Fri Jul 24 2026

Logo

એલોપથીની પ્રેક્ટિસ કરવા માટેની પરવાનગી માટે આયુર્વેદિક ડોક્ટરોની ગુજરાત હાઈકોર્ટમાં ધા

2026-04-16 16:11:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ આર્યુર્વેદિક ડોક્ટરોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની અરજી અનુસાર જે આયુર્વેદિક ડોક્ટરોએ એલોપથીની પ્રેક્ટિસ માટેની ઔપચારિક તાલીમ લીધી છે, તેમને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપવામાં આવે, તેવો આદેશ કોર્ટ રેગ્યુલેટરી ઓથોરિટીને કરે તેવી અપીલ કરવામાં આવી હતી.
 
આ અરજી ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે રાજ્ય અને કેન્દ્ર બંને દ્વારા વર્ષોથી આવી પરવાનગી નકારવામાં આવી છે. અરજદારોએ દલીલ કરી હતી કે તેઓએ તેમના અભ્યાસના ભાગ રૂપે એલોપેથી દવાનો અભ્યાસ કર્યો છે, તેથી તેમને તે જ દવાઓ લખવાની મંજૂરી આપવી જોઈએ.

આ સંગઠને 2018ના સુપ્રીમ કોર્ટના આદેશનો સંદર્ભ આપ્યો છે, જેમાં ઈન્ટેગ્રેટેડ મેડિસિન સિસ્ટમ અનુસાર તાલીમ પામેલા તબીબી પ્રેક્ટિશનરોને રક્ષણ આપવામાં આવ્યું હતું. આ પ્રેક્ટિશનરોએ આયુર્વેદિક અને એલોપેથિક બંને શીખવતી સંસ્થાઓમાંથી માન્યતા પ્રાપ્ત ડિગ્રીઓ અને ડિપ્લોમા મેળવ્યા હતા. જોકે, સરકારી અધિકારીઓએ તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી.

આ કેસમાં સામેલ એક વકીલના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી હતી અને આવા પ્રેક્ટિશનરો સામે બળજબરીપૂર્વકની કાર્યવાહી પર રોક લગાવી હતી.
 
અહેવાલ અનુસાર કોર્ટે અરજી સ્વીકારી છે અને રાજ્ય સરકાર, ગુજરાત આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન બોર્ડ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન સહિત અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે.

આ સાથે અહેવાલ અનુસાર હાઈકોર્ટે આ અરજીની સુનાવણી લગભગ બે દાયકાથી પેન્ડિંગ રહેલા સંબંધિત કેસ સાથે કરવાનો નિર્ણય લીધો છે. અગાઉની અરજી, એસોસિએશન ઓફ ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન દ્વારા 2006 માં દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના એક પરિપત્રને પડકારવામાં આવ્યો હતો જેમાં એમબીબીએસ-લાયકાત ધરાવતા ડોકટરો સિવાય અન્ય કોઈપણને ગુજરાતમાં એલોપેથીની પ્રેક્ટિસ કરવા પર  પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
 
નવી અરજી દાખલ થયા પછી, ગુજરાત મેડિકલ કાઉન્સિલે અરજીનો વિરોધ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. બુધવારે સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે તમામ પક્ષોને એક અઠવાડિયામાં તેમના જવાબો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આગળની સુનાવણી શિડ્યુલ કરી હતી.