Fri Apr 17 2026

Logo

આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો: ગુજરાત હાઈ કોર્ટે વચગાળાની રાહત આપવાનો કર્યો ઈનકાર

2026-04-17 16:54:25
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાત હાઈ કોર્ટે મોટેરા સ્થિત આસારામ આશ્રમ સામેની કાયદાકી લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગુજરાત હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે 16 એપ્રિલના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપતા આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી, જેને લઈ હવે આશ્રમ તોડવાનો માર્ગ મોકળો બન્યો છે.

કોર્ટના આ નિર્ણયથી અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી 45,000 ચોરસ મીટરથી વધુની અત્યંત કિંમતી જમીન પરત લેવાનો રાજ્ય સરકારનો માર્ગ મોકળો થયો હતો. અગાઉ અમદાવાદ જિલ્લા કલેક્ટરે શરતોના ભંગ અને ગેરકાયદે દબાણ બદલ આ જમીન પરત લેવાનો હુકમ કર્યો હતો, જેને હાઈ કોર્ટે કાયદેસર રીતે યોગ્ય ઠેરવ્યો હતો.

આ જમીન વ્યૂહાત્મક રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ બાજુમાં આવેલી હોવાથી તેનું મહત્વ વધી જાય છે. રાજ્ય સરકાર આ વિસ્તારને ભવિષ્યના 'સ્પોર્ટ્સ હબ' તરીકે વિકસાવવા માંગે છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓના આયોજન માટે આ જમીન પાયાની કડી સાબિત થશે. 

સેટેલાઈટ મેપિંગ દ્વારા આશ્રમ દ્વારા કરાયેલા દબાણો સાબિત થતા કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગેરકાયદેસર કબજાને કાયદેસર બનાવી શકાય નહીં, જેના પરિણામે હવે આ જમીન પર અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.