Tue May 26 2026

Logo

બકરી ઈદ પૂર્વે અમેરિકાનો ઈરાન પર હુમલો, ઇરાને કહ્યું દરેક હુમલાનો જવાબ અપાશે

Tehran   2026-05-26 18:31:39
Author: Chandrakant Kanoja
Article Image

તહેરાન: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે બકરી ઈદ પૂર્વે અમેરિકાએ શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાન પર હુમલો કર્યો છે. જેના પગલે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ અમેરિકાને ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં અમેરિકાના બેઝને બક્ષવામાં નહિ આવે. ઈરાન દરેક હુમલાનો વળતો જવાબ આપશે.

સમગ્ર પ્રદેશમાં તણાવ વધી શકે છે

ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ પદ સંભાળ્યા પછી  તેઓ ક્યારેય વિડીયો કે કેમેરા સામે દેખાયા નથી. તેઓ ફક્ત સરકારી ટેલિવિઝન દ્વારા જ પોતાના નિવેદનો આપી રહ્યા છે. આ વખતે  તેમણે સીધા અમેરિકાના અને તેના લશ્કરી બેઝ ઉડાવાની વાત કરી છે.  જેના લીધે એવો ભય પેદા થયો છે કે સમગ્ર પ્રદેશમાં તણાવ  વધી શકે છે.

પ્રદેશમાંથી અમેરિકાની હાજરીને સંપૂર્ણપણે નાબૂદ કરવા હાકલ 

ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના દેશો  હવે અમેરિકી લશ્કરી બેઝ માટે ઢાલ તરીકે કામ કરશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર ક્ષેત્રમાં ક્યાંય પણ અમેરિકન  લશ્કર માટે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન  નહીં રહે.  ઈરાન ઇચ્છે છે કે પ્રદેશના તમામ દેશો એક થાય અને અમેરિકાની  હાજરીને સંપૂર્ણપણે નાબૂદ કરે.