Sun May 31 2026

Logo

સુખનો પાસવર્ડ ...અને ‘હું પણ કંઈક છું’  એવા બોજ વિના જીવવું જોઈએ...

2026-05-31 09:22:00
Author: Ashu Patel
Article Image

 

- આશુ પટેલ

ઘણા સમય પછી હમણાં  લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું બન્યું. ત્યારે એક ઉતારુની કોણી બીજા ઉતારુને લાગી ગઈ એટલે જેને કોણી વાગી હતી તે ઉતારુ ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો એટલે સામે પેલો ઉતારુ પણ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, ‘તું મને ઓળખતો નથી. હું કોણ છું એ ખબર પડશે તો તારી બધી હોશિયારી નીકળી જશે.’ બંને વચ્ચે ઝઘડો વધી ગયો. છેવટે બીજા ઉતારુઓ વચ્ચે પડ્યા અને તે બંનેને શાંત પાડ્યા.

તે બંનેનો ઝઘડો જોઈને મને થોડા દિવસ અગાઉ વોટ્સ એપ પર કોઈ મિત્રએ એક લાંબો મેસેજ શેર કર્યો હતો એ યાદ આવી ગયો. એમાં બીજી બધી ટિપિકલ વોટ્સ એપ મેસેજ ટાઇપ વાતો લખી હતી જે કંટાળાજનક હતી, પણ એમાં શરૂઆતમાં એક કિસ્સો લખ્યો હતો એ ગમી ગયો. એના પરથી આ વખતે કૉલમ લખવાનો વિચાર આવ્યો. એ કિસ્સાની ભાષા સુધારીને અહીં મૂકું છું....

એક સ્ત્રી બસમાં ચડી અને એક પુરુષની બાજુમાં બેસી. એ વખતે તેની બૅગ પુરુષને વાગી ગઈ, પણ તે પુરુષ ચૂપ રહ્યો. તે કશું જ બોલ્યો નહીં. તે શાંત બેઠો રહ્યો એટલે સ્ત્રીને નવાઈ લાગી. તેણે પૂછ્યુ, ’તમને મારી બૅગ વાગી, છતાં તમે ફરિયાદ કેમ ન કરી? તમને મારા પર ગુસ્સો ન આવ્યો?’

પુરુષે હસીને જવાબ આપ્યો, ‘આટલી નાની વાતમાં ગુસ્સે થવાની જરૂર નથી, કારણ કે આમેય  તમારી સાથેની મારી આ યાત્રા ખૂબ જ ટૂંકી છે. હું આવતા સ્ટૉપ પર જ ઊતરી જઈશ. એટલી યાત્રામાં શું ઝઘડો કરવો?’

તેના જવાબથી તે સ્ત્રી ખૂબ ભાવુક થઈ ગઈ. તેણે  માફી માગીને  કહ્યું કે ‘તમારી વાત સાચી છે. ‘યાત્રા ટૂંકી છે’ આ શબ્દો યાદ રાખીને જ જીવવું જોઈએ. જીવન પણ એક ખૂબ જ ટૂંકી યાત્રા સમાન છે અને આ સંસારમાં આપણો સમય એટલો ઓછો છે કે અકારણ કે સકારણ ઝઘડા, નકામી દલીલો, બીજાને માફ ન કરવા, અહંકાર અને નકારાત્મક લાગણીઓ સાથે જીવવું એ ખરેખર સમય અને શક્તિનો મૂર્ખતાપૂર્ણ વેડફાટ કરવા સમાન છે.’

આપણે જીવનને એક યાત્રીની જેમ, એક મુસાફરની જેમ જીવી જવું જોઈએ. સફરમાં ઘણા માણસો મળી જાય, એમાંના ઘણા બહુ ગમી જાય અને કેટલાક તો બિલકુલ ન ગમે.

કોઈ સંતે કહ્યું છે કે દુનિયા એક ધર્મશાળા જેવી છે. બધા થોડો સમય માટે મળે છે અને પછી છૂટા પડી જાય છે. જોકે આટલી સહજ વાત લોકોને સમજાતી નથી એટલે નાની નાની વાતે લોકો વચ્ચે ઝઘડા થતા રહે છે. એકબીજાને બતાવી દેવાનું ઝનૂન ચડતું રહે છે. સોશ્યલ મીડિયા પર લોકો ઝઘડતા રહે છે.

આ સંદર્ભમાં સિકંદર અને એક સંન્યાસીની વાત જાણવા જેવી છે. સિકંદર જ્યારે વિશ્વવિજેતા બનવા નીકળી પડ્યો હતો એ વખતે તેના લશ્કર સાથે ભારતના એક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે તેણે એક સંન્યાસી જોયો. તે સંન્યાસી વૃક્ષના છાંયડે આડો પડ્યો હતો અને આંખો મીંચીને સૂતાં-સૂતાં કશુંક બોલી રહ્યો હતો.

