલ્મોમાં ‘બાઝી’ ‘આવારા’ પછી બીજા ક્રમે છે. ફિલ્મમાં કુલ આઠ ગીત છે જેમાંથી એક જ ગીત પુરુષ ગાયકે (‘મેરે લબોં પે આજ ભી તરાને હૈં - કિશોર કુમાર) ગાયું છે. કિશોર કુમારના આ ગીતમાં કુંદનલાલ સાયગલની છાંટ વર્તાય છે. ‘જિદ્દી’માં પણ કિશોરદા ‘મરને કી દુઆએં કયૂં માંગુ’ ગીતમાં સાયગલ સાહેબનો છેડો પકડીને ચાલ્યા હતા. ત્યારે બર્મનદાએ એમને સલાહ આપી હતી કે સફળતા મેળવવી હશે તો નકલ છોડી તારી આગવી શૈલી વિકસાવવી પડશે.

‘બાઝી’ના ગીતમાં સાયગલ સાહેબની અસર છે, પણ કિશોરદાની મસ્તી પણ છે. બાકીના સાતમાંથી છ ગીતા દત્તે અને એક શમશાદ બેગમે ગાયાં છે. હીરો દેવ આનંદ હોય અને એના પર એક જ ગીત ફિલ્માવાયું હોય એવું જવલ્લે જ બન્યું છે. દેવ આનંદએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે’ ગીતને એ હદે લોકપ્રિયતા મળી હતી કે અનેક દર્શકો માત્ર આ ગીત જોવા ફરી થિયેટરમાં આવતા હતા. આ ગીતથી ભજન ગાયિકાના લેબલમાંથી ગીતા રોય (લગ્ન પછી ગીતા દત્ત)ને મુક્તિ મળી હતી. દેવસાબ- કલ્પના કાર્તિક અને ગુરુ દત્ત-ગીતા દત્ત વચ્ચે રોમેન્સની શરૂઆત આ જ ફિલ્મથી થઈ હતી.

ફિલ્મમાં કોરિયોગ્રાફર તરીકે નામ ઝોહરા સેહગલનું છે. 102 વર્ષનું આયુષ્ય ભોગવનારા ઝોહરા સેહગલની અભિનયયાત્રાની શરૂઆત 1946ની ચેતન આનંદની ‘નીચા નગર’થી થઈ. છેક 2007ની ‘સાંવરિયા’ અને ‘ચીની કમ’ સુધી ચાલી હતી. ‘નીચા નગર’માં ઝોહરાજી કોરિયોગ્રાફર હતાં. નવકેતનની છ ફિલ્મમાં ઝોહરા સેહગલે નૃત્ય નિર્દેશન કર્યું હતું. બલરાજ સાહની કેવા લાજવાબ અભિનેતા હતા એ ફિલ્મ રસિકોને કહેવાની જરૂર નથી. ‘બાઝી’માં તેમની હાજરી છે, પણ અભિનેતા તરીકે નહીં લેખક તરીકે. સાહિત્યિક લખાણમાં આદર મેળવનારા બલરાજજી લેખક તરીકે એકમાત્ર ‘બાઝી’ ફિલ્મમાં છે.