Tue Aug 18 2026

Logo

અયોધ્યા રામ મંદિરના નવા સેક્રેટરી કોણ બનશે, જાણો મહારાષ્ટ્ર કનેક્શન?

2026-07-30 20:01:23
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: ઉત્તરપ્રદેશના અયોધ્યા રામ મંદિરની કમાન હવે મહારાષ્ટ્રના પુણેમાં રહેતા જગદીશ આફલે સંભાળશે. આઈઆઈટી બોમ્બેથી પાસઆઉટ આફલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)થી જોડાયેલા છે. આફલેના નામની ઔપચારિક જાહેરાત બીજી સપ્ટેમ્બરે કરવાની અપેક્ષા છે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવા આપનાર જગદીશ આફલે એક અનુભવી વ્યાવસાયિક છે. તેઓ અત્યંત પ્રામાણિક કાર્યકાળ ધરાવનાર વ્યક્તિ તરીકે જાણીતા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે તેમની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 
આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરના શ્રદ્ધાળુઓ રામ મંદિર માટેના દાન અને ચઢાવાની ચોરીને લઈને વ્યથિત છે એક એવો મુદ્દો જેણે લખનઉથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવાની ચર્ચા પણ જગાવી છે.

આફલે પાસે છે બહોળો અનુભવ 

ટ્રસ્ટે 22 જુલાઈએ યોજાયેલી બેઠકમાં સેક્રેટરી અને પ્રવક્તાના હોદ્દાઓ ઊભા કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રસ્ટના વચગાળાના જનરલ સેક્રેટરી કૃષ્ણમોહને પુષ્ટિ કરી છે કે ટ્રસ્ટ સેક્રેટરીના પદ માટે આફલેના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમની નિમણૂકને ઔપચારિક સ્વરૂપ આપવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

પુણેના રહેવાસી એવા આફલેના આરએસએસ સાથે ગાઢ સંબંધો છે. તેમણે આઈઆઈટી  બોમ્બેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક અને એમટેકની પદવી મેળવી છે, તેમણે ભારત, યુરોપ અને અમેરિકાની કંપનીઓમાં કામ કર્યું છે તેમની પ્રભાવશાળી લાયકાતને જોતા સેક્રેટરી તરીકેની તેમની નિમણૂક હવે માત્ર એક ઔપચારિકતા માનવામાં આવે છે.

આંદોલનકારીથી ટ્રસ્ટના સેક્રેટરી સુધીની સફર 

જગદીશ આફલે 1992માં રામ મંદિર આંદોલન દરમિયાન એક કારસેવક અને આંદોલનકારી રહ્યા હતા, જયારે રામ મંદિરના નિર્માણકાર્યનો માર્ગ સાફ થયો ત્યારે તેમણે અયોધ્યા જઈને પ્રોજેકટ મેનેજરની જવાબદારી સંભાળી હતી. હવે જગદીશું આફલે દાનચોરી વિવાદ વચ્ચે રામમંદિર ટ્રસ્ટના સેક્રેટરીની જવાબદારી સંભાળશે. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી રહેલા જગદીશ આફલેના નામની ઔપચારિકપણે જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. 

અમેરિકામાં આરએસએસની જવાબદારી સંભાળી 

રામ મંદિર પ્રોજેક્ટ મેનેજર રહી ચૂકેલા આફલે પુણેના પદ્માવતી વિસ્તારના રહેવાસી છે. તેમની પત્ની માધુરી પણ મંદિર વાસ્તુકલા અને મૂર્તિકલાના જાણકાર છે. બંને અયોધ્યામાં મંદિર નિર્માણકાર્યની જવાબદારી સંભાળી ચુક્યા છે. આફલે દંપતીએ આ પહેલા સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે પણ કાર્ય કર્યું છે. તેઓ લગભગ ત્રણ વર્ષ સુધી પૂર્ણકાલીન સ્વયં સેવક તરીકે સેવા આપી ચુક્યા છે. જગદીશ આફલે 1989થી રામ મંદિર આંદોલનથી જોડાયેલા છે. 1989માં રામશીલા પૂજન દરમિયાન અયોધ્યા રામશીલા લઈને પહોંચ્યા હતા. તે 1991-92માં નીકળેલી રથયાત્રામાં પણ ભાગ લઇ ચુક્યા છે.