સિકંદરે તેના કાફલાને રોક્યો અને તેણે દુભાષિયાની મદદથી તે સંન્યાસીને પૂછ્યું: તમે કોણ છો?

સંન્યાસીએ જવાબ આપ્યો, ‘હું કોઈ નથી.’

સિકંદરને આશ્ર્ચર્ય થયું કે આ માણસ ‘કોઈ નથી’ એટલે શું? દરેક માણસ કશુંક તો હોય જ ને! તેણે ફરી પૂછ્યું, ‘તમારુંં નામ શું છે?’

સંન્યાસીએ કહ્યું, ‘મારું કોઈ નામ નથી, મારું કોઈ શરીર નથી, મારી કોઈ ઇચ્છા નથી. મારી કોઈ ઝંખના નથી. હું પ્રકૃતિનો એક હિસ્સો છું.’ પછી સંન્યાસીએ દુભાષિયાને પૂછ્યું કે ‘આ કોણ છે?’

દુભાષિયાએ કહ્યું કે ‘તેઓ તો એલેકઝાન્ડર ધ ગ્રેટ છે-સિકંદર છે. તેમણે અડધી દુનિયા જીતી લીધી છે અને આખી દુનિયા જીતીને તેઓ મહાન બનવા ઇચ્છે છે.’

આ સાંભળીને સંન્યાસીએ સિકંદરને પૂછ્યું, ‘મહાનથી પણ મહાન બનવાનું વિચાર, ભાઈ!’

સિકંદરે આશ્ર્ચર્યચકિત બનીને પૂછ્યું ‘મહાનથી પણ મહાન કોણ હોય?’

સંન્યાસીએ કહ્યું, ‘મહાનથી મહાન એ હોય જે કોઈનાથી પણ ડરે નહીં, પણ તમે તો ડરપોક લાગો છો!’

સિકંદરે કહ્યું, ‘મને ડરાવી શકે એવો કોઈ માણસ આ દુનિયામાં પાક્યો નથી.’

એ વખતે પેલા  સંન્યાસીની બાજુમાં તેનો એક શિષ્ય પથ્થરોનો કામચલાઉ ચૂલો કરીને કશુંક પકાવી રહ્યો હતો. સંન્યાસીએ એ ચૂલામાંથી એક સળગતું લાકડું ઉઠાવ્યું. અને તે સિકંદર તરફ ઘસી ગયો. તરત જ સિકંદરના સૈનિકો વચ્ચે પડ્યા.

સંન્યાસીએ કહ્યું કે ‘તમારો સમ્રાટ તો કોઈનાથી ડરતો નથી. તો આ અમસ્તા બળતા લાકડાથી કેમ ગભરાઈ રહ્યો છે!’

સિકંદરે કહ્યું, ‘સળગતાં લાકડાથી તો કોઈને પણ ડર લાગે જ ને!’

સંન્યાસીએ કહ્યું, ‘તો તું ભીરુ માણસ છે!’

એટલું કહીને તે સળગતા લાકડાથી પોતાનો હાથ બાળવા લાગ્યો!

સિકંદરને કમકમાટી આવી ગઈ તેણે બૂમ પાડી, ‘અરે, આ શું કરી રહ્યા છો?’ તેણે આદેશ આપ્યો એટલે તેના સૈનિકોએ તે સંન્યાસીના હાથમાંથી સળગતું લાકડું ઝૂંટવી લીધું અને દૂર ફેંકી દીધું.

સાધુએ સિકંદરને કહ્યું કે તેં જે યુદ્ધો કર્યાં છે તે યુદ્ધોથી ઘણું મોટું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. અને એ યુદ્ધભૂમિમાં સૌથી મહાન યોદ્ધા અર્જુનના સારથિ બનેલા કૃષ્ણએ અંતિમ સત્ય કહ્યું હતું કે ‘આત્માને શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ સૂકવી શકતો નથી. આત્મા અજય છે.’

સિકંદરે પૂછયું, ‘તો આત્મા ક્યાં છે?’

‘એ તારામાં છે, મારામાં છે, તારા આ દરેક આ સૈનિકમાં છે, આ વૃક્ષમાં છે, એનાં પાંદડાંમાં છે, આ ધૂળના દરેકેદરેક કણમાં છે.’

નાની-નાની વાતે લડવા નીકળી પડતા લોકોને જોઈને આ વાત યાદ આવતી રહે છે. આપણે આત્માને ભૂલ્યા વિના માત્ર આપણા શરીરને, આપણા ‘હું’ને કેટલું બધું મહત્ત્વ આપીને આખી જિંદગી બોજ સાથે જીવતા રહીએ છીએ!

કોઈ પ્રકારના અહંકાર વિના, નકારાત્મક લાગણીઓ વિના અને હું કંઈક છું એવા બોજ વિના જીવવું જોઈએ. એમાં જ આપણા જીવનની ખરી સાર્થકતા છે